Photo Gallery
કોરોના મહારામારી સમગ્ર દેશ અને દુનિયાને દઝાડી રહી છે. ચારેબાજુ હાહાકાર મચ્યો છે. ત્યારે સેવાભાવી સંસ્થાઓ અને લોકોએ સેવાના અનેક કેન્દ્રો ખોલી લોકોની વહારે પણ આવ્યા છે.
ખાસ કરીને ગુજરાતમાં સુરત જેવા શહેરમાં કોરોના રોગચાળો ખૂબ વકર્યો છે. ત્યારે દર્દીઓને મદદરૂપ થવાના હેતુથી ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રયિદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP ગુરુકુલ પરિવાર દ્વારા આ આઈસોલેશનનો પ્રારંભ કરાયો છે.
આ સેવાકાર્યમાં કામરેજ તાલુકા આરોગ્ય વિભાગ, પતંજલિ વિદ્યાલય, દેવભૂમિ ચેરિટેબેલ ટ્રસ્ટ, કર્તવ્ય ચેરિટેબલ ટ્રષ્ટ વગેરેનો સહયોગ પ્રાપ્ત થયો છે.
સુરતના કામરેજ તાલુકાના વલણ ગામે આવેલ પતંજલિ વિદ્યાલયમાં હાલ ૧૦૦ દર્દીઓની સારવાર થાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આગામી સમયમાં જરૂર પડશે તો ૩૦૦ જેટલા દર્દીઓ સારવાર કરાવી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવશે. પતંજલિ વિદ્યાલયનું હરિયાળું કુદરતી વાતાવરણ દર્દીઓ માટે ભારે સ્ફૂર્તિદાયક છે.
અહીં સારવાર લઈ રહેલા દર્દીઓની તથા તેમના સંબંધીઓ માટે પણ રહેવા-જમવાની તમામ વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવી છે.
આ આઈશોલેશન સેન્ટરના ઉદ્ઘાટનમાં કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અજીતભાઈ આહીર, ઉપપ્રમુખ શ્રી ભૂમિકાબેન મૌલિક ભાઈ પટેલ, તદુપરાંત દેવભૂમિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી મૌલિકભાઈ પટેલ, કામરેજ તાલુકા આરોગ્ય અધિકારી શાંતાદેવી, એસ.એમ.સી.ના પૂર્વ કોર્પોરેટર સોનલબેન દેસાઈ, કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટના દિનેશભાઈ દેસાઈ, કામરેજ તાલુકા સંગઠન મહામંત્રી કૌશલભાઈ પટેલ, SGVP ગુરુકુલ પરિવારના સભ્ય શ્રી મનીષભાઈ ગોધાણી તથા પ્રકાશભાઈ લહેરી ઉપસ્થિત રહ્યા હતા.
રોજેરોજનું કમાઈને ખાતા નાના વર્ગના લોકોને આ મહામારી ખૂબ અભિશાપરૂપ બની છે. ત્યારે આ આઈસોલેશન સેન્ટરમાં મોટેભાગે દર્દીઓનું ધ્યાન રાખી શકે એવા કોઈ પરિવારજનો ન હોય તથા જે પરિવાર પાસે દવા-ભોજન વગેરેની વ્યવસ્થા ન હોય તેવા ગરીબ દર્દીઓ સારવાર લેવા આવે છે.
SGVP ગુરુકુલ પરિવાર દ્વારા પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી અહીં દર્દીનારાયણની તમામ પ્રકારની સેવા વિનામૂલ્યે કરવામાં આવે છે. દર્દીઓને દવાની સાથે સાથે ભોજન, ફળોના રસ, લીંબુપાણી વગેરે બધી જ સેવાઓ સ્વયંસેવકો દ્વારા થઈ રહી છે.
ઉપરાંત પતંજલિ વિદ્યાલયનું કુદરતી વાતાવરણ દર્દીઓને ખૂબ લાભદાયી થઈ રહ્યું છે. દર્દીઓ ખુલ્લા વાતાવરણમાં સોશ્યલ ડીસ્ટન્સ રાખીને હરી-ફરી શકે છે. વૃક્ષ નીચે બેસી શકે છે. જેથી શરીરનું ઓક્સિજન લેવલ પણ સારી રીતે જળવાઈ રહે છે.
સેવાભાવી ટીમની મહેનત, સંતોના આશીર્વાદ તથા પ્રાર્થનાને કારણે દર્દીઓ ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ ઘરે પરત ફરે છે.