સાઉદી અરેબિયાના ડો. અલ ઇસા અને હિન્દુ ધર્માચાર્યોની સૌહાર્દપૂર્ણ બેઠક, દિલ્હી
સાઉદી અરેબિયાના H.E. ડૉ. મોહમ્મદ બિન અબ્દુલ કરીમ અલ-ઈસા, મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલ, (મુસ્લિમ વિશ્વના સૌથી પ્રભાવશાળી વૈશ્વિક મંચ)ના અગ્રણી અને અધિકૃત ઈસ્લામિક વિદ્ધાન છે, જેઓ ભારતની પ્રથમ મુલાકાતે પધાર્યા હતા. ૧૨મી જુલાઈ, ૨૦૨૩ના રોજ દિલ્હી ખાતે વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન (VIF) ખાતે તેઓએ હિન્દુ ધર્મ આચાર્ય સભા અને અન્ય અગ્રણીઓ સાથે ‘ધર્મોના સુમેળ’ વિષય પર સંવાદ કર્યો હતો.આ મીટીંગમાં હિન્દુ ધર્મ આચાર્ય સભાના મહામંત્રી અને સંયોજક સ્વામી શ્રી પરમાત્માનંદજી (રાજકોટ), સ્વામી શ્રી નિર્મલાનંદજી (આદિ ચુનચુનગીરી, કર્ણાટક), સ્વામી શ્રી માધવપ્રિયદાસજી (SGVP ગુરુકુલ અમદાવાદ), સ્વામી શ્રી બ્રહ્મેશાનંદજી (ગોવા) તથા અન્ય ધર્મસંસ્થાના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પરીસંવાદમાં શ્રી અજીત ડોભાલ (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSA) અને શ્રી એસ. ગુરુમૂર્તિ (અધ્યક્ષ VIF) પોતાની ટીમ સાથે આ ચર્ચામાં જોડાયા હતા અને માર્ગદર્શન આપ્યું હતુ. શ્રી ડોભાલે જણાવ્યું હતું કે, ‘વિશ્વ સંકુચિત અને નિહિત સ્વાર્થો દ્વારા સંચાલિત કાવાદાવામાંથી પસાર થઈ રહ્યું છે, કારણ કે ઘણા નેતાઓ પોતાની પ્રસિદ્ધિ વધારવા અને લોકચાહના મેળવવા ધર્મનો ઉપયોગ રાજકીય સાધન તરીકે કરી રહ્યા છે’.
ડૉ. અલ ઈસાએ વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓમાંની એક, ભારતીય સંસ્કૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની વૈશ્વિક અને વિકાસલક્ષી દ્રષ્ટિ અને નિખાલસતા માટે પ્રશંસા કરી. તેમણે વૈશ્વિક સંવાદિતા માટે પ્રેરક બળ તરીકે ભારતીય ફિલસૂફીની પણ પ્રશંસા કરી હતી. તેમણે જાહેર કર્યું કે, ‘વૈદિક ફિલસૂફીમાં આજે વિશ્વના કેટલાક ગંભીર પડકારોને ઉકેલવાની ક્ષમતા છે’.
ઇસ્લામિક વિશ્વનો ઉલ્લેખ કરતા ડૉ. અલ-ઇસાએ કહ્યું હતું કે, ‘વિવિધ નેતાઓ દ્વારા તેમના રાજકીય એજન્ડાને અનુરૂપ પવિત્ર કુરાનના બહુવિધ અર્થઘટનોએ અન્ય લોકો માટે ગેરસમજ, અવિશ્વાસ અને નફરત પેદા કરી છે. પવિત્ર કુરાન પરસ્પર આદરની હિમાયત કરે છે’.
હિન્દુ ધર્મગુરુઓએ સમજાવ્યું હતુ કે, ‘હિન્દુ ફિલસૂફી એવી માન્યતા રાખે છે કે, સર્વમાં ઇશ્વરનો અંશ છે. સર્વમાં ઇશ્વર બિરાજે છે. તેથી જ હિન્દુઓ હાથ જોડીને નમસ્તે કહે છે. જેનો અર્થ છે કે, તમારામાં રહેલા પરમાત્માને આદર આપું છું. હિન્દુ ધર્મમાં મૂર્તિપૂજાને અમે આધ્યાત્મિક વિકાસની શરૂઆત માનીએ છીએ. હિંદુઓ તમામ ધાર્મિક પ્રાર્થનાઓને સમાન અને સાચી સ્વીકારે છે. હિંદુ સંસ્કૃતિમાં વિવિધતા હોવા છતાં એક છે અને આંતરિક તથા બાહ્ય રીતે સહનશીલ છે’.
‘ઋગ્વેદ કહે છે, वसुधैव कुटुंबंकम्। અમે સમગ્ર વિશ્વ સાથે એક પરિવાર તરીકે જીવવાનો પ્રયાસ કરીએ છીએ’.
‘જેમ જૈવિક વિવિધતા પ્રકૃતિ માટે મહત્વપૂર્ણ છે, તેવી જ રીતે શાંતિપૂર્ણ, સુમેળભર્યા સમાજ માટે ધાર્મિક વિવિધતા મહત્વપૂર્ણ છે. તે આપણને દરેક માટે પ્રેમ, કરુણા અને પ્રકૃતિની સાચી નિઃસ્વાર્થ સેવા શીખવે છે’.
આ પ્રસંગે VIF ના અધ્યક્ષ શ્રી એસ.ગુરુમૂર્તિએ જણાવ્યું હતું કે, ‘ભારત અકલ્પનીય વિવિધતા (ધર્મો, પ્રાર્થના પધ્ધતિઓ, ભાષાઓ, ખોરાકની આદતો, વગેરે)ની ભૂમિ છે. ભારત માત્ર વિશ્વની સૌથી મોટી લોકશાહી નથી, પરંતુ લોકશાહી માતા છે. ભારતે સદીઓથી શાંતિપૂર્ણ અને સુમેળભર્યા જીવન જીવતા વિવિધ ધર્મોનું સ્વાગત કર્યું છે’.
તેમણે મુસ્લિમોને ગેરમાર્ગે દોરવા માટે સંસ્થાનવાદી શાસનને જવાબદાર ગણાવ્યું હતું. ‘સ્વામી વિવેકાનંદજીએ ૧૮૯૩માં વિશ્વ ધર્મ સંસદ સમક્ષ ગર્વથી જાહેર કર્યું હતું કે અમે અમારી છાતીમાં પારસીઓના સૌથી શુદ્ધ અવશેષો રાખ્યા છે અને ઇઝરાયેલીઓ કે જેઓને રોમન જુલ્મ જુલમીકારો દ્વારા તેમના વતનમાંથી હાંકી કાઢવામાં આવેલા હતા અને શરણાર્થીઓ તરીકે ભારત આવ્યા તેમને પણ અમે સન્માનથી સાચવ્યા છે’.
ધર્માચાર્યો સાથેની બેઠક પૂર્ણ થયા બાદ ડૉ. અલ ઇસાએ વિવેકાનંદ ફાઉન્ડેશનના હોલમાં પબ્લિક ઉદ્બોધન કર્યું હતું, જેમાં ઉચ્ચકક્ષાના અધિકારીઓ, રાજકીય મહાનુભાવો, વિવિધ ધર્મના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.