ગુરુપૂર્ણિમા મહોત્સવ – ૨૦૨૪
ભારતીય જ્ઞાન પરંપરામાં ગુરુનું સ્થાન સવિશેષ આદર અને મહિમાવંતુ રહ્યું છે. આ જ્ઞાનના સ્રોત સમાન ભગવાન વેદવ્યાસજી અને એ જ્ઞાન પરંપરાને વાહન કરનાર સંત પરંપરા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અષાઢ સુદ પૂર્ણિમાએ વ્યાસ પૂજન અને ગુરુ પૂજન કરવામાં આવે છે.
તા. 21 જુલાઈ, 2024ના રોજ ગુરુપૂર્ણિમાના પવન અવસરે SGVP અમદાવાદ ખાતે ગુરુકુળ પરિવારના ગુરુસ્થાને વિરાજમાન પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને સદ્ગુરુ સંતો પ્રત્યે વંદના કરવા ગુરુકુળ પરિવારના સંતો ઉપરાંત વિશાળ સંખ્યામાં હરિભક્તો, વિદ્યાર્થીઓ, સમાજ શ્રેષ્ઠીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતનાં સૌરાષ્ટ્ર, કચ્છના શહેરો અને ગામડાંઓ ઉપરાંત ભારતભરમાંથી મુંબઈ, દિલ્હી, હૈદ્રાબાદ, બેંગ્લોર, કેન્યા, આફ્રિકા, યુકે, યુએસએ, કેનેડા, વગેરે દેશ વિદેશથી હજારોની સંખ્યામાં હરિભક્તો અને ભુતપૂર્વ વિદ્યાર્થીઓ આ પાવન પર્વે ગરવી ગુણાતીત ગુરુપરંપરા, સદ્ગુરુસંતો અને ગુરુવર્ય પૂજ્ય સ્વામીજી તથા ભગવાન વેદવ્યાસજી અને ભારતીય સંત પરંપરાના શ્રી ચરણોમાં કૃતજ્ઞતાના ભાવ સાથે વંદના કરો હતી.
આ પ્રસંગે આશીર્વાદ આપતા સ્વામીજીએ જણાવેલ કે આપણો મૂળ ધર્મ એ વેદ ધર્મ છે. જેટલા પરમાત્મા નારાયણ આદિ અનાદિ છે એટલા જ વેદો પણ આદિ અનાદિ છે. ૧૮ પુરાણો અને મહાભારત, આદિ ઇતિહાસ ગ્રન્થો વેદની પુષ્ટી કરનારા છે. તેથી જે સંપ્રદાયનો વેદો સાથે સંબંધ હોય એજ ખરા અર્થમાં સંપ્રદાય કહેવાય છે. અહીં સગુણ અને નિર્ગુણની ઉપાસના થાય છે. વેદ ધર્મમા સાકાર અને નિરાકાર પરંપરા – બેયનો સમન્વય થયેલ છે અને સ્વીકાર પણ થયેલ છે. આ માત્ર ફિલોસોફી નથી, બૂદ્ધિમાંથી પ્રગટેલ કોરું ચિંતન નથી, પણ આપણા ઋષિમુનીઓની આંતર સ્ફુરણા-પ્રજ્ઞામાંથી પ્રગટ થયેલ મોક્ષદાયીની જ્ઞાનગંગા છે. અહી સમગ્ર સૃષ્ટિમાટે ઉપકારક વૃક્ષની, જળની, અગ્નિ, પૃથ્વીની પૂજા કરી મહિમા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. તેથી જ હિન્દુ ધર્મ, સ્થાવર જંગમ સર્વ સૃષ્ટિ પ્રત્યે આદર હોવાથી વિશ્વવ્યાપી બન્યો છે.
ગુરુના ગુરુતો ભગવાન નારાયણ છે. જે આપણી સામેજ રામ શ્યામ અને ઘનશ્યામ સ્વરુપે બિરાજીત છે. ખરેખર તો ગુરુપૂર્ણિમા એટલે વ્યાસ પૂજનનો દિવસ છે, કારણ કે ભગવાન વેદ વ્યાસજીએ વેદોના જ્ઞાનને શ્રીમદ્ ભાગવત સહિત અઢાર પુરાણો અને મહાભારત આદિ ગ્રન્થોની રચના દ્વારા લોકભોગ્ય કરી ભારતીય સંસ્કૃતિને વિશ્વના ગુરુસ્થાને મૂકી છે.
ગુરુ પૂર્ણિમા એટલે ભારત વર્ષની સંત પરંપરાને વંદન કરવાનું મહાન પર્વ જેણે એ જ્ઞાનપ્રવાહને આપણાં સુધી વહાવ્યો છે.