Photo Gallery
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP ખાતે વસંતપંચમી, તા. ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ ભગવાન શ્રીરામ-શ્યામ-ઘનશ્યામ મહારાજનો ૧૫મો પાટોત્સવ ખૂબ જ દિવ્યતાથી ઉજવાયો. આજના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વ જીવોના કલ્યાણ માટે નાનો પણ અદ્ભુત ગ્રંથ ‘શિક્ષાપત્રી’ની અમૂલ્ય ભેટ આપી હતી. ઉપરાંત વૈરાગી સંત શ્રી નિષ્કુળાનંદ સ્વામી તથા કવિવર્ય શ્રી બ્રહ્માનંદ સ્વામીનો જન્મ પણ આજે થયો હતો.
આવા પવિત્ર દિવસે સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની ઉપસ્થિતિમાં SGVP ખાતે પાટોત્સવ તથા શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
વૈદિક મંત્રો સાથે ઠાકોરજીનો અડાલજ વાવના પવિત્ર જળ, ગંગાજળ, તમામ ઔષધિઓના રસ, ફળોના રસ, સપ્તનદીઓના જળ, પંચગવ્ય વગેરેથી ઘનશ્યામ મહારાજનો વહેલી સવારે અભિષેક કરવામાં આવેલ.
ત્યાર બાદ ૧૦૮ વાનગીઓના અન્નકૂટ ઠાકોરજીને ધરાવી સદ્ગુરુ સંતોના હસ્તે આરતિ ઉતારવામાં આવી હતી. અ્ન્નકૂટનો તમામ પ્રસાદ અંધ અપંગ શાળા, સ્કુલો તથા ગરીબોને વહેંચવામાં આવ્યો હતો.
પાટોત્સવત નિમિતે શાકોત્સવ કરવામા આવેલ જેમા ૫૦૦ કિલો રીંગણાનું શાક, બાજરીના રોટલા, અથાણું માખણ વગેરે ૫૦૦૦ ઉપરાંત હરિભકતોને પ્રસાદ પીરસવામાં આવેલ.
તાજેતરમાં જ ગુજરાતના ગૌરવવંતા હાસ્યકલાકાર શ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડને ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’ એવોર્ડ અર્પણ કરી નવાજવામાં આવ્યા છે, ત્યારે આ પ્રસંગે સ્વામી માધવપ્રિયદાસજી, સ્વામી બાલકૃષ્ણદાસજી તથા સંતોના હસ્તે શાહબુદ્દીનભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં કલાકારો ઘણા છે, પરંતુ શાહબુદ્દીનભાઈ જુદી માટીના છે. એમની સાત્વિકતા અને નિર્દોષ વ્યક્તિત્વ સાધુઓને પણ આકર્ષે એવું છે. આજે ગુરુકુલ પરિવાર તથા સમગ્ર ગુજરાતની પ્રજાને શાહબુદ્દીનભાઈના આ સન્માનથી આનંદ થયો છે. શાહબુદ્દીનભાઈએ પદ્મશ્રી પુરસ્કારને શોભાવ્યો છે.’
શાહબુદ્દીનભાઈએ સભામાં ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ‘વર્ષોથી ગુરુકુલ મારો ઉતારો રહ્યું છે. અહીં સંતો અને ભક્તોની નિખાલસતા અને સરળતા મને આકર્ષે છે. પદ્મશ્રી મળ્યા પછી આજે ગુરુકુલમાં મારું આ પ્રથમ સન્માન છે. સંતોની ભાવનાને બિરદાવું છું.’
આ ઉપરાંત આજે ડૉ. યુનુસભાઈ શેખ દ્વારા લખાયેલ ‘સુફી સ્ટોરી’ બુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.