Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Hindu Lifestyle Seminar, London – 2022

Photo Gallery

ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની ઉપસ્થિતીમાં લંડન ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર – યુ.કે. દ્વારા ‘હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનાર’નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે.

સ્વામીશ્રી માધવપ્રિયદાસજીનું હૃદય પ્રેમ અને કરૂણાથી ભરેલું છે. સમસ્ત વિશ્વને તેમણે પોતાનો પરિવાર માન્યો છે. કોવિડની કપરી પરિસ્થિતીમાં અનેક સ્નેહીજનોએ આલોકમાંથી વિદાય લીધી, તેથી સ્વામીશ્રીના સંકલ્પ અનુસાર હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનાર પ્રસંગે કોવિડ દરમિયાન અક્ષરવાસી થયેલા આત્માઓની પવિત્ર સ્મૃતિમાં ‘શ્રીમદ્‌ ભાગવત પારાયણ’નું આયોજન કરવામાં આવ્યું.

તા. ૬ થી ૧૦ જુલાઈ, ૨૦૨૨ દરમિયાન SKLPC – નોર્થહોલ્ટ, લંડન ખાતે યોજાએલા સિમેનારની પૂર્વ સંધ્યાએ, કોવિડની કપરી પરિસ્થિતીમાં જે જે જીવાત્માઓએ વિદાય લીધી હતી તેમના પરિવારજનોએ પિતૃપૂજન તથા પોથીપૂજનનો લાભ લીધો હતો.

પંચદિનાત્મક કથા દરમિયાન પૂજ્ય સ્વામીશ્રીએ વ્યાસાસને બિરાજીને ભાગવતજીની પવિત્ર કથાનો લાભ આપ્યો હતો. સ્વામીશ્રીએ આધુનિક યુગને અનુરૂપ ભાગવતજીની મૂળ કથાની સાથે કથાના રહસ્યોની સમજ આપી હતી. તેઓશ્રીએ સૃષ્ટિ પ્રક્રિયા, ભગવાનના વિવિધ અવતારો, હિંદુ ધર્મની વિશિષ્ટતા, પૂતના ઉદ્ધાર, તૃણાવર્ત ઉદ્ધાર, ગોવર્ધનધારી ભગવાન શ્રીકૃષ્ણનું ચરિત્ર વગેરે વિષયોને આધારે ખૂબ જ સુંદર સમજ આપી હતી.
શ્રીમદ્‌ ભાગવતજીની કથા અંતર્ગત ગોવર્ધનલીલાની કથાના સમયે ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતા. લંડન નિવાસી બહેનો ભક્તો ભગવાનને અન્નકૂટ ધરાવવા માટે પવિત્રપણે બનાવેલી વાનગીઓ લાવ્યા હતા, જેને અન્નકૂટના સ્વરૂપ સુંદર સજાવટ સાથે ભગવાનને ધરાવવામાં આવી હતી. કથાના અંતિમ ચરણમાં વિવિધ પ્રકારના થાળનું ગાન કરીને ભગવાનને અન્નકૂટ જમાડવામાં આવ્યા હતા.
આ કથા દરમિયાન ગુજરાતના સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર જીજ્ઞેશદાદાએ ઉપસ્થિત રહીને ભક્તજનોને પ્રેરણાત્મક બોધ પાઠવ્યો હતો.

સેમિનાર દરમિયાન લંડનમાં રહેતા નાના બાળકો તથા યુવાનોએ ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. જેમાં રાસ, સંસ્કાર પ્રેરક રૂપકો, કીર્તનગાન, પ્રવચન, કોવિડની કપરી પરિસ્થિતીમાં લોકોની સેવા કરનારા ડોક્ટરમિત્રો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતું માઈમ રજૂ કરવામાં આવ્યું હતું.
બાળકો તથા યુવાનો દ્વારા રજૂ થયેલા સુંદર કાર્યક્રમને નિહાળીને સ્વામીશ્રીએ પોતાના હૃદયની પ્રસન્નતા વ્યક્ત કરતા SGVP ગુરુકુલ પરિવારના બાળકો તથા યુવાનોને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.

રવિવારે ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો હતો. એકાદશીનો પવિત્ર દિવસ હોવાથી સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. એકાદશીના પવિત્ર દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનોએ મહાપૂજાનો લાભ લઈને ગણપતિજી તથા ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂજા કરી હતી.
સ્વામીશ્રી સાથે ‘SGVP દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલય’ના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી જ્વલંતભાઈ મહેતા લંડન આવ્યા હતા. તેઓશ્રીએ એક એક વિધીનું મહત્ત્વ સમજાવીને વૈદિક મંત્રોના ગાન સાથે ખૂબ જ સુંદર મહાપૂજા કરાવી હતી. આ પ્રસંગે સ્વામીશ્રીએ મહાપૂજાનું મહત્ત્વ સમજાવ્યું હતું.
મધ્યાહ્ન સમયે યુ.કે. નિવાસી SGVP ગુરુકુલ પરિવારની બાલિકા તથા બહેનોએ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને પ્રેક્ષકોને ભક્તિના રંગે રંગી દીધા હતા.

ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારના રાસ, ગરબા, રૂપક, રાધાકૃષ્ણના પ્રેમનું વર્ણન કરતું નૃત્ય વગેરે અનોખા અંદાજથી રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ‘Inside UK’ કાર્યક્રમ અંતર્ગત ચાલી રહેલા મહિલા સુરક્ષાના પ્રોજેક્ટ અંગે જાગૃતિ લાવવા ખૂબ જ સુંદર સમજ આપવામાં આવી હતી. મહિલા સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન SGVP ગુરુકુલ પરિવારના બહેનોએ જ કર્યું હતું.

SGVP ગુરુકુલ પરિવારના યુવાન ભાઈ-બહેનો હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનારની પૂર્વતૈયારીઓ ખૂબ જ ઉત્સાહ પૂર્વક કરતા હોય છે. સેમિનારના પરિસરમાં પ્રવેશ કરતાની સાથે જ સૌપ્ર થમ ભગવાનના દર્શન થતા હતા. ત્યારબાદ SGVP ગુરુકુલ દ્વારા ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય સેવા-પ્રવૃત્તિઓનું દર્શન કરાવતું ફોટો પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.

શ્રીમદ્‌ ભાગવતજીની કથા અંતર્ગત ‘દશાવતાર’નું સુંદર દર્શન કરાવતું પ્રદર્શન સ્વયંસેવિકા બહેનોએ તૈયાર કર્યું હતું. જેમાં ભગવાનના દશાવતારના સ્ટેચ્યુ રાખીને સૌને દશાવતારની સમજ પ્રાપ્ત થાય તેવી તૈયારીઓ કરવામાં આવી હતી.
હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનાર દરમિયાન જે જે ભક્તજનો પધારે તે બધા જ ભક્તજનો માટે વિવિધ પ્રકારના અલ્પાહાર તથા ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી.

આ સેમિનાર દરમિયાન વિવિધ ધર્મના ધર્માચાર્યો, રાજકીય મહાનુભાવો, વિવિધ સમાજના અગ્રણીઓ, હિંદુ મંદિરના ટ્રસ્ટીઓ તથા લંડન તથા યુ.કે.ના વિવિધ વિસ્તારમાં વસતા ભક્તજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Achieved

Category

Tags