Photo Gallery
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં તા. 17 જૂલાઈ ૨૦૧૯ના રોજ એસજીવીપી ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો. ગુરુકુલ અમદાવાદના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ વંદનાના નૃત્યથી સદગુરુ સંતોનું સ્વાગત કર્યું હતું.
પ્રારંભમાં સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પૂજ્ય પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીએ વૈદિક મંત્રો સાથે શ્રી હરિ તથા શ્રીજી પ્રસાદીની ચાંખડીનું પૂજન કરી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા પૂજ્ય જોગી સ્વામીજીની પ્રતિમાનું પૂજન કર્યું હતું.
ત્યારબાદ ગુરુકુલના ટ્રસ્ટીશ્રીઓએ તેમજ અગ્રણી હરિભક્તોએ સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા સદગુરુ સંતોનું પૂજન કર્યું હતું. ગુરુકુલના તમામ સંતો તથા પાઠશાળામાં અભ્યાસ કરતા સંતોએ સદગુરુ સંતોને ૨૪૧ ફુટનો વનમાળીહાર પહેરાવી ગુરુ પૂજન કર્યુ હતું. ઋષિકુમારો તથા ગુરુકુલના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના હારથી ગુરુ પૂજન કર્યું હતું. સાથે સાથે દેશ દેશથી આવેલ હરિભક્તોએ પણ અનેકવિધ હારથી ગુરુકુલ પરિવારના ગુરુ સ્થાને વિરાજમાન પૂજ્ય સ્વામીજી અને વડીલ સંતોનું પૂજન કર્યું હતું.
આ પ્રસંગે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ગુણાતીત પરંપરાના પુરાણી ગોપીનાથજી સ્વામી, શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, જોગી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી વગેરે સંતોને સંભારી ભાવ પૂજન કર્યુ હતું. તથા એ સદ્ગુરુઓના ચિંધેલા માર્ગે જીવન સમર્પિત કરી એમના ધ્યેયને ઉજાગર કરનારા પ્રવર્તમાન સંતોનું ભાવ પૂજન કર્યું હતું.
આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે ગુરુના ગુરુ તો ભગવાન છે. ખરેખર તો ગુરુપૂર્ણિમાં એટલે વ્યાસ પૂજનનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે ભારત વર્ષની સંત પરંપરાને વંદન કરવાનું મહાન પર્વ. સમગ્ર દેશમાં અનેક પર્વો ઉજવાય છે. તેમાં ગુરુપૂર્ણિમાનું પર્વ ભારતીય સંસ્કૃતિનું શિરમોડ પર્વ છે.
વેદ વ્યાસ ભગવાને શ્રીમદ્ ભાગવત, મહાભારત આદિ શાસ્ત્રોની રચના, વેદોના ચાર ભાગ કરી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખીને વિશ્વના ગુરુ સ્થાને મૂકી છે.
એવા વેદ વ્યાસ ભગવાનના ઋણને ભારતીય પ્રજા ક્યારેય ભૂલી શકે તેમ નથી. આજનો દિવસ એ ઋણ સ્વીકારનો અને કૃતજ્ઞતા વ્યકત કરવાનો દિવસ છે. વ્યાસ ભગવાને ૧૮ પુરાણ અને ભારતાદિ ગ્રન્થોની રચના કરી પણ તેનો છલ્લે સાર લખ્યો કે ધ્યેયો નારાયણો હરિ – ધ્યાન તો એક નારાયણનું જ ધરવું.
સ્વામીજીએ જણાવેલ કે, ભારત દેશ મહાન છે. ઋષિમુનિઓનો દેશ છે. ભારતે કોઇ દેશ ઉપર આક્રમણ કરેલ નથી. જે આવ્યા તેને પોતાનામાં સમાવી દીધા છે. તે વેદ વ્યાસ ભગવાનની ધારાઓને વહન કરનારા ઋષિમુનિઓના દ્રષ્ટિકોણને ફાળે જાય છે.
આ પ્રસંગે પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વા્મી એ જણાવ્યું હતું કે આપણાં મહદ ભાગ્ય છે કે ભગવાનને ઓળખાવે એવા સંત મળ્યા છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી એ જે કેડી કંડારી તેના માર્ગે ચાલીને પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી અવિરત સત્સંગ અને સમાજની સેવા કરી રહેલ છે. આ પ્રસંગે પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાજી સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા.
અંતમાં અમદાવાદ ઉપરાંત રાજકોટ, મુંબઇ, સુરત, ભૂજ વગેરે શહેરો અને કચ્છ, સૌરાષ્ટ્રના ગામડાઓમાંથી અને વિદેશથી આવેલ હરિભકતોએ ગુરુ પૂજનનો લાભ લીધો હતો.