૨૦૨૧ નૂતન વર્ષની પ્રથમ દિવસની સંધ્યાએ SGVP ખાતે, ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં હવેલી સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મેવાસી ઘરાનાના ગાયક અને સંગીતકાર શ્રી કૃષ્ણકાંત પરીખના શિષ્ય શ્રી હર્ષભાઇ પટેલના મુખે વિવિધ શાસ્ત્રીય રાગોમાં – આંખન આગે હું શ્યામ, આજ તો આનંદ બધાઇ, બરજો જશોદાજી કાન્હા, ગોકુલમેં બાજત કહાં બધાઇ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, લાલ ગોપાલ ગુલાલ હમારી, ગોવિંદ દામોદર સ્તોત્ર વગેરે હવેલી સંગીતની ભક્તિસભર રચનાઓ ગવાઇ ત્યારે સૌ શ્રોતા ભાવ વિભોર બન્યા હતા અને સૌએ તાલીઓના ગડગડાટ સાથે હર્ષભાઇને વધાવ્યા હતા.
સાથી કલાકારોમાં પખાજ વાદક હેમંત ભટ્ટ, હારમોનિયમ વાદક કંદર્પ ત્રિવેદી, સારંગી વાદક ઇકરામ ખાન, તબલા વાદક જોબી જોય અને સાઇડ રિધમમાં રમાકાંતભાઇ રહેલ હતા. ઉદ્ધોષક તરીકે અશ્વિનભાઇ આણદાણીએ સેવા બજાવી હતી.
નૂતન વર્ષની પ્રથમ સંધ્યાએ આયોજિત આ હવેલી સંગીતનો ભકિતસભર કાર્યક્રમ ઓન લાઇન પ્રસારિત કરવામાં આવ્યો હતો.
અંતમાં પૂજ્ય સ્વામીજીએ તમામ ભક્તિસંગીતના કલાકારોને આશીર્વાદ સાથે શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું અને જણાવ્યું હતું કે શ્રી હર્ષભાઇ પટેલના મુખે હવેલી સંગીતના માધ્યમથી અષ્ટ સખાઓની રચનાઓ સાંભળી અત્યંત આનંદ થયો, સમય કેમ પસાર થયો તેની પણ ખબર ન રહી.
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારો ભકત જ્યાં ગાય છે ત્યાં હું રહું છુ. જેના અંતરમાં ભકિત અને ભગવાન પ્રતિ પ્રેમ હોય તેને ભગવાન પોતે ગોતતા આવે છે
આજે લોકો જાતજાતના દુન્યવી રંગરાગમાં નવા વર્ષની શરૂઆત કરે છે. જ્યારે આપણે ભગવાન શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામના ભક્તિ સંગીતના અપૂર્વ રસપાન સાથે આ નવા વર્ષનો મંગલ પ્રારંભ કરી રહ્યા છીએ.