શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય મૂળ સિદ્ધાંત દિગ્વિજય સન્માન સમારોહ
બાબા વિશ્વનાથજીની નગરી કાશીમાં ભારતવર્ષમાં સુપ્રસિદ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)ના વૈદિક વિજ્ઞાન સંકાયના સભાગૃહમાં શ્રીવૃત્તાલય શ્રીસ્વામિનારાયણ મંદિર એવં ધર્માગમ વિભાગ, સંસ્ર્કૃંઈ વિદ્યા ધર્મવિજ્ઞાન સંકાય, કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય (બી.એચ.યુ.)ના સંયુક્ત તત્ત્વાવધાનમાં આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.
‘શ્રીશૈવ-શ્રીસ્વામિનારાયણ મૂળ સિદ્ધાંત વિમર્શઃ’ વિષય ઉપર તા. ૨૬-૨૭ ઓગસ્ટ, ૨૦૨૩ દરમિયાન આયોજિત સંગોષ્ઠીમાંભારત તથા વિદેશના અનેક વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા અને લગભગ સો જેટલા અભ્યાસ નિબંધો રજુ થયા હતા.
આ સંગોષ્ઠિ પ્રસંગે ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી લિખિત શ્રી સ્વામિનારાયણ દર્શનસારસંગ્રહ (વચનામૃત ભમિકા)ને વિદ્વત્સભાએ માન્યતા આપી હતી અને સ્વામીજીને “વેદાંતવિદ્યામાર્તંડ” ઉપાધિ આપીને સન્માનિત કર્યા હતા. સાથે સાથે શ્રી લક્ષ્મીનારાયણ પીઠ વડતાલ સંસ્થાના મુખ્ય કોઠારી ડો. શ્રી સંતવલ્લભ સ્વામીનું “સારસ્વતાલંકાર” ઉપાધિથી સન્માન કરવામાં આવ્યા હતા.
કાશીના વિદ્વાનો દ્વારા સન્માનિત થવું એ સ્વામિનારાયણ સંપ્રદાય તથા ગુરુકુલ પરિવાર માટે એક ગૌરવની ઘટના છે. આ ક્ષણને વધાવવા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ ખાતે તા. ૩૧ ઓગષ્ટ, ૨૦૨૩ના રોજ ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.
સમારોહના પ્રારંભે પૂજ્ય સ્વામીજી, પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય સંતવલ્લભદાસજી સ્વામી વગેરે સંતો-મહાનુભાવોએ વૈદિક પ્રાર્થના સાથે ભગવાન શ્રીસ્વામિનારાયણને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
કાશીમાં યોજાયેલ સેમિનારમાં બે દિવસ હાજર રહેનાર સાગર યુનિ.ના કુલપતિશ્રી બળવંતભાઈ જાનીએ પ્રારંભે પ્રાસ્તાવિક પ્રવચન કરી સંપૂર્ણ અહેવાલ પ્રસ્તુત કર્યો હતો. ત્યારબાદ દર્શનમ્ સંસ્કૃત સંસ્થાનના ડાયરેક્ટર શ્રી રામપ્રિયજીએ કાશીના વિદ્વાનો દ્વારા અક્ષરપુરુષોત્તમ મતનું ખંડન અને મૂળ શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંતનું મંડન કરી જે પ્રમાણપત્ર આપેલ તેનું વાંચન કર્યું હતું. આ પ્રસંગે મૂળ સંપ્રદાયવતી ઉપસ્થિત વડતાલ મંદિરના કોઠારી શ્રી સંતવલ્લભદાસજી સ્વામીને એ પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે કાશીના વિદ્વાનોએ એમને આપેલ “સારસ્વતાલંકાર” ઉપાધિનું સન્માનપત્ર અર્પણ કર્યું હતું.
પૂજ્ય ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી જાગતા સાધુ છે. તેઓની વિદ્વત્તા અજોડ છે. તેઓ કવિ છે, લેખક છે, ઉત્તમ વક્તા છે. એમના હસ્તે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અનેક સેવાકાર્યો થયા છે. સમાજસેવાનો તેમણે ભેખ લીધો છે. દેશવિદેશમાં સતત પરિભ્રમણ કરી એમણે હંમેશાં હિન્દુ સનાતન ધર્મનું પોષણ કર્યું છે. અનેક લોકોને નિર્વ્યસની કર્યા છે, સદાચારી કર્યા છે, મોક્ષમાર્ગે અગ્રેસર કર્યા છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ તથા અનેક મહાન સંતોનો એમણે રાજીપો પ્રાપ્ત કર્યો છે. અનેક પ્રતિભાના સ્વામી હોવા છતા એમનું નિર્મળ અને સરળ જીવન સૌને આકર્ષે છે. આ તમામ સદ્ગુણો અને સત્કાર્યોને ધ્યાનમાં રાખીને પૂજ્ય સ્વામીજીને કાશીના વિદ્વાનો દ્વારા ‘વેદાંતવિદ્યામાર્તન્ડ’ ઉપાધિથી સન્માનિત કર્યા.
આ સન્માનપત્રના વાંચન બાદ પૂજ્ય શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, સંતો તથા મહાનુભાવોએ પૂજ્ય સ્વામીને હાર તથા શાલ ઓઢાડી સન્માનપત્ર અર્પણ કર્યું ત્યારે સમગ્ર સભાગૃહ તાળીઓના ગડગડાટ સાથે ગુંજી ઊઠ્યો હતો.
ત્યારબાદ ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા કોઠારી શ્રી સંતવલ્લભદાસજી સ્વામીને સન્માનિત કરવા ખૂબ મોટી સંખ્યામાં સાહિત્યકારો, સમાજસેવકો, ધર્મસંસ્થાના વડાઓ, ઉદ્યોગપતિઓ તથા ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભારે ઉમળકાથી બન્ને સંતોનું સન્માન કર્યું હતું. જેમાં મા ઉમિયાધામ, સરદારધામ, ડીવાઈન મિશન, સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, આર.એસ.એસ., ઝાલાવાડ-ખાખરિયા સમાજ વગેરે સંસ્થાઓના આગેવાનો આ સન્માનમાં જોડાયા હતા.
આ પ્રસંગે ખાસ ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ રાજેન્દ્ર શુક્લ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિ.ના નવનિયુક્ત કુલપતિશ્રી
સુકાન્ત સેનાપતિજી તથા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પદ્મશ્રી કુમારપાળભાઈ દેસાઈ, પદ્મશ્રી ભીખુદાનભાઈગઢવી, કવિશ્રી માધવ રામાનુજ, પ્રો. વસંતભાઈ ભટ્ટ, વસંતભાઈ ગઢવી સાહેબ, ભદ્રાયુ વચ્છરાજાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સભાનું સંચાલન પ્રો. અશ્વિનભાઈ આણદાણીએ કર્યું હતું.