Photo Gallery
ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, દર વર્ષે ધન તેરસ – ભગવાન ધન્વંતરિના પ્રાગટ્ય દિવસે ધન્વંતરિ યાગનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગુજરાતનાં નામાંકિત વૈદરાજો સજોડે યજ્ઞમાં આહુતિઓ આપે છે.
શ્રી જોગી સ્વામી હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદ વિભાગ દ્વારા, આ વર્ષે કોરોના મહામારીના સંકટ સમયમાં ઓનલાઈન ધન્વંતરિ યાગનું આયોજન થયું હતું. SGVPની વિશાળ યજ્ઞશાળામાં સ્વાસ્થ્ય સુરક્ષાના નિર્દેશોના પાલન સાથે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ધન્વંતરિ પૂજન – યજ્ઞ યોજાયો હતો, જેના ઓનલાઈન પ્રસારણ દ્વારા અનેક લોકોએ ઘેરબેઠા લાભ લીધો હતો.
૧૪ નવેમ્બર, ૨૦૨૦ ચૌદશ, દિવાળી
દિવાળીના સપરમા દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ (મેમનગર) ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃ્ષ્ણદાસજી સ્વામી તથા પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં વહેલી સવારે શુભ ચોઘડીએ, શાસ્ત્રોક્ત વિધિ સાથે, ચોપડા-પૂજન તથા લક્ષ્મી-પૂજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ઓન લાઇન પોતાના ચોપડાનું કર્યું હતું
ત્યારબાદ ઠાકોરજીને ૧૦૮ વાનગીઓનો અન્નકૂટ ધરાવી, સદગુરુ સંતોએ ઠાકોરજીની આરતિ ઉતારી અન્નકૂટના દર્શન ખુલ્લા મૂક્યા હતા.
આ પ્રસંગે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ દિપાવલીના પુનિત પર્વે શુભ સંદેશ પાઠવતા જણાવ્યું હતું કે વિક્રમ સંવત્ ૨૦૭૭ નું નૂતન વર્ષનું પ્રભાત આપ સૌના માટે સુખ, શાંતિ અને નિરામય બની રહે એવી શ્રી હરિના ચરણમાં પ્રાર્થના !
દિપાવલીના દિવસો છે આખી દુનિયામાં કોવિડ-૧૯ ની ભયંકર મહામારીનો અંધકાર છવાયેલો છે. એનાથી હતાશ કે નિરાશ થવાની જરુર નથી. પરમાત્માની કૃપાથી આ ઘોર અંધારી રાત અવશ્ય પસાર થશે. સુખભર્યું નવલું પ્રભાત પ્રગટશે, એવા વિશ્વાસ રુપી આશાના દિવડાને પ્રજ્વલિત રાખી આ અંધકારની સામે લડત લેતા રહીએ.
ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આવા રોગાદિક આપત્કાળ પ્રસંગે પોતાની અને પારકાની રક્ષા કરવાનું કહેલ છે. એ આજ્ઞાને અનુસરીને આપણે સાવચેતી સાથે પોતાના તથા પારકાના જીવનદીપને સુરક્ષિત રાખીએ.
પૂજ્ય સ્વામીજીએ જણાવેલ કે, આપણી ભારતીય સંસ્કૃતિ ચાર પુરુષાર્થ – ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં માને છે. આજે સમગ્ર વિશ્વ અર્થને આધારે ટકી રહેલ છે. ધનનો નિષેધ નથી પણ વિવેક પૂર્ણ ઉપયોગ કરવાનું ભારતીય સંસ્કૃતિ કહે છે. ભગવાને આપણને આપ્યુ છે તો તેનો ઉપયોગ દરિદ્રનારાયણ માટે થવો જોઇએ. ધન મેળવો પણ ધર્મ પૂર્વક મેળવો અને ધન વાપરો પણ ધર્મે ચિંધેલા માર્ગે વાપરો.
મારુતિ યાગ:
આસો સુદ ચૌદશને દિવસે શ્રીજી આજ્ઞા મુજબ SGVP શ્રી હનુમાનગઢી ખાતે સંતોએ મારુતિ પૂજન, યાગ અને સ્તોત્ર પાઠ કર્યા હતા.
દીપોત્સવ:
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ ખાતે સ્વાસ્થ્ય સુરક્ષાના નિર્દેશોના પાલન સાથે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
મનોહર દીપમાળા મધ્યે શ્રીજી મહારાજના દિવ્ય દર્શન સાથે વિવિધ વાજિંત્રો સાથે ભક્તિસભર વાતાવરણમાં દિવાળીના પદોનું ગાન કરી કીર્તન ભક્તિ કરવામાં આવી હતી. દીપાવલીના (કારીયાણી ૭) વચનામૃતનું શ્રવણ કરી પૂજ્ય સ્વામીજી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
૧૫ નવેમ્બર, ૨૦૨૦ વેબ કોન્ફરન્સ :
દેશ વિદેશમાં વસતા હરિભક્તોને દિવાળી-નૂતન વર્ષની શુભેચ્છા પાઠવવા ઓનલાઈન વિડીયો વેબ કોન્ફરન્સ દ્વારા પૂજ્ય સ્વામીજીએ ઓસ્ટ્રેલિયા, અમેરિકા, યુકે, હોંગકોંગ, સિંગાપોર, ન્યુજીલેંડ, દુબઈ વગેરે દેશોમાં વસતા ભક્તોને ઉદ્બોધન કરતાં શ્રીજી મહારાજના પ્રેરણા સભર ચરિત્રો સાથે કોરોના મહામારીના સંકટ સમયમાંથી બહાર આવવા માટે, ધીરજ અને શ્રદ્ધાથી, સ્વાસ્થ્ય સુરક્ષાના નિર્દેશોના પાલન સાથે શિક્ષાપત્રીના આદેશ મુજબ પોતાની અને બીજાની રક્ષા થાય તે પ્રમાણે વર્તવાની ભલામણ કરી હતી.
૧૬ નવેમ્બર, ૨૦૨૦ નૂતન વર્ષ :
સંવત્ ૨૦૭૭ ના પ્રારંભે, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીના પાવન સાનિધ્યમાં સંતો ભક્તોએ પરસ્પર પ્રેમ અને મહિમાથી નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.