પરમ પૂજ્ય સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે પધાર્યા હતા. અહિંયા તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૧૬ના રોજ શરદપૂર્ણિમાનો ઉત્સવ ઉજવાયો હતો. ત્યાર બાદ શનિવારના રોજ શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજ્ય સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે આસો માસના આ બધા દિવસો આનંદ અને ઉત્સવના દિવસો છે, આપણે આ આનંદને વહેંચતા શીખવું જોઇએ.
કવિ સાઇ મકરંદે કહ્યું છે કે, ગમતાને ગુંજે નવ ભરીએ રે લોલ, ગમતાનો કરીએ ગુલાલ
દિવાળીના દિવસોમાં કોઇ ગરીબ ઘરના છોકરાઓ ફટાકડા વગર રહી જાતા હોય તો એમને ફટાકડા આપો. આવા પવિત્ર દિવસોમાં ગરીબ પરિવારોમાં મીઠાઇ વહેંચો, આનંદને વહેંચવાથી આનંદનો ગુણાકાર થતો જાય છે. આનંદને વહેંચવાના ભાગરૂપે સ્વામીશ્રીએ અમેરીકા નિવાસી શ્રી પ્રવિણભાઇ પટેલના પરિવારના સહયોગથી કેટલીક સેવાઓની શરૂઆત કરી હતી. ફાટસરની શાળામાં બાળકો માટે ૧૫૦ લી. નું વોટર કુલર અર્પણ કરવામાં આવ્યું હતું. નિરાધાર એવા વિધવા બહેનોને રોજી-રોટી મળી રહે તે માટે ફાટસરમાં SGVP સીવણ-તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. આ તાલીમ કેન્દ્રમાં જે બહેનો તાલીમ લેશે તેમને સીવણ-મશીન ભેંટ કરવામાં આવશે. દિવ્યાંગ બાળકોના જીવનમાં આનંદની દિવાળી પ્રગટે એ માટે ટ્રાઇસીકલો અર્પણ કરવામાં આવી હતી. ખાસ કરીને પ્રસૂતા બહેનો અને નવજાત શીશુને પૂરત પોષણ મળી રહે તે માટે શુદ્ધ ઘીની સુખડી તમામ જાતના વસાણા સાથે ઘરે-ઘરે પહોંચાડવાની યોજના કરવામાં આવી. જે અંતર્ગત પ્રસૂતા બહેનોને પ્રસૂતિ પહેલાના બે મહીના અને પ્રસૂતિ બાદ એક મહીનો, આ રીતે ત્રણ મહીના સુધી આ ટોનીક-ઔષધ જેવી સુખડી ઘરે ઘરે પહોંચાડવામાં આવશે. આ પ્રસંગે આ બધી સેવામાં સહભાગી થનાર મૂળ નવસારી, હાલ અમેરીકા વસતા પ્રવિણભાઇ પટેલ પરિવારને સ્વામીએ બીરદાવ્યો હતો. આ પ્રસંગે દ્રોણેશ્વર ગુરુકુલના સંચાલક ભંડારી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી તથા સંત-મંડળ તેમજ ગીર ગઢડા તાલુકાના અગ્રણીઓ તથા અનેક ગામના ભક્તજનો તથા ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.