શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કુમાર તથા કન્યા વિદ્યાલય – દ્રોણેશ્વર
પ્રથમ પ્રવેશોત્સવ ૦૯ જૂન ૨૦૧૬
સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કુમાર તથા કન્યા વિદ્યાલય – દ્રોણેશ્વરનો પ્રથમ પ્રવેશોત્સવ તા. ૦૯-૦૬-૨૦૧૬, ગુરુવાર ના રોજ પ્રવેશોત્સવ, વિદ્યાર્થીઓના વાલીઓ અને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. આ પ્રસંગે પ્રથમ ઉદ્ઘાટક તરીકે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા વિશેષ અતિથિ તરીકે ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી ગોવિંદભાઇ પટેલના વરદ્ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શામજી ભગતે જણાવ્યું હતું કે અત્યારે સાંપ્રત્ સમયમાં સંસ્કારયુક્ત શિક્ષણની ખાસ જરૂર છે. બાળક તો એક માટીનો પીંડ છે તે ને સંસ્કારયુક્ત કરવો એ શિક્ષક અને સંતની જવાબદારી છે. ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ હિમાલયમાં ગુરુકુલ અંગેનો કરેલો નાનો એવો સંકલ્પ એક વટવૃક્ષ બની રહ્યું છે. ગુરુકુલ બાળકોને સંસ્કારયુક્ત શિક્ષણ આપે છે તેથી અમને ખુબ જ આનંદ થાય છે. આજે દ્રોણેશ્વર ગુરુકુલના આંગણે કુમાર અને કન્યા વિદ્યાલય કરેલ છે તે આવકારદાયક છે. પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ખરેખર આજનો દિવસ ગુરુકુલ માટે ઐતિહાસિક અને અવિસ્મરણીય છે.
આજની તારીખ ૦૯ જે પૂર્ણાંક કહેવાય છે તેમા પણ ગુરુવાર જે શાસ્ત્ર પ્રમાણે શ્રેષ્ઠ ગણાય છે. આ સંસ્કારધાત્રી ગુરુકુલ સંસ્થામાં અત્યાર સુધીમાં ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓએ સંસ્કારસભર કેળવણી મેળવી દેશ-વિદેશમાં રહીને પણ સંસ્કાર જાળવી રાખ્યા છે.
આ પ્રસંગે ભંડારી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી, શ્રી સૂર્યકાન્તભાઇ પટેલ, નૂતન પ્રવેશ પામેલ વિદ્યાર્થી અભય કુમાર કોરાટે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
આ પ્રસંગે શ્રી અશ્વીનભાઇ આણદાણી, શ્રી પુરુષોત્તમભાઇ ઠુમ્મર, શ્રી હરિભાઇ દુધાત, શ્રી બાલુભાઇ કુંભાણી, શ્રી પ્રેમજીભાઇ સેંજલીયા, શ્રી ધીમંતભાઇ શાહ, શ્રી પુંજાભાઇ પરમાર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાસંગિક પ્રવચન બાદ પ્રથમ પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓ દ્વારા લઇ આવેલ શુકનમાં શ્રીફળ અને સાકર ઠાકોરજીને ધરી સંતો અને શિક્ષકોને અર્પણ કરેલ ત્યાર બાદ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ દરેક બાળકને કપાળે કુંમકુંમનો ચાંદલો અને કેસરની અર્ચા કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો.
સમર્થ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી આદિ નંદસંતો તથા પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ આદિ સંતોના પુનિત ચરણોથી પાવન થયેલી નાઘેર ભૂમિમાં, મચ્છુન્દ્રી નદીના કિનારે શ્રી દ્રોણેશ્વર મહાદેવજી તથા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં, સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે નૂતન નિર્માણ પામેલ વિશાળ અને આધુનિક વિદ્યાલયનો ઉદ્ઘાટન સમારોહ શ્રી પુરુષોત્તમભાઇ રૂપાલા તથા શાળાના દાતા શ્રી આર. ડી. વરસાણી તથા શ્રી આર. આર. પટેલ વગેરે મહાનુભાવોના સાનિધ્યમાં ઉજવાયો હતો.
આ પ્રસંગે વિદ્યાલયના પરિસરમાં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી તથા પ્રાધ્યાપક શ્રી લક્ષ્મીનારાયણજી અને ચિંતન જોષી દ્વારા મહાવિષ્ણુયાગ યોજાયો હતો. આ પ્રસંગે ગુરુકુલથી વિદ્યાલય સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
આ પ્રસંગે વિશાળ સભાને સંબોધન કરતા પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલું કે આજનો દિવસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુકુલ માટે સુવર્ણ સમય છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની સંપૂર્ણ મર્યાદા સચવાય તે રીતે દ્રોણેશ્વર ગુરુકુલને આંગણે કુમાર વિદ્યાલયની સાથે કન્યા વિદ્યાલય પણ શરૂ થઇ રહ્યું છે તેનો અમને આનંદ છે. આજે હનુમાનજી મહારાજની જન્મજયંતીનો પવન દિવસ છે. ભારતને આવા પ્રતાપી અને પ્રતિભા સંપન્ન પુત્રો અને પુત્રીઓને જન્મ દેનારી માતાઓ મળે તેવી શુભ કામના છે.
શ્રી પુરુષોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું કે ગુરુકુલને આંગણે કુમારો અને કન્યાઓ માટે વિદ્યાલય શરૂ થઇ રહી છે તે જાણી અત્યંત આનંદ થાય છે. આવા નાઘેર પ્રદેશના ગીર વિસ્તારમાં આવા ભવ્ય શૈક્ષણિક સંકુલ તૈયાર કરનાર શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીને ધન્યવાદ છે.
પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે શિક્ષણની સાથે સંસ્કારની ખાસ જરૂર છે. રાવણ શિક્ષિત હતો પણ તેનામાં સંસ્કાર ન હતા તેથી લંકા લૂંટાઇ ગઇ. શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજી સ્વામી આર્ષદૃષ્ટા પુરુષ હતા. આજથી ૬૫ વર્ષ પહેલા ગુરુકુલની સ્થાપના કરીને ભવ્ય ક્રાંતિ સર્જી છે. એજ પરંપરામાં આજે આ સંસ્કારના સદાવ્રતનું નવું સોપાન શરુ થઇ રહ્યું છે.
આ પ્રસંગે પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, ઉના ગુરુકુલના સંચાલક શાસ્ત્રી શ્રી માધવદાસજી સ્વામી, કે. આઇ. ઠક્કર, દાતા આર. ડી. વરસાણી, આર. આર. પટેલ તથા ભંડારી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે ફાટસર, ઇંટવાયા, દ્રોણ, ખીલાવડ, ગીર ગઢડા, જરગલી, વડવીયાળા, ઉના, ધોકડવા, અંબાડા, વીરપુર(ગઢીયા) વગેરે ગામના હરિભક્તો ભાઇઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
3 Storey Building School – Construction area – 83475 sq. ft.
Admission Form
Shree Swaminarayan Gurkul Vidhyalay, Droneshwar ( Kanya and Kumar Vidhyalay)