Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Seychelles Satsang Yatra, 2014

સીસલ્સ સત્સંગ યાત્રા

શ્રીકચ્છી લેવા પટેલ સમાજ-સીસલ્સ દ્વારા સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રીમાધવપ્રિયદાસજીની હાજરીમાં  હોળી તેમજ ફુલદોલ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો
સીસલ્સના ભાવિક ભક્તજનોના નિમંત્રણને માન આપી સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રીમાધવપ્રિયદાસજી સંતવૃંદ સાથે સીસલ્સ પધાર્યા હતા. અહીં શ્રીકચ્છી લેવા પટેલ સમાજના ઉપક્રમે ભવ્ય હોળી ઉત્સવ અને ઠાકરથાળીનું આયોજન થયું હતું. તેમજ શ્રીવિજય કન્સટ્રકશન કેમ્પના નૂતન મંદિરમાં ઠાકોરજીની ધામધૂમથી સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પૂજ્ય સ્વામીશ્રીએ ઠાકોરજીનું ષોડશોપચાર વિધિથી પૂજન કરાવ્યું હતું.

આ પ્રસંગે ભવ્ય હીંડોળા ઉત્સવનું આયોજન પણ થયું હતુ. આંબાના પાન અને ફૂલોથી ઠાકોરજીનો ઝૂલો શણગારવામાં આવ્યો હતો. કરસનભાઇ રાઘવાણી પરિવારના બહેનોએ ભાવપૂર્વક એક સો આઠ ફૂટનો હાર બનાવ્યો હતો અને ઠાકોરજીને અર્પણ કર્યો હતો. સ્વામીશ્રી સાથેના સંગીતકાર મંડળના સંતોએ હીંડોળાના પદો ગાયા હતા.

આ વિશાળ કેમ્પના ચોકમાં આશરે બે હજાર જેટલા ભાઇ-બહેનોએ ધામધૂમથી રંગોત્સવ, હોળી ઉત્સવ અને ઠાકરથાળીનો ભરપૂર આનંદ માણ્યો હતો. આ પ્રસંગે સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, જે રીતે ભગવાન મંદિરમાં બિરાજે છે એજ રીતે જીવપ્રાણિમાત્રમાં પણ બિરાજે છે. મંદિરમાં સેવા કરીએ છીએ એજ રીતે જીવપ્રાણિમાત્રમાં બિરાજમાન પરમાત્માની સેવા થાય તો સાચી પૂજા ગણાય.

માણસ મંદિરના દેવને પૂજે અને જીવપ્રાણિમાત્રમાં બિરાજમાન દેવનો અનાદર કરે તો એ સાચો ભક્ત નથી. મનુષ્યોનું મન પણ મંદિર બનવું જોઇએ. મનુષ્યના મનમાંથી રાગ-દ્વેષ, ઇર્ષ્યા, અહંકાર, મારું-તારું વગેરે દૂર થાય ત્યારે જ મન મંદિર થયું કહેવાય. આપણે માત્ર બાહેર મંદિર બનાવીને અટકી જવાનું નથી. આપણા મનને પણ મંદિર બનાવવા માટે મથવું જોઇએ.

સ્વામીશ્રીએ માર્મિક ટકોર કરતા કહ્યું હતું કે, સદાચારી જીવન જ મનુષ્યને સાચી સુખ-શાંતિ આપી શકે છે. સીસલ્સ સાગરનું સ્વર્ગ છે. અહીંયા સારું પણ એટલું જ છે અને દૂષણો પણ એટલા જ છે. મોટા ભાગના તમે યુવાન ઉંમરના છો ત્યારે સદાચારને પંથે ચાલી જીવનને સુખી અને સમૃદ્ધ બનાવશો. આ ખારા દરિયાના પાણી જેવા વ્યસન અને વિષય તમારા જીવનને લૂણો ન લગાડે તેનું ધ્યાન રાખશો.

આ પ્રસંગે સુપ્રસિદ્ધ શ્રીવિજય કન્સટ્રકશનના માલિક શ્રીવિશ્રામભાઇ, નાઇરોબીથી એપ્કો કન્સટ્રકશનના માલિક શ્રીરામજીભાઇ દેવજીભાઇ વરસાણી, ભીમજીભાઇ ગોપાલભાઇ વરસાણી, શ્રીકચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ શ્રીનંદુભાઇ કરસનભાઇ રાઘવાણી તથા કમિટીના મેમ્બરો વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નાઇરોબીથી પધારેલ આદરણીય શ્રીરામજીભાઇએ શ્રીકચ્છી લેવા પટેલ સમાજની સેવાઓને બિરદાવી હતી અને પોતાની હળવી રમૂજી શૈલીથી પ્રેરક વાતો કરી બધાને હાસ્યરસથી તરબોળ કર્યા હતા. વિશ્રામભાઇએ આ પ્રસંગે ઉપસ્થિત રહેવા બદલ સર્વનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે સહજાનંદ બિલ્ડર્સ, હરિ બિલ્ડર્સ, લક્ષ્મણભાઇ કન્સટ્રકશન, અલાઇડ બિલ્ડર્સ, શ્રીજી કન્સટ્રકશન, શ્રીહરિ કન્સટ્રકશન, સ્વામિનારાયણ બિલ્ડર્સ, નરનારાયણ બિલ્ડર્સ, બજરંગ બિલ્ડર્સ, રામ બિલ્ડર્સ, નારાયણ કન્સટ્રકશન, કેરાઇ કન્સટ્રકશન, માહે બિલ્ડર્સ, આઇડીસી કંપની, અક્ષર બિલ્ડર્સ, જય કન્સટ્રકશન, ક્રિષ્ના કન્સટ્રકશન વગેરેના આગેવાનો અને આશરે બે હજાર જેટલા યુવાનો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે શ્રીકૌશલ પટેલ, શ્રીગૌરાંગ પટેલ, શ્રીચિરાગ પટેલ, શ્રીપરબતભાઇ પટેલ, શ્રીરવિ રાઘવાણી, શ્રીરાજ સોલંકી, મનિષ પટેલ, નાનજી ખીમજી જેસાણી, દેવજીભાઇ લાખાણી, કેસરાભાઇ ભુડીયા વગેરે ભાઇ-બહેનોએ વિવિધ સેવાઓ ભક્તિભાવ સાથે ઉપાડી લીધી હતી. પ્રસંગને અંતે બધાએ સમૂહમાં ભોજન રૂપી પ્રસાદ લીધો હતો.
 
હિન્દુ કાઉન્સીલ ઓફ સીસલ્સ તથા ઇન્ટરફેઇથ કાઉન્સીલ ઓફ સીસલ્સ દ્વારા સ્વામીશ્રીનું બહુમાન

સીસલ્સના ભક્તજનોના નિમંત્રણને માન આપી સ્વામી શ્રીમાધવપ્રિયદાસજી સંત મંડળ સાથે સીસલ્સ પધાર્યા હતા. અહીં એલાઇડ બિલ્ડર્સના કેમ્પ ખાતે ઇન્ટરફેઇથ રીલીઝીયસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. આ પ્રસંગે હિન્દુ કાઉન્સીલ ઓફ સીસલ્સ તથા ઇન્ટરફેઇથ કાઉન્સીલ ઓફ સીસલ્સ દ્વારા સ્વામીશ્રીનું બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સીસલ્સના ડેજીકનેટેડ મિનિસ્ટર વિન્સેન્ટ મેરીટોન, રોમન કેથોલિક ચર્ચના બિશપ મોન્સીગ્નોર ડેનિસ વીહે, બિસપ જેમ્સ વોંગ, હેન્ગલીકન ચર્ચના આર્ક બિસપ ફ્રેન્ચ ચાંગ હિમ, ઓર્થોડોક્સ ચર્ચના ફાધર સર જીયોસ, નેશનલ કાઉન્સીલ ફોર ચિલ્ડ્રનના સીઇઓ રૂબી પારડીવાલા, ઇસ્લામિક સોસાયટી ઓફ સીસલ્સના ઇમાન એનેકા, હિન્દુ કાઉન્સીલ ઓફ સીસલ્સના પ્રમુખશ્રી પ્રવિણભાઈ દરાડ તથા અન્ય આગેવાન ધાર્મિક પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એલાઇડ બિલ્ડર્સના મેનેજીંગ ડાયરેક્ટર તેમજ સીસલ્સ હિન્દુ કાઉન્સીલના પ્રમુખ શ્રીપ્રવિણભાઇ દરાડે સ્વામીશ્રીના સેવાકાર્યોની માહિતી આપી સ્વાગત પ્રવચન કર્યું હતું.

ઇન્ટરફેઇથ કાઉન્સીલના ચેરમેન મોન્સીગ્નોરે જણાવ્યું હતું કે, ‘આજથી પાંચ વર્ષ પહેલા સ્વામીજીને હું પ્રથમવાર મળ્યો હતો. આજે બીજીવાર મળી રહ્યો છું. આ પ્રસંગે ઉપસ્થિત રહેતા મને આનંદ થાય છે. દુનિયામાં વિવિધ ધર્મ પરંપરાઓ છે. બધાનું ધ્યેય ભગવાનની શોધ છે. આજે દુનિયા ખુબ નાની થઇ ગઇ છે. આપણે બધાએ એકબીજાથી નજીક આવવાની ખાસ જરૂર છે.’

સ્વામી શ્રીમાધવપ્રિયદાસજીએ આ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘આજે સંઘર્ષની નહિ, સમન્વયની જરૂર છે. દુનિયાના પ્રત્યેક ધર્મે એકબીજાને અંતરથી આદર આપતા શીખવું પડશે.’ ‘દુનિયાના વિવિધ ધર્મોમાં અનેક વિરોધાભાસો છે તો સાથે સાથે સમાનતાઓ પણ એટલી જ છે. આપણે સમાનતાઓના પ્રવર્તન માટે પ્રયાસ કરવો જોઇએ. આજની સ્કૂલોમાં સાયન્સ અને ટેક્‌નોલોજીની સાથે સાથે માનવજીવનના મૂલ્યોની શિક્ષા પરમ આવશ્યક છે. દારૂ વગેરે વ્યસનોથી મુક્ત સમાજની રચના આપણો કોમન એજન્ડા હોવો જોઇએ. સર્વ પ્રકારની હિંસા વિશ્વશાંતિને બાધા પહોંચાડનારી છે. આપણે હિંસામુક્ત સમાજની રચના કરવી જોઇએ.’

‘વેદોએ કહ્યું છે, ‘સમસ્ત વિશ્વ એક કુટુંબ છે.’ ભારતીય શાસ્ત્રકારો કહે છે, ‘બધી જ નદીઓ એક મહાસાગરમાં લીન થાય છે એ રીતે બધી જ ધર્મપરંપરાઓ આખરે એક પરમાત્મામાં લીન થાય છે.’
‘સીસલ્સની ઇન્ટરફેઇથ કાઉન્સીલ સીસલ્સ ખાતે ધાર્મિક સમરસતા માટે પ્રશંસનીય પ્રયાસ કરી રહી છે. અહીંના હિન્દુઓ ભારે ઉદારતાથી બીજા ધર્મો સાથે સહયોગથી જીવી રહ્યા છે. તે બદલ તેમને હું અભિનંદન આપુ છું. આવો સુંદર કાર્યક્રમ યોજવા બદલ હિન્દુ કાઉન્સીલના પ્રમુખ શ્રીપ્રવિણભાઇ દરાડ વિશેષ અભિનંદનને પાત્ર છે.’

સ્વામીશ્રીની સંસ્કાર સાથેની શિક્ષાની વાતથી તેમજ SGVP ઇન્ટરનેશનલ કેમ્પસના સેવાકાર્યોથી સર્વ કોઇ પ્રભાવિત થયા હતા અને સ્થાનિક મીડિયા જગતે તેની વિશેષપણે નોંધ લીધી હતી.

એલાઇડ બિલ્ડર્સના મેનેજીંગ ડાયરેક્ટર શ્રીપ્રવિણભાઇ તેમજ અન્ય અગ્રણીઓએ આ પ્રસંગે ઉપસ્થિત તમામ ધર્માચાર્યોનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું. એલાઇડ બિલ્ડર્સ કેમ્પના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સાંજની આરતી સમયે વિવિધ ધર્મના આગેવાનોએ પણ આદરપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Achieved

Category

Tags