હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનાર – લંડન
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર – યુ.કે. દ્વારા લંડન મુકામે ‘હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનાર’નું આયોજન કરવામાં આવ્યું.શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે આરંભાયેલા આ સેમિનારના ઉદ્ઘાટન પ્રસંગે પરમ પૂજય સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, શ્રી શામજીભાઈ વેકરીયા, શ્રી ઘનશ્યામભાઈ પટેલ તથા શ્રી ગોવિંદભાઈ રાઘવાણીએ દીપ પ્રાગટ્ય કરીને સેમિનારનું ઉદ્ઘાટન કર્યું હતું. તા. ૨૦ થી ૨૨, જુન દરમ્યાન યોજાએલા આ સેમિનાર દરમ્યાન ભારતીય જીવન પદ્ધતિને આધારે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં યુવાનો અને મહિલાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, સમુહ મહાપૂજા તથા સંતોના પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમિનાર દરમ્યાન પરમ પૂજય સદ્ગુરવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ શિબિરાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘ઉપનિષદમાં બ્રહ્માજીએ દેવો, દાનવો અને માનવોને આપેલો દમન, દયા અને દાનનો ઉપદેશ આજના જમાનામાં પણ અત્યંત મહત્વનો છે. આ દેવ, દાનવ અને માનવ આકાશમાં કે પાતાળમાં છે કે નહીં તેની ખબર નથી. પરંતુ આ ત્રણેય માનવના મનમાં રહેલા છે. માણસે ઉત્શૃંખલ ભોગમાંથી મુક્ત થઈ ગીતામાં કહ્યું છે તેમ વિવેક પૂર્વક આહાર વિહારનું સેવન કરવું જોઈએ. માણસે હિંસા ભરેલી ક્રુરવૃત્તિથી મુક્ત થઈ દયા અને પ્રેમને માર્ગે ચાલવું જોઈએ. માણસે સ્વાર્થ કે લોભવૃત્તિથી મુક્ત થઈ સમર્પણ કરતા શીખવું જોઈએ. હિંસા, વિવેક વગરના ભોગ, સંગ્રહખોરી જીવનને નરકાગારમાં ફેરવે છે. આજે ખાવા ન મળે અને મરી જાય એવા માણસો ઓછા છે. પરંતુ વધારે પડતું ખાઈને મરનારાઓનો પાર નથી. આજે બે સમસ્યાઓ છે. એક છે ઓવર ઈટીંગની અને બીજી એથી ભયંકર સમસ્યા છે ઓવર અર્નીંગની. પેઢીઓની પેઢી સુધી ખાય છતાં ખુટે નહીં એટલી મુડી ભેળી કર્યા પછી પણ અકાંતરીયા ખાઉધરાની જેમ માણસને સંતોષ થતો નથી. માણસે પોતાની લક્ષ્મણરેખા પોતે જાતે જ દોરવી પડશે, જો સુખી થવું હોઈ તો.
’લંડનમાં રહેતા ગુરુકુલ પરિવારના યુવાનોએ સેમિનારના દ્વિતીય દિનની રાત્રીએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. જેમાં ભગવદ્ ભક્તિથી ભરેલું રૂપાભાઈનું સુંદર રૂપક અને દેશભક્તિથી ભરેલું અદ્ભૂત નાટક ‘શહિદ ભગતસિંહ’ રજૂ કરવામાં આવ્યું હતું. તદુપરાંત ભારતીય ઉત્સવોની ઝાંખી કરવાતો સુંદર રંગારંગ કાર્યક્રમ રજૂ થયો હતો.લંડનમાં મોટા થયેલા બહેનો અને બાલિકાઓ પણ ભારતીય સંસ્કૃતિ સભર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જેમાં રાસ, ગરબા, વ્યસનમુક્તિના રૂપકો, ભજન-સંકીર્તન વગેરેને નિહાળી પ્રેક્ષકોએ તાલીઓના નાદથી વધાવી લીધા હતા.રવિવારે સવારે યોજાએલ સમુહ મહાપૂજામાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ભગવાનની પૂજાનો લાભ લીધો હતો.આ સેમિનાર દરમ્યાન પૂજય શ્રી રામસુખદાસજી સ્વામીએ કાવ્ય પંક્તિઓનું શ્રવણ કરાવીને સૌને આનંદ પમાડ્યો હતો. પૂજય શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી તથા પૂજય શાસ્ત્રી શ્રી મુનિવત્સલદાસજી સ્વામીએ મનનીય પ્રવચન દ્વારા હિંદુ જીવન રીતિનો સદુપદેશ પાઠવ્યો હતો. પૂજય શ્રી દર્શનપ્રિયદાસજી સ્વામી તથા પાર્ષદ શ્રી ઘનશ્યામ ભગતે સુમધુર કંઠે ભજન-કીર્તનોનું શ્રવણ કરાવ્યું હતું. પૂજય શ્રી ભક્તિવેદાંતદાસજી સ્વામી તથા પૂજય શ્રી કુંજવિહારીદાસજી સ્વામીએ સ્વયંસેવકો સાથે રહીને સુંદર વ્યવસ્થા ગોઠવી હતી.આ પ્રસંગે મૂળ ગૌડીય સંપ્રદાયના સ્વામી શ્રી ભક્તિસ્વરૂપતીર્થજી મહારાજ, કોર્પોરેટ ચાણક્યના લેખક ડૉ.. શ્રી રાધાકૃષ્ણન્ પીલૈ તથા સિગ્મા ફાર્મસીવાળા શ્રી ભરતભાઈ શાહ વગેરે અનેક મહાનુભાવો તથા વિશાળ સંખ્યામાં ભક્ત સમુદાયે એકત્રિત થઈને સેમિનારનો લાભ લીધો હતો.સેમિનાર દરમ્યાન ગુરુકુલ પરિવારના ભાઈ-બહેનોએ રાત્રી દિવસ જહેમત ઉઠાવીને પ્રસંગ શોભાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી. તદુપરાંત શ્રી કચ્છી લેવા પટેલ સમાજના નાના-મોટા કાર્યકર્તાઓએ આ શિબિરને સફળ બનાવવામાં ખુબ જ સહકાર આપ્યો હતો. ઈસ્ટ લંડનના ભાઈ-બહેનોએ રસોડાની બધી જ જવાબદારી ઉઠાવી લીધી હતી. વિદેશમાં જયાં સમયની ખુબ જ શોર્ટેજ હોય છે, છતાં યુવાન ભાઈ-બહેનોએ સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવવા માટે ખુબ જ જહેમત ઉઠાવી હતી. ગુરુકુલના ભૂતપુર્વ વિદ્યાર્થીએ વિદેશની ધરતી ઉપર નાનકડા ગુરુકુલનું ભવ્ય દર્શન કરાવ્યું હતું.
Picture Gallery