Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Hindu Lifestyle Seminar – London UK

હિન્દુ લાઈફ સ્ટાઈલ સેમિનાર, લંડન

એસજીવીપી ગુરુકુલ – અમદાવાદની શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર – યુ.કે. દ્વારા લંડન ખાતે ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીના સાંનિધ્યમાં છેલ્લા ૧૭ વર્ષથી હિંદુ લાઈફ-સ્ટાઈલ સેમિનારનું આયોજન કરવામાં આવે છે. આ સેમિનારનો લાભ લેવા યુ.કે.ના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો પધારે છે અને હિંદુ ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરે છે.

આ વર્ષે પણ પરમ પૂજ્ય ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીના આશીર્વાદ સાથે તા. ૩૧ જુલાઈ થી ૪ ઓગસ્ટ, ૨૦૨૪ દરમિયાન પંચદિનાત્મક ‘હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનાર’નું આયોજન કરવામાં આવ્યું હતું. ઈ.સ. ૨૦૨૬માં ‘શિક્ષાપત્રી’ ગ્રંથ રચનાને બસો વર્ષ પૂર્ણ થતા હોવાથી આ વર્ષે સેમિનારની થીમ ‘શિક્ષાપત્રી’ આધારિત રાખવામાં આવી હતી.

ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં ‘પોતાના આશ્રિતોને દર્શાવેલી દિનચર્યા’ને દર્શાવતું વેલકમ સુશોભન કરવામાં આવ્યું હતું. અહીં દિનચર્યાને સરળતાથી સમજી શકાય તે રીતે નાનકડા પૂતળાઓનું પ્રદર્શન તથા કાપડ ઉપર શિક્ષાપત્રીના મૂળ સંસ્કૃત શ્લોકો તથા અંગ્રેજીમાં ભાષાંતરનું આલેખન યુવાનોએ સ્વહસ્તે કર્યું હતું. સભામંડપમાં પણ ભારતીય ભાતીગળ સંસ્કૃતિનું દર્શન થાય તે રીતે સુંદર સુશોભન કરવામાં આવ્યું હતું. આ સુંદર સુશોભન કરવામાં લંડનમાં વસતા યુવાન ભાઈ-બહેનો તથા બાળકોએ ખૂબ જ પુરુષાર્થ કર્યો હતો.

ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ પાંચ દિવસ સુધી દરરોજ ભારતથી ઓનલાઈન જોડાઈને ‘શિક્ષાપત્રીની વૈદિકતા’ને આધારે માનનીય કથા કરી હતી. તેમજ ભક્તજનોના મનમાં ઉઠતા પ્રશ્નોના સમાધાન કરીને સત્સંગનો લાભ આપ્યો હતો.

સ્વામીશ્રીએ શિક્ષાપત્રી ગ્રંથના પ્રથમ શ્લોકને મધ્યમાં રાખીને વૈદિક હિંદુ ધર્મના મહત્વને સમજાવતા કહ્યું હતું કે, “આપણો ધર્મ સનાતન છે, એનો આદિ અને અંત નથી. સનાતન ધર્મ સૌથી પ્રાચીન હોવા છતાં નિત્ય નૂતન છે. જ્ઞાન-વિજ્ઞાનનો ભંડાર છે. સનાતન ધર્મ લોકોને આ લોકમાં પણ સુખી કરે છે એટલે કે ભૌતિક રીતે ઉન્નતિ આપે છે અને પરલોકમાં પણ સુખી કરે છે. સત્શાસ્ત્રો અને સંતોના યોગે કરીને આજે સનાતન ધર્મ અડીખમ ઊભો છે. સનાતન ધર્મના અનેક મહાન ગ્રંથો છે, જેને આપણે જ્ઞાનનો ભંડાર કહી શકીએ. ભગવાન શ્રી સ્વામિનારાયણે પૂર્વાપરની દૃષ્ટિથી એ તમામ શાસ્ત્રોના સાર સ્વરૂપ નાનકડો ગ્રંથ શિક્ષાપત્રી પ્રદાન કરી માનવજાતને મહાન ભેટ આપી છે. શિક્ષાપત્રી સાડા ત્રણસો ઉપરાંત ગ્રંથના સાર રૂપ છે. આ ગ્રંથને અનુસરવાથી આપણી જન્મ-જન્માન્તરની વાસના નષ્ટ થાય છે અને શ્રીહરિ પ્રસન્ન થાય છે.”

આ સેમિનારમાં પૂજ્ય સ્વામીશ્રીના પ્રતિનિધિ તરીકે પધારેલા પૂજ્ય રામસુખદાસજી સ્વામીએ પ્રસંગોપાત પ્રેરણાદાયી વાતો કરી આશીર્વાદ પ્રદાન કર્યા હતા. સ્વામી ભક્તિવેદાંતદાસજીએ શિક્ષાપત્રીના શ્લોકો ઉપર મનનીય પ્રવચનો કરી ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞાઓના હાર્દને સમજાવ્યા હતા. યુવાન સંતો શાસ્ત્રી યજ્ઞવલ્લભદાસજી સ્વામી, શાસ્ત્રી નિરંજનદાસજી સ્વામી, શાસ્ત્રી વિશ્વમંગલદાસજી સ્વામી, શાસ્ત્રી શુકવલ્લભદાસજી સ્વામીએ શિક્ષાપત્રીના વિવિધ વિષયો ઉપર શાસ્ત્રીય વ્યાખ્યાનો રજૂ કરી મંગલ પ્રેરણાઓ આપી હતી.

આ સેમિનાર દરમિયાન શનિવારે સવારે સુંદરકાંડનો પાઠ તેમજ રવિવારે સવારે શ્રી મહાદેવજીના પૂજન સાથે સાથે પંચામૃત અભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં ભક્તોજનો ખૂબ જ ભક્તિભાવથી જોડાયા હતા.

આ સેમિનાર દરમિયાન નાના બાળકો તેમજ યુવાનોએ ખૂબ જ રોચક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. નાના બાળકોએ સંસ્કૃત શ્લોકો, ગુજરાતી કાવ્યો તેમજ કથાઓ રજૂ કરી હતી. તદુપરાંત ‘ભારત ભાગ્ય વિધાતા’ નૃત્યનાટીકા, ‘ભક્તરાજ અભેસિંહની ટેક’ રૂપક, લોકડાયરા જેવી કૃતિઓ રજુ કરી પ્રેક્ષકોને ખૂબ જ પ્રસન્ન કર્યા હતા.

એ જ રીતે રવિવારે મધ્યાહ્ન કાળે મહિલામંચ તેમજ મહિલા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાની બાલિકાઓ તેમજ યુવાન બહેનોએ પોતાની કલા રજૂ કરી હતી. જેમાં વિવિધ પ્રકારના નૃત્યો, રાસ, ગરબા તેમજ કીર્તન ગાન રજૂ થયા હતા.

હિંદુ લાઈફ-સ્ટાઈલ સેમિનારની એક અનોખી પ્રવૃત્તિ હતી ‘યૂથ કેમ્પ’. સેમિનારમાં પોતાના માતા-પિતા સાથે આવનારા નાના બાળકો માટે એક અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં બાળકોને વિવિધ પ્રકારના પ્રેઝન્ટેશન, વાર્તા કથન, કીર્તન ગાન, ઈન્ડોર તથા આઉટડોર ગેમ્સ દ્વારા ભારતીય સંસ્કૃતિના સુંદર સંસ્કાર આપવામાં આવતા હતા.

આ કાર્યક્રમમાં પધારનારા ભક્તજનોને ભોજન પ્રસાદની વ્યવસ્થા તથા વિવિધ આયોજનોને સફળ કરવા માટે ગુરુકુલ પરિવારના યજમાનો તેમજ સ્વયંસેવક ભાઈ-બહેનોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. ગુરુકુલ પરિવારના સ્વયંસેવકોના રાત્રિ-દિવસના પુરુષાર્થે કરીને ‘હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનાર’ સફળતા પૂર્વક સંપન્ન થયો હતો.

આ સેમિનારને માણવા માટે અનેકક્ષેત્રના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભારતીય વિદ્યા ભવનના અધ્યક્ષ વિદ્વાન શ્રી એમ.એન.નંદકુમારજી, શ્રી રાજરાજેશ્વર ગુરુજી – સિદ્ધાશ્રમ લંડન, શ્રી શશિભાઈ વેકરીયા – વાસક્રોફ્ટ કન્સ્ટ્રક્શન, શ્રી પરબતભાઈ કેરાઈ – પ્રમુખશ્રી, સ્વા.મંદિર વુલ્વીચ, શ્રી મનુભાઈ ગાજપરીયા – કિંગ્સ કીચન, શ્રી વિનોદભાઈ હાલાઈ – યુરોકેન, મિ. સ્ટીવન ડર્બી – જુઈસ કમ્યુનીટિ, શ્રી

નારાયણભાઈ રાઘવાણી – ટ્રસ્ટીશ્રી, શ્રી શામજીભાઈ વેકરીયા – પ્રમુખશ્રી, સ્વા.મંદિર ઈસ્ટ લંડન, શ્રી માવજીભાઈ વેકરીયા – પ્રમુખશ્રી કચ્છી સમાજ, શ્રીમતી તૃપ્તિબેન પટેલ – હિંદુ ફોરમ ઓફ બ્રિટેન, શ્રી સી.બી. પટેલ – ગુજરાત સમાચાર, શ્રી ભીમજીભાઈ વેકરીયા – સ્કોટલેન્ડ યાર્ડ, શ્રી વિનોદભાઈ કોટેચા – ટ્રસ્ટીશ્રી એશીયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, કેતનભાઈ મહેતા – ટ્રસ્ટીશ્રી એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ વગેરે વિવિધ ધાર્મિક તેમજ સામાજીક સંસ્થામાંથી આગેવાનો પધાર્યા હતા.

આ સેમિનારમાં રાજદ્વારેથી મહાનુભાવોએ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મેયર શ્રીમતી ઉષાબેન પટેલ, ડે.મેયર શ્રીમતી અંજનાબેન પટેલ, પૂર્વ મેયર શ્રી હિતેશભાઈ ટેઈલર, કાઉન્સિલર શ્રી રામજીભાઈ ખીરોયા, કાઉન્સિલર ચેતનાબેન હાલાઈ, કાઉન્સિલર જયંતિભાઈ પટેલ, કાઉન્સિલર રામજીભાઈ ચૌહાણ, કાઉન્સિલર કાંતિભાઈ રાબડીયા ઉપરાંત લંડન, ઈસ્ટ લંડન, વુલ્વીચ, કેન્વી આઈલેન્ડ, લેસ્ટર, નોર્ધમ્પ્ટન, બર્મીંગહામ, બોલ્ટન, ઓલ્ડહામ, કાર્ડિફ, બાથ જેવા યુ.કે.ના ના વિવિધ વિસ્તારોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

Achieved

Category

Tags