Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Hindu Lifestyle Seminar – 2016, London, UK

સ્વામી શ્રી માધવપ્રિયદાસજીના સાનિધ્યમાં લંડન મુકામે જુલાઈ ૦૧ થી ૦૩, ૨૦૧૬ દરમ્યાન ત્રિદિનાત્મક હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનારનું આયોજન થયું હતું.

 
નોર્થહોલ્ટ મુકામે આવેલ ‘શ્રી કચ્છ લેવા પટેલ સમાજ’(SKLPC) માં આયોજીત આ સેમિનારના મંગલ ઉદ્‌ઘાટન પ્રસંગે સ્વામીશ્રીએ સૌના અંતરમાં રહેલો ચૈતન્ય જ્ઞાનના પ્રકાશથી પ્રજ્વલિત બને તેવી મંગલ ભાવના સાથે દીપ પ્રાગટ્ય કર્યું હતું. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ સ્વામીશ્રીની સાથે જોડાયા હતા. જેમાં શ્રી રવજીભાઈ વરસાણી-મોશી, હરિભાઈ હાલાઈ (ટ્રસ્ટીશ્રી, હિંદુ ફોર્મ ઓફ બ્રિટન), ગોવિંદભાઈ વાગજીયાણી, ભીમજીભાઈ વેકરીયા(મેટ્રો પોલીટન, ચીફ પોલીસ ઓફિસર), ધનજીભાઈ વેકરીયા(ગોલોક કન્સ્ટ્રક્શન, નાઈરોબી), ધનજીભાઈ ભંડેરી, મિતેશભાઈ વેકરીયા(ડાયરેક્ટર ઓફ વાસક્રોફ્ટ ફાઉન્ડેશન), વિશ્રામભાઈ વરસાણી-કાર્ડિફ, કાનજીભાઈ હિરાણી(ચેરમેન ઓફ ટ્રસ્ટી બોર્ડ-SKLPC), વાલજીભાઈ રાઘવાણી-બળદિયા, SGVP ગુરુકુલ પરિવારના અગ્રણી રવજીભાઈ હિરાણી, સમાજના સેક્રેટરી સૂર્યકાંતભાઈ વરસાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વૈદિક મંત્રોના ગાન સાથે થયેલા દીપ પ્રાગટ્ય પ્રસંગે સભામાં અનેરી દિવ્યતા છવાઈ હતી.

 
સંત પૂજન અને સ્વામી રામસુખદાસજી દ્વારા થયેલા પ્રાસ્તાવિક પ્રવચન બાદ સ્વામીશ્રી માધવપ્રિયદાસજીએ ભક્તજનોને જીવન સંદેશ પાઠવ્યો હતો. સર્વશાસ્ત્રોના સારરૂપ વચનામૃતના એક પ્રકરણના સંદર્ભોનું ઉદ્‌ઘાટન કરતા સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, “આ સેમિનારનો વિષય છે, ‘ચલો, આપણે ઘેર…’ આ વિશે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે, પંખી સાંજે માળે આવે છે. પશુ સાંજે ખીલે આવે છે. મનુષ્ય સાંજે ઘરે આવે છે એ જ રીતે સાધકોએ પરમાત્મ સ્વરૂપમાં વિરામ કરવાનો અભ્યાસ કરવો જોઈએ.”
“પરમાત્માનું સ્વરૂપ એ જ મનુષ્યનું સાચું ઘર અને વિરામ સ્થળ છે. આજના અતિવ્યસ્ત જીવનમાં જો આપણે આ અભ્યાસ કરીશું તો હૃદયમાં શાંતિ અને આનંદ રહેશે. માત્ર ભૌતિક સંપત્તિ પાછળની દોડ આપણને શાશ્વત આનંદ નહીં અપાવી શકે.”
“ભાગવતજીમાં કુબ્જાની કથા છે. કુબ્જાના હાથ કૃષ્ણના કંઠ સુધી પહોંચી ના શક્યા ત્યારે સ્વયં પ્રભુ થોડા નીચા નમ્યા અને કુબ્જાએ કૃષ્ણને પુષ્પમાળા પહેરાવી એ જ રીતે આપણા જેવા સાધારણ મનુષ્ય પરમાત્મા સુધી પહોંચી શકતા નથી ત્યારે પરમાત્મા સ્વયં અવતાર ધારણ કરી અવની પર પધારે છે અને આપણી પૂજાનો સ્વીકાર કરે છે.”
“સદ્‌ગુરુની કૃપા સિવાય પરમાત્મ સ્વરૂપને પામી શકાતું નથી.”
ત્રણ દિવસના આ સત્ર દરમિયાન સ્વામીશ્રીએ યુવાનોને આનંદ આવે એ રીતે વિજ્ઞાન અને શાસ્ત્રોની તુલના કરી પ્રવચનો આપ્યા હતા. પરમાત્મા કોઈ દૂર દૂરની ભૂમિકામાં જ વસે છે એવું નથી પરંતુ સૃષ્ટિના કણે કણમાં પરમાત્માનો વાસ છે માટે આપણે સૃષ્ટિ અને પ્રાણીમાત્ર પ્રત્યે આદર અને પ્રેમ રાખવો જોઈએ.
આ સેમિનારમાં સમાજના ઉપપ્રમુખ શ્રી વેલજીભાઈ વેકરીયાએ ખૂબ સરસ સભા સંચાલન કર્યું હતું. લંડન સ્થિત યુવાન ભાઈ-બહેનોએ ખૂબ જ જહેમત ઉઠાવીને પ્રસંગને શોભાવ્યો હતો. સભા મંડપના દ્વારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને આધારે ખૂબ સુંદર મોન્યુમેન્ટ બનાવવામાં આવ્યું હતું. સંસ્થાની પ્રવૃત્તિનું દર્શન તથા સ્વાદિષ્ટ મહાપ્રસાદ પ્રાપ્ત કરીને સૌ ભક્તજનો પ્રસન્ન થયા હતા.
હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનારમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજર હાજરી આપીને સંતદર્શન તથા કથાવાર્તાનો લાભ લીધો હતો.

Achieved

Category

Tags