Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Gurukul Parivar Sneh Milan

Gurukul Parivar Sneh Milan was held at SGVP on 25 December 2011 under the banner of forth coming marvelous and divine ‘Sadguru Vandana Mahotsav – 2012’ in the holy presence of Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami, Pujya Purani Swami and elder saints and Parivar from all corners of state and country.
અખંડ ભગવત પરાયણ પૂજ્ય જોગી સ્વામીના અક્ષર વાસ પછી ગુજરાતના ગામડે ગામડે તથા દેશ અને વિદેશમાં પણ હજારો હરિભકતો તેમની પવિત્ર સ્મૃતિમાં મંત્રલેખન –મંત્ર જપ, જનમંગલના તેમજ વન્દુના પદોનું અનુષ્ઠાન કરી રહ્યા છે. ગામડાઓમાંઅને મહોલ્લાઓમાં ૧૦૮ કલાકની ધૂન થઇ રહી છે. પૂજય જોગી સ્વામીની પવિત્ર સ્મૃતિમાં આગામી વર્ષ ૨૦૧૨માં તા. ૨૫ થી ૩૧ ડીસેમ્બર સુધી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (એસજીવીપી) છારોડી ખાતે ગુરુકુલ પરિવાર દ્વારા ભવ્ય ‘સદ્ગુરુ વંદના મહોત્સવ’ ઉજવાઇ રહ્યો છે.
આ ઉત્સવના ઉપક્રમે તા.૨૫ ડીસેમ્બર, ૨૦૧૧ ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ ને આંગણે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં ગુરુકુલ પરિવારનું એક ભવ્ય સંમેલન યોજાઇ ગયું. જેમાં મુંબઇ, રાંચી, પનવેલ તેમજ ગુજરાતના ગામડે ગામડેથી ૮૦૦૦ ઉપરાંત ગુરુકુલ પરિવારના ભાઇઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સવારના ૮ વાગ્યાથી સાંજના ૮ વાગ્યા સુધી અનેક વિધ કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે લક્ષ્મણભાઇ આદ્રોજાએ આગામી ‘સદ્ગુરુ વંદના મહોત્સવ – ૨૦૧૨’ની આછી રુપ રેખા, ગુરુકુલ દ્વારા થતી સર્વજીવહિતાવહ પ્રવૃત્તિઓ તથા પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી દ્વારા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય તથા હિન્દુ ધર્મનો વૈશ્વિક સ્તરે થતા પ્રચાર – પ્રસાર વગેરેની માહિતી આપી હતી.
પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આટલી વિશાળ સંખ્યામાં ગુરુકુલ પરિવાર ઉપસ્થિત જોઇને અત્યંત આનંદ થાયછે. પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજીમહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ બતાવેલ સર્વજીવહિતાવહ માર્ગને અનુસરીને આપણે શ્રી હરિને માર્ગે આગળ વધવાનું છે.
સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ આગામી વર્ષે યોજાનારા ‘સદ્ગુરુ વંદના મહોત્સવ’માં સેવા અને સમર્પણના વિવિધ આયોજનોની આછી રુપરેખા આપી હતી.
તેઓશ્રીએ જણાવ્યું હતું કે આપણા સદ્ગુરુઓએ વ્યકિતવાદથી પર રહી આપણને હંમેશા ભગવાનમાં જોડ્યા છે. તેમજ સર્વજીવહિતાવહ આદેશોને અનુરુપ ગુરુકુલની ભવ્ય પરંપરા આપી છે. સાથે સાથે યુવાનોનું જીવન સંસ્કારી, સદાચારી અને નિર્વ્યસની બને અને તેમનાં હ્રદયમાં ભગવત પ્રતિષ્ઠા થાય એવા આયોજનો આપ્યા છે. તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રેમ અને કરુણાભર્યો સર્વજીવહિતાવહ સંદેશ ધ્યાનમાં લઇને પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ અને સદ્ગુરુ સંતો, અબોલ પ્રાણીઓથી માંડીને અનેક દુઃખી, દરિદ્ર, રોગી મનુષ્યોની સેવા માટે વિવિધ સેવા કાર્યોનો વારસો આપણને સોંપતા ગયા છે. તેઓ જગતના તમામ પ્રાણી માત્રને સમસ્ત જગતના એક જ પરમેશ્વરના સંતાનો તરીકે માનતા.
વળી સ્વામીજીએ જણાવ્યું હતું કે જીવનમાં ચારની પ્રતિષ્ઠા થવી જોઇએ.૧) મંત્ર પ્રતિષ્ઠા ૨) મૂર્તિ પ્રતિષ્ઠા, ૩) સદ્ગુરુ પ્રતિષ્ઠા અને ૪)શાસ્ત્ર પ્રતિષ્ઠા.
સદ્ગુરુ વંદના મહોત્સવનું લક્ષ્ય જીવના હ્રદયમાં શ્રી હરિની મૂર્તિની પ્રતિષ્ઠા કરવાનું છે.અંતરમાં ભગવાન બિરાજીતા હોય તો જીવમાત્ર પ્રત્યે સહજ કરુણા અને પ્રેમ પ્રગટે. વળી અંતરમાં પરમાત્માની પ્રતિષ્ઠા કરતા પહેલાં બીજી ત્રણ પ્રતિષ્ઠા જરુરી છે.એ છે મંત્ર પ્રતિષ્ઠા અર્થાત્ ઇષ્ટદેવના મંત્રનો હ્રદયથી જપ કરવો.
બીજી છે શાસ્ત્ર પ્રતિષ્ઠા – ભગવાન શ્રી સ્વામિનારાયણે શાસ્ત્રોના વિશાળ મહાસાગરમાંથી આઠ સત્શાસ્ત્રોને પસંદ કર્યા છે. તેનો સ્વાધ્યાય કરવો જોઇએ. કદાચ એટલો સમય ઉપલબ્ધ ન હોય તો સર્વશાસ્ત્રના સારરુપ વચનામૃતનો સ્વાધ્યાય કરવો જોઇએ.
ત્રીજી સદ્ગુરુની પ્રતિષ્ઠા છે. અંતરમાં સદ્ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઇએ. સદ્ગુરુના સત્સંગ સિવાય એકલા શાસ્ત્રો કામમાં આવતા નથી. વાછરડાને જોઇને ગાય પારહો મૂકે એજ રીતે સદ્ગુરુના સંગમાં શસ્ત્રો ખુલે છે ને ખીલે છે અને પોતાનું રહસ્ય પ્રગટ કરે છે. શાસ્ત્રના વચનોનું દર્શન સદ્ગુરુના જીવનમાં થાય છે. મુમુક્ષુના જીવનમાં સદ્ગુરુ ઉદ્દીપકની ભૂમિકા ભજવે છે. વાદળાંમાં હાઇડ્રોજન અને ઓક્સિજન હોય પણ નાઇટ્રોજન રુપ ઉદ્દીપક ન હોયતો વિજળી -વરસાદ થતા નથી. એજ રીતે સદ્ગુરુ ન હોય તો શાસ્ત્ર સમજાતા નથી. ‘સદ્ગુરુ વંદના મહોત્સવ’ અખંડ ભગવત્ પરાયણ પૂજ્ય જોગી સ્વામી જેવા સદ્ગુરુના સહારે મૂર્તિ સુધી પહોંચવા માટે છે.
આપણને મહાન સદ્ગુરુઓની પ્રાપ્તિ થઇ છે. પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય પુરાણી સ્વામી વગેરે સંતોએ આપણને, ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રબોધેલ સર્વજીવહતાવહ અને સદ્વિદ્યા પ્રવર્તનના આદેશોને લક્ષમાં રાખીને જે વિવિધ સેવા પ્રવૃત્તિઓ ચીંધી છે એને અનુલક્ષીને જ સેવા-પ્રવૃત્તિઓનો વ્યાપ વિસ્તારવાનો છે.
શ્રી હરિસ્વરુપદાસજીએ પોતાની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે આ સ્થાનમાંથી આપણને કોઇપણ અવતાર કે વિભૂતિનો દ્રોહ ન થાય એવી શુદ્ધ ઉપાસના પ્રાપ્ત થાય છે. આપણા સદ્ગુરુઓએ ક્યાંય વ્યકિત પૂજા કરાવી નથી. આ સ્થાન વ્યકિત પૂજામાંથી મુક્ત રહેલ છે. આપણા સદ્ગુરુઓએ આપણને ભગવાનમાં જોડ્યા છે. પોતાનામાં નહીં. જેને શત્રુ કે મિત્ર સમાન છે એવા સંતો આ સ્થાનમાં છે.
જયદેવભાઈ સોનાગરાએ જણાવ્યુ હતુ કે આ સ્થાનમાં પૂજ્ય જોગી સ્વામી જેવા મહાન પુરુષ વિચર્યા છે તથા તેમના અગ્નિ સંસ્કાર થયા છે, વળી અન્ય પવિત્ર સંતો રહે છે, જ્યાં૨૦૦ જેટલી ગૌમાતાની સેવા – પૂજન થાય છે તેથી આ ગુરુકુલ એ ખરેખર તીર્થ ભૂમિ છે.
પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યાં હતા. તેમજ શ્રી શાહબુદિ્નભાઇ રાઠોડે પોતાની હળવી શૈલીમાં શ્રોતાઓને આનંદિત કર્યા હતા.
આ સ્નેહ મિલનમાં, ટ્રસ્ટીશ્રીઓ તથા ગુજરાતના દરેક પ્રાંતમાંથી તેમજ મુંબઇ, નાગપુર, દિલ્હી, વગેરે શહેરોમાંથી વિદ્યાર્થીઓ તથા હરિભક્તોની વિશાળ સંખ્યામાં ગુરુકુલ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
Picture Gallery
 

 

Achieved

Category

Tags