Photo Gallery
૨૪ જુલાઇ ૨૦૨૧, ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે, વહેલી સવારે SGVP ગુરુકુલની વિશાળ યજ્ઞશાળામાં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં શુક્લયજુર્વેદ, કૃષ્ણયજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનો અભ્યાસ કરતા નાના ઋષિકુમારોએ વૈદિક મંત્રોના ગાન સાથે, મહાકાય અજાનબાહુ વ્યાસ ભગવાનની મૂર્તિનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે ખાસ વિષ્ણુ યાગ રાખવામાં આવેલ.
વ્યાસ ભગવાને રચેલ ૧૮ પુરાણો શ્રીમદ્ ભાગવત, માર્કંન્ડેય પુરાણ, વિષ્ણુપુરાણ, શિવપુરાણ, લિંગપુરાણ, નારદપુરાણ, અગ્નિપુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, વરાહપુરાણ, સ્કંદપુરાણ, વામનપુરાણ, કુર્મપુરાણ, બ્રહ્માંડપુરાણ, ગરુડ પુરાણ વગેરે અઢારેય પુરાણોની પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ પૂજા કરી હતી.
સાંજે પ કલાકે એસજીવીપી ધર્મજીવન હોસ્ટેલના વિશાલ ખંડમાં રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજની સાનિધ્યમાં પૂજ્ય ગુરુવર્ય સ્વામીજી, પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ઓનલાઇન ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો.
પ્રારંભમાં સદગુરુ સંતોએ ઠાકોરજીનું પૂજન કરી, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી અને જોગી સ્વામીની ચિત્ર પ્રતિમાને હાર પહેરાવી પૂજન કર્યું હતું.
ગુરુપૂર્ણિમાનો મહિમા સમજાવતા પૂજ્ય સ્વામીજીએ જણાવેલ કે ભારતીય સંસ્કૃતિનુ પોષણ આદિ કાળમાં આપણાં ઋષિમુનિઓએ કર્યું છે. તે ઋષિમુનિઓને આપણે ક્યારેય ભૂલવા જોઇએ નહીં. આપણા ઋષિમુનિઓ આર્ષ દ્રષ્ટા હતા જેઓ ભૂત, ભવિષ્ય અને વર્તમાનને જાણતા હતા.
ગુરુપૂર્ણિમાં એટલે વ્યાસ પૂજનનો દિવસ. ગુરુપૂર્ણિમાનું પર્વ ભારતીય સંસ્કૃતિનું શિરમોડ પર્વ છે. વેદ વ્યાસ ભગવાને શ્રીમદ્ ભાગવત, મહાભારત આદિ ગ્રન્થોની રચના અને વેદોના ચાર વિભાગ કરી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખીને વિશ્વના ગુરુ સ્થાને મૂકી છે. એવા વેદ વ્યાસ ભગવાનના ઋણને ભારતીય પ્રજા ક્યારેય ભૂલી શકે તેમ નથી.
ભગવાન વેદ વ્યાસ જગતગુરુ છે. ભારતીય પરંપરામાં ગોવિંદ સુધી લઇ જનાર ગુરુનું અનેરું મહત્વ છે. ભગવાન વેદ વ્યાસ જગતગુરુ છે. આજે વ્યાસ પૂજનનો દિવસ છે. ભારતીય સનાતન ધર્મનો મૂળ આધાર ગ્રન્થ વેદ છે. ગહન વેદોને સરળ ભાષામાં સમજાવી, વ્યાસ ભગવાને લોકભોગ્ય બનાવેલ છે.
આ પ્રસંગે વિશ્વમાં અનેક દેશોમાં સંસ્કાર સભર મોટિવેસનલ પ્રવચન આપનાર સંજયભાઇ રાવલે જણાવ્યું હતું કે હું વિશ્વમા અનેક સ્થળે ગયો છું પણ આવી એસજીવીપી જેવી સંસ્થા જોઇ નથી, આ સંસ્થા જોઇને મને અત્યંત આનંદ થાય છે.
આ પ્રપાવન સંગે, વડતાલ પીઠધિપતિ આચાર્ય શ્રી ૧૦૦૮ પ.પૂ.ધ.ધૂ. શ્રી રાકેશપ્રસાદજી મહારાજે ઓનલાઈન આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે તાજેતરમાં પીએચડીની ડીગ્રી પ્રાપ્ત મેળવનાર સ્વમી યજ્ઞવલ્લભદાસજી દ્વારા લખાયેલ સહજાનંદ રસરુપ અને ભક્તચરિતમ ગ્રન્થનું વિમોચન પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીને હસ્તે કરવામાં આવેલ. પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પણ પ્રાસંગિક આશીર્વચન પાઠવ્યા હતા.