ગુરુ પૂર્ણિમા – ભરતવર્ષ પર અને સમગ્ર માનવ સમાજ પર, શ્રેય અને પ્રેય – બંનેની પ્રાપ્તિ માટે જેમનો કરુણાપુર્ણ ઉપકાર રહ્યો છે એવા ભગવાન વ્યાસ મહર્ષિ પ્રત્યે અને પોતાના માનવ જીવન પર અગણિત ઉપકાર કરનાર ગુરુજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેનું ભારતીય સંસ્કૃતિનું મહાન પર્વ.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં ગુરુવંદના – ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.
ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે વડતાલ શ્રી હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં, ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ સમગ્ર ગુરુકુલ પરિવાર વતી સંપ્રદાયના ગુરુ પદે વિરાજમાન પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજનું પૂજન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ વર્ષે તા. ૨૭ જુલાઈ ૨૦૧૮, પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ હોવાથી તા. ૨૮ જુલાઈ ૨૦૧૮ ના દિવસે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની પ્રારંભમાં ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી સ્વામિ શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીએ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પ્રસાદીની ચાંખડી તથા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી અને પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીજીની ચિત્ર પ્રતિમાને ચંદનની અર્ચા અને પુષ્પહાર પહેરાવી ભાવ પૂજન કર્યું હતું.
ત્યાર બાદ ગુરુકુલના ટ્રસ્ટીશ્રીઓ તથા અમદાવાદ ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, સુરત, મુંબઈ, દિલ્હી, નાગપુર, તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી આવેલ ભક્તજનોએ ગુરૂપૂજનનો લાભ લીધો હતો.
પ્રાસંગિક પ્રવચન કરતા ગુરુવર્ય પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે સંતો, વિદ્યાર્થો અને ભક્તજનોએ વિવિધ ઉપચારોએ કરીને ગુરુ વંદના – ગુરુ પૂજન કર્યુ તે તમામ પૂજન આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી અને પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીજીને અર્પણ કરી છીએ.
ગુરુ પૂર્ણિમા એટલે ભારત વર્ષની સંત પરંપરાને વંદન કરવાનો દિવસ. આપણી ગુરુ પરંપરામાં ભગવાન શ્રી સ્વામિનારાયણ, સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુંદદાસજી સ્વામી, ધર્મસ્વરુપદાસજી સ્વામી, ગોપીનાથપુરાણી સ્વામી, ધર્મજીવનદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી અને પૂજ્ય જોગી સ્વામી વગેરે સંતોને ગુરુ પૂર્ણિમા દિને વંદન કરીએ છીએ.
ભારતીય સનાતન ધર્મનો મૂળ આધાર ગ્રન્થ વેદ છે. ગહન વેદોને સરળ ભાષામાં સમજાવી, લોકભોગ્ય બનાવી ઘરોઘર સુધી પહોંચાડનાર જો કોઇ હોય તો તે વેદવ્યાસ ભગવાન છે. જેણે ભાગવતાદિ ગ્રન્થોની રચના કરીને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે. એવા વેદ વ્યાસ ભગવાનના ઋણને ભારતીય પ્રજા ક્યારેય ભૂલી શકે તેમ નથી. આજનો દિવસ એ ઋણ સ્વીકારનો અને કૃતજ્ઞતા વ્યકત કરવાનો દિવસ છે.
વિશ્વની પ્રજા જ્યારે અંધકારમાં જીવતી હતી તે સમયે ભારત વર્ષમાં ધર્મનો સૂરજ ઝળહળતો હતો એના જ્યોતિર્ધર હતા વેદ વ્યાસ ભગવાન.
જીવનમાં પાંચ ગુરુને ક્યારેય ભૂલી શકાય નહીં. તેમા પ્રથમ માતા પિતા, બીજા શિક્ષકગણ, ત્રીજા આપણે જેની પાસેથી કાંઇ પણ શીખીએ તે, ચોથા આદ્યાત્મિક ગુરુ અને પાંચમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ આ પાંચેય ક્યારેય ભૂલાય નહીં. વિજ્ઞાન આપણને સાધન આપશે પણ તે સાધન ક્યાં અને કેવી રીતે વાપરવું તે ગુરુ શીખવાડશે.
પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે પણ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી સૌને આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
તા. ૨૭ જુલાઈ ૨૦૧૮ ના રોજ સવારે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો અને પંડિતોએ ભગવાન વેદ વ્યાસ તેમજ તેમણે રચેલા ચાર વેદ, અઢાર પુરાણ અને મહાભારત ગ્રંથનું પૂજન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ એસજીવીપી હોસ્ટેલ, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય અને મેમનગર ગુરુકુલ અમદાવાદ, મેમનગરના વિદ્યાર્થીઓએ ચોકલેટ, બિસ્કિટ, વેદના મંત્ર, વ્યાસજી રચિત ઉપનિષદો, પૂર્ણકુંભ, સમિધ, છોડ-રોપાઓ, ગુલાબ, ચંપા તેમજ અન્ય ફૂલોના હારથી ગુરુપૂજન કર્યુ હતું.
ગુરુકુલ દ્રોણેશ્વર અને ગુરુકુલ રાજકોટ, રીબડા ખાતે પણ વિદ્યાર્થીઓએ ગુરુ વંદના – ગુરુ પૂજન કર્યું હતું.