કુરજી રામજી કંપનીની સુવર્ણ જયંતિ, મોરેશિયસ
ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી સત્સંગ વિચરણ માટે મોરેશિયસ પધાર્યા. આ દેશનો મોટો ભાગ હિન્દુ છે. અહીંયા ભગવાન શ્રીસ્વામિનારાયણનું સુંદર મંદિર છે. આ મંદિરનું નિર્માણ ગામ બળદિયા નિવાસી કુરજી રામજી કંપની પરિવાર દ્વારા કરવામાં આવેલું છે.
આ મંદિરમાં સ્વામીશ્રીની હાજરીમાં ૭ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ જન્માષ્ટમીનો ભવ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. પારણામાં ઠાકોરજીને ઝુલાવી સંતો-ભક્તોએ આરતી કરી બાલકૃષ્ણને વધાવ્યા હતા. આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ ભગવાનના અવતારોનું રહસ્ય સમજાવી કૃષ્ણલીલાનું ગાન કર્યું હતું.
ખાસ આ પ્રસંગે કુરજી રામજી કંપની ગ્રુપને પચાસ વર્ષ થઈ રહ્યા છે એના ઉપલક્ષ્યમાં તા. ૦૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ, કુરજી રામજી કંપનીના ડાયરેક્ટરો અને માલિકો શ્રી કલ્યાણભાઈ કુરજી પટેલ, શ્રી લાલજીભાઈ કુરજી, શ્રી હરીશભાઈ કુરજી પટેલ, શ્રી મનજીભાઈ કાનજી પટેલ, ચિરંજીવી ઉત્કર્ષ વગેરે સર્વ પરિવારજનોનું પૂજ્ય સ્વામીજીએ મસ્તક ઉપર સાફો બાંધીને સન્માન કર્યું હતું. તથા SGVP ગુરુકુલ પરિવારવતી સ્વામીજી દ્વારા ભાઈઓને સુંદર અભિનંદન પત્ર પણ આપવામાં આવ્યો હતો.
યોગાનુયોગ શ્રી બી.કે. પટેલ, રોટરીના ડિસ્ટ્રિક્ટ જજ રહી ચૂકેલા શ્રી જોઈતારામભાઈ પટેલ, સેવાભાવિ રોટેરીયન શ્રી લલિત શર્મા, શ્રી નારણભાઈ પટેલ વગેરે મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સ્થાનિક હિન્દુ ધર્મના વિવિધ સંગઠનોમાંથી અનેક ભક્તજનોએ આ ઉત્સવનો લાભ લીધો હતો અને સર્વેએ કંપનીના પચાસ વર્ષની ઉજવણીને તાલીઓના નાદથી વધાવી લધી હતી.
મોરેશિયસમાં કુરજી રામજી કંપની દ્વારા અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ થઈ રહી છે. અહીંના સ્થાનિક મંદિરોમાં ગંગા તળાવનું શિવાલય, બાલાજી મંદિર, સ્પિરિચ્યુઅલ પાર્ક વગેરે નાના મોટા મંદિરોમાં આ પરિવારની ખૂબ જ સેવા રહેલી છે. ખાસ કરીને અહીં બહુ સુંદર માનવ મંદિર ચાલે છે. જેમાં વિશ્વભરમાંથી દોઢસો જેટલા નિરાધાર વૃદ્ધો, દિવ્યાંગો નિવાસ કરે છે. આ કેન્દ્રમાં સમર્પિત અને ભણેલાગણેલા ભાઈ-બહેનો સેવા આપે છે. આ માનવમંદિરમાં કુરજી રામજી કંપની દ્વારા ખૂબ જ સહયોગ આપવામાં આવે છે. આ માનવ મંદિરની સ્થાપના પૂજ્યપાદ શ્રી કૃષ્ણસ્વરૂપાનંદજી મહારાજે વર્ષો પહેલા કરી હતી. પૂજ્ય સ્વામીજીએ આ માનવ મંદિરની મુલાકાત લઈ, થઈ રહેલી સેવાને બિરદાવી હતી અને કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કર્યા હતા.