પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ : ૩૭મી પુણ્યતિથિ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના સંસ્થાપક અને ગુરુકુલના માધ્યમથી શિક્ષણ, સંપ્રદાય અને સમાજની બહુજનલક્ષી બહુવિધ સેવાપ્રવૃત્તિઓના પ્રણેતા સદ્વિદ્યાસદ્ધર્મરક્ષક પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૩૭મી પુણ્યતિથિ પ્રસંગે, પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી SGVPની તમામ શાખા, કેન્દ્રોમાં વિશેષ ભજન, સેવા પ્રવૃતિઓ, અને ગુણાનુવાદ સભાના આયોજન થયા હતા.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, મેમનગર ખાતે મહા વદ બીજ, તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ચાર કલાક અખંડ ધૂન, રક્તદાન કેમ્પ, ગુણાનુવાદ સભા સાથે તીર્થજળથી સ્નાન કરાવવામાંઆવ્યું હતું.
સંતો, વિદ્યાર્થીઓ અને હરિભક્તોએ આ પ્રસંગે સવિશેષ ભજન કર્યું હતું. ગુણાનુવાદ સભામાં શાસ્ત્રી શ્રી મુનિવત્સલદાસજી સ્વામીએ, પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના જીવન પ્રસંગોને આધારે શાસ્ત્રોમાં કહેલાં સાધુના ત્રીસ લક્ષણો તેમના જીવનમાં ચરિતાર્થ થયેલા હતા તેનું ભાવવાહી વર્ણન કર્યું હતું. વિદ્યાર્થી ભિમાણી નિમિત્તે પણ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના જીવનકાર્યોનું વર્ણન કર્યું હતું.
પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ સમાજ અને સંપ્રદાયમાં પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના સેવકાર્યોનું મહત્ત્વ વર્ણવ્યું હતું.
તાજેતરમાં તા. ૦૫ જાન્યુઆરી થી ૦૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમ્યાન પૂજ્ય માધવચરણદાસજી સ્વામી, તથા સંતો અને હરિભક્તોએ અમદાવાદથી શ્રીજી જન્મભૂમિ છપૈયા સુધી પદયાત્રા કરી હતી. માર્ગમાં ગોકુળ, મથુરા, અયોધ્યા વગેરે તીર્થોમાં દર્શન કર્યા હતા. પદયાત્રા બાદ મહાકુંભ પ્રસંગે પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં સ્નાન કરી, શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ બનારસ, શ્રી મહાકાલેશ્વર મહાદેવ ઉજ્જૈન, શ્રી ૐકારેશ્વર મહાદેવ ઈન્દોર, વગેરે જ્યોતિર્લીંગ તીર્થોમાં પણ દર્શન કર્યા હતા. તે તમામ તીર્થોના પવિત્ર જળથી પૂજ્ય બાળકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે સંતો હરિભક્તોને સ્નાન કરાવવામાં આવ્યું હતું.