Hindu Lifestyle Seminar, Bolton UK (25-26 Jun, 2016)
સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી યુ.કે. સત્સંગ યાત્રાએ પધાર્યા છે. સ્વામીજીના સાનિધ્યમાં ભારતીય સંસ્કૃતિલક્ષી અનેકવિધ આયોજન થઈ રહ્યા છે.
યુ.કે. ના બોલ્ટન સીટીમાં આવેલ શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ખાતે ૨૫ – ૨૬ જૂન ૨૦૧૬ દરમ્યાન હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલ્ટન સ્થિત વિવિધ હિંદુ સંસ્થાના અનુયાયીઓએ ભાગ લીધો હતો.
સેમિનારના મંગલ પ્રારંભે સ્વામીજી તથા શ્રી કચ્છી લેવા પટેલ સમાજના આગેવાનોના વરદ હસ્તે વૈદિક મંત્રગાન સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સેમિનારમાં પધારેલા ભક્તજનોને સત્સંગ લાભ આપતા પૂ. સ્વામીજીએ ઓમકારનો મહિમા જણાવતા કહ્યું હતું કે, “વિશ્વની તમામ ભાષાઓ કરતા સંસ્કૃત ભાષા વિશાળ છે. સંસ્કૃતમાં ખૂબ જ ઊંડાણ છે. વેદોમાં અનેક પ્રકારના મંત્રો છે. તેમાં સર્વ મંત્રોનું બીજ ૐકાર છે. ૐકારમાં જ સર્વ શબ્દો સમાયેલા છે.”
“ૐકાર આપણી ચેતનાને ઉર્ધ્વગતિને પહોંચાડે છે. મનની સ્થિરતા અને ભગવદ્ આરાધના માટે સૌથી ઉત્તમ ૐકાર છે.
આપણે સૌએ દરરોજ ૐકારના વિવિધ પ્રયોગો દ્વારા પ્રાણાયામ કરવા જોઈએ.”
સ્વામીજીની જ્ઞાનસભર સરળતાથી બોધ પાઠવતી અમૃતવાણીથી સૌ ભાવિકો પ્રસન્ન થયા હતા.
આ પ્રસંગે સ્વામીજી સાથે પ્રશ્નોત્તરીનો અનોખો કાર્યક્રમ ગોઠવાયો હતો. જેમાં યુવાન ભાઈ-બહેનોએ પોતાના હૃદયમાં ઉપજતા અનેક પ્રશ્નો સ્વામીજીને પૂછ્યા હતા, જેના સ્વામીજીએ વર્તમાન સમયને આધારે ખૂબ જ સચોટ ઉત્તર પાઠવ્યા હતા.
આ સેમિનારમાં હિંદુ જીવન રીતિ, જીવનમાં દિવ્યતા પ્રગટાવવાના ઉપાયો તથા આત્મકલ્યાણના ઉપાયો વગેરે વિષયોને આધારે યુવાન સંતોએ પ્રેઝન્ટેશન સાથે મનનીય પ્રવચનો કર્યા હતા.
સેમિનારના દ્વિતીય દિને સવારે મહાપૂજાનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનોએ ભગવદ્ પૂજાનો લાભ લીધો હતો.
સમગ્ર સભા મંડપમાં ત્રિરંગા લહેરાઈ રહ્યા હતા. આખો સભામંડપ ભારતીયતાના રંગથી રંગાયેલો હતો. વિશાળ હોલની સજાવટમાં ઉત્સાહી બહેનોએ ખૂબ જ ભાવથી સેવા કરી હતી. શ્રી કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તથા કમિટીના સભ્યો તથા યુવાન ભાઈ-બહેનોએ સેમિનારને સફળ બનાવવામાં ઉત્સાહથી સેવા બજાવી હતી.