કિસુમુ : સત્સંગ સભા
સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી આફ્રિકાના સત્સંગ વિચરણ દરમિયાન કિસુમુ પધાર્યા હતા. અહીં સનાતન હિન્દુ મંદિરના વિશાળ હૉલમાં સત્સંગસભાનું આયોજન થયું હતું. મંદિરની કમિટિના મેમ્બરો તથા ટ્રષ્ટીઓએ સ્વામીશ્રીનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું.
સ્વામીશ્રીએ સભામાં મંદિરોનું મહત્ત્વ જણાવતા કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિના મંદિરોની રચના પાછળ અનેકવિધ વિજ્ઞાન રહેલું છે. દક્ષિણ ભારતના મંદિરો સ્થૂળથી સૂક્ષ્મ તરફની યાત્રા સૂચવે છે. પશ્ચિમ ભારતના શિખરબદ્ધ મંદિરના શિખરો ઊંચે આકાશમાં રહેલા દિવ્ય ધામો તરફ સંકેત કરે છે. એટલું જ નહીં, પરંતુ ભક્તોનો ભાવ અને પ્રેમથી પરમાત્મા સ્વયં અક્ષરધામથી નીચે અવતરે છે અને ધરતીને મંગલમય બનાવે છે.
સ્વામીશ્રીએ વિશેષમાં જણાવ્યું હતું કે, માત્ર મંદિરો અને મૂર્તિઓમાં જ નથી, જડ-ચેતન વિશ્વમાં પરમાત્માનો વાસ છે. જડ-ચેતન વિશ્વની પ્રેમથી સેવા કરવાથી પરમાત્મા પ્રસન્ન થાય છે.
આ પ્રસંગે સ્વામીશ્રીના સત્સંગ શ્રવણ માટે મોટી સંખ્યામાં ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના સેક્રેટરી અશોકભાઇ કાબરાએ સભાસંચાલન કર્યું હતું. મંદિરના પૂર્વ પ્રમુખ શ્રી રાજુભાઇ ભોગાયતા, વર્તમાન પ્રમુખ શ્રી નયનાબહેન સુંદરા, ટ્રષ્ટી શ્રી વિનોદભાઇ રામજીભાઇ હાલાઇ, કમિટિ મેમ્બર શ્રી રવિભાઇ, દેવજીભાઇ છભાડિયા, કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિરના અગ્રણી શ્રી કાનજીભાઇ વગેરે ભાઇ-બહેનોએ આ સત્સંગસત્રને સફળ બનાવવા માટે ઉત્સાહપૂર્વક સેવા બજાવી હતી.
============ ==================
નકુરુ : કિસુમુના ક્ચ્છી હિન્દુ પરિવારની આર્થિક ઉદારતા – સહયોગથી બંધાઇ રહેલું ચર્ચ
સ્વામીશ્રી આફ્રિકાના ટૂંકા સત્સંગ વિચરણ દરમિયાન નકુરુ પધાર્યા હતા. ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હરેશભાઇ શાહ તથા મનજીભાઇ શિવજીભાઇ હિરાણીએ નકુરુ ખાતે પ્રારંભ કરેલા ભવ્ય પ્રોજેક્ટના ખાતવિધિ માટે સ્વામીશ્રીને ખાસ આગ્રહ કરીને તેડાવ્યા હતા. આ પૂજનવિધિ વખતે જેમની જમીનમાં પ્રોજેક્ટ આકાર લઇ રહ્યો છે એવા મોઇદીનભાઇ તથા તેમના પરિવારજનો અબ્દુલભાઇ વગેરે ઇસ્માઇલી બંધુઓ, જૈન અગ્રણી શ્રી અરુણભાઇ શાહ તથા નકુરુ ગુજરાતી સમાજના અગ્રણી શ્રી ટી. કે. પટેલ તથા શીખબંધુ શ્રી રવિંદર તથા આફ્રિકન ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને પૂજન વિધિમાં ભાગ લીધો હતો. નકુરુમાં જલારામ મંદિરના પ્રમુખ શ્રી શ્રી રાજેશભાઇ, ચંદુભાઇ તથા મંદિરના પૂજારી વગેરેએ સ્વામીશ્રીનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું.
સ્વામીશ્રી નકુરુથી કિસુમુ પાસેના ઇકોરો ગામે નવા બંધાઇ રહેલા ચર્ચની મુલાકાતે પધાર્યા હતા. આ ચર્ચ કિસુમુના સહજાનંદ બિલ્ડર્સના શ્રી દેવજીભાઇ છભાડિયાના પરિવારજનો શ્રી રવિભાઇ, ચંદુભાઇ અને કાનજીભાઇના સંપૂર્ણ આર્થિક યોગદાનથી બંધાઇ રહ્યું છે.
સ્વામીશ્રીએ ચર્ચના આગેવાનો સાથે ધાર્મિક બેઠક રાખી હતી. ચર્ચના આગેવાનોએ ભગવાન શ્રી સ્વામિનારાયણના અનુયાયી એવા આ હિન્દુ પરિવારે આ રીતે ચર્ચ બંધાવી રહેલ છે એ માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ પરિવારે બીજા પણ બંધાવેલા છે અને ધર્મિક ઉદારતાનું ઉદાહરણ પૂરુ પાડેલ છે.
આ પ્રસંગે સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ‘હિન્દુધર્મ પહેલેથી જ ભારે ઉદાર દૃષ્ટિકોણ ધરાવે છે. આજે વિશ્વમાં પોતાના ધર્મને શ્રેષ્ઠ સાબિત કરવાની મથામણ છોડી પરસ્પર એક-બીજા પ્રત્યે સમાનભાવે પ્રેમ અને આદરપૂર્વક વર્તવાની જરૂર છે.’ ચર્ચના પ્રાંગણમાં બે ધર્મના સમન્વયના પ્રતિક સમાન વૃક્ષારોપણ કર્યું હતું.
સહજાનંદ બિલ્ડર્સના આ પરિવારજનો તથા કીસુમુના ઉદાર હિન્દુ ભાઇ-બહેનો વિનુભાઇ, રાજુભાઇ વગરેએે આફ્રિકન લોકોના ગ્રામ્ય વિસ્તારમાં અનેક સ્કુલો બાંધવામાં પણ ભરપૂર આર્થિક સહયોગ કરેલ છે. એ રીતે આફ્રિકાની કર્મભૂમિનું ઋણ અદા કરેલ છે. ઉપરાંત શ્રી રવિ વગેરે ભાઇઓ ભારે પ્રકૃતિ પ્રેમી છે. એમણે હજારો વૃક્ષોનું વાવેતર કર્યું છે અને હાલ પણ કરી રહ્યા છે. સ્વામીશ્રીએ એમની સેવાભાવના અને પ્રકૃતિ પ્રેમને બિરદાવ્યો હતો.
================ ===================
નાઈરોબી સત્સંગ સભા
આફ્રીકા સત્સંગ યાત્રા દરમ્યાન પૂજ્ય સ્વામીશ્રી કીસુમુ, નકુરુ, કીરીચો થઇને નાઇરોબી પધાર્યા હતા. નાઇરોબીના શ્રી કચ્છી લેવા પટેલ સમાજના વિશાળ હોલમાં સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના પ્રમુખશ્રી આર. ડી. વરસાણી (એપ્કો બિલ્ડર્સ) તથા સમાજના અગ્રણીઓએ સ્વામીશ્રી તથા સંતમંડળનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે આજની નવી પેઢીને ધર્મની સાચી સમજણ આપવાની જરૂર છે. ધર્મ અમૃત છે, ધર્માંધતા ઝેર છે. ધર્મ જડ-ચેતન વિશ્વને સમન્વયના સૂત્રથી જોડી રાખે છે. ધર્મનું કામ જોડવાનું છે, તોડવાનું નહીં. ધર્મને વિધિવિધાન પૂરતો સિમિત ન રાખવો જોઇએ. ધર્મ દ્વારા માત્ર પોતાના વર્તુળને જ નહિ પણ જડ-ચેતન વિશ્વને પ્રેમ કરતાં શીખવવું જોઇએ. ધર્મનું શિક્ષણ માનવતા અને પ્રકૃતિપ્રેમથી ભરપૂર હોવું જોઇએ. જો માણસ માણસને પ્રેમ ન કરે તો એમનો કહેવાતો ભગવાન પ્રત્યેનો પ્રેમ પણ દંભ જ ગણી શકાય.
આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મેરુ નિવાસી શ્રી કાનજીભાઈએ પોતાની સુપુત્રીના લગ્નના ઉપક્રમે સત્સંગમાં પધારેલા સર્વને ભોજનરૂપી પ્રસાદ જમાડ્યો હતો.
સ્વામીશ્રીની આ ટુંકી યાત્રાના મુખ્ય નિમિત્ત બનનાર શ્રી મનજી શિવજી હીરાણી તથા હરેશ શાહનો સત્કાર કરવામાં આવ્યો હતો.
નાઇરોબીમાં બીજા દિવસે લંગાટા વિસ્તારમાં એપ્કો વિલેજના વિશાળ ચોગાનમાં સત્સંગ સભા તથા સમૂહ ભોજન પ્રસાદનું આયોજન થયું હતું. એપ્કો વિલેજના કમિટિ મેમ્બરોએ સ્વામીશ્રીનું ભાવપૂર્ણ સ્વાગત કરી સત્સંગનો લાભ લીધો હતો. નાઇરોબીના બધા જ કાર્યક્રમોને સફળ કરવામાં કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખશ્રી આર. ડી. વરસાણી, ધનજીભાઈ (ગોકોલવાળા), ગોપાલભાઈ વેકરીયા, મોહનભાઇ રાબડીયા, જેન્તિભાઈ પ્રેમજીભાઇ કેરાઇ, રમેશભાઇ વીરાણી, લક્ષ્મણભાઇ પીંડોરિયા, નારાયણભાઇ પીંડોરિયા, મયુર આર. ડી. વરસાણી, પીઠડિયા પરિવાર, પરબતભાઇ પીંડોરિયા (કેનન) તથા એપ્કો વિલેજના નાના-મોટા સર્વે ભાઈ-બહેનોએ સેવા બજાવી હતી.