આયુર્વેદ – યુગો સુધી ભારતીય ઉપખંડના મનુષ્યોને અને અન્ય જીવોને શારીરિક રીતે સુસ્વસ્થ અને સુદ્રઢ રાખી, તન મનની સુખાકારી તેમજ અધ્યાત્મ સંપદાથી સમૃદ્ધ રાખનાર આ વૈદિક વિજ્ઞાન પ્રવાહને ભારતીય સંસ્કૃતિએ પંચમ વેદનું સુયોગ્ય સ્થાન આપીને બહુમાન કર્યું છે.
સમયાન્તરે આ જ્ઞાન પ્રવાહ હસ્તપ્રતો અને ગ્રન્થોમાં આલેખિત થયો. આયુર્વેદના મહાન સંશોધક ઋષિઓ, મનીષિઓ અને કુશળ વૈદ્યરાજોએ અદ્યાપિ પર્યંત તે ભવ્ય અને અમૂલ્ય પરંપરાને જાળવી રાખીને માનવ સમાજની ખૂબજ મોટી સેવા કરી છે. માનવ સમાજની આવી ઉત્કૃષ્ટ સેવા બદલ કૃતજ્ઞતા વ્યકત કરી, આ ગ્રન્થો અને પરંપરાના વાહકોનું ઋણ સ્વીકાર કરવું એ આપણી નૈતિક ફરજ છે.
સામ્પ્રત સમયના આયુર્વેદના શ્રેષ્ઠ વિદ્વાન વૈદ્યો અને આયુર્વેદ શાખાના સ્નાતકો એક નેજા નીચે ભેગા થઇ,પરસ્પર સહકાર અને માર્ગદર્શન મેળવી શકે તેમજ આયુર્વેદ અંગે પ્રજામાં જાગૃતિ આવે, મનુષ્યની કેવી દિનચર્યા તેને તદુરસ્તી બક્ષે, ઔદ્યોગિક કરણની આડ પેદાશ જેવી તાણ, ઉદ્વેગ , નિરાશા અને બેચેની જેવી બિમારીથી કેમ દૂર રહેવાય તેમજ સમર્થ શિરોધારા સહિતના પંચકર્મની સારવાર અંગેની પ્રત્યક્ષ રીતે માહિતી મળે,આયુર્વેદની જુદી જુદી ઔષધિઓ તથા જડીબુટ્ટીઓના પ્રત્યક્ષ પરિચય થાય તેમજ આયુર્વેદિક ચિકિત્સામાં શ્રદ્ધા વધે તેવા શુભ હેતુથી આયુર્વેદિક આંતરરાષ્ટિ્ય અધિવેશન તેમજ આયુર્વેદ મહાઋણ યાત્રા ગુરુકુલને આંગણે, એક્ટીવ આયુર્વેદ ઓરગેનાઇઝેશન તથા ગુજરાત પ્રદેશ વૈદ્ય મંડળ દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ છારોડીના સહકારથી તા.૧૬ થી ૧૮ ડીસેમ્બર ૨૦૧૧ દરમ્યાન મોટી સંખ્યામાં આયુર્વેદના તજજ્ઞો -સ્નાતકોની ઉપસ્થિતિમાં આયોજિત થયું હતું.
એસજીવીપી ખાતે તા.૧૬ના રોજ સવારે આયુર્વેદિક આંતરરાષ્ટિ્રય અધિવેશનના પ્રારંભે દિપ પ્રાગટ્ય કરી ધનવન્તરી ભગવાનના પૂજન સાથે આયુર્વેદના મહાન ગ્રન્થો ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, અષ્ટાંગ સંગ્રહ, વાગ્ભટ્ટ સંહિતા, શારંગ્ધર સંહિતા, ભાવ પ્રકાશ, માધવ નિદાન અને આર્યભિષક ગ્રન્થોનું જે વિદ્વાન પંડિતો દ્વારા ષોડશોપચાર દ્વારા જે પૂજન કરવામાં આવ્યું હતું.
સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ અધિવેશનના પ્રારંભે જણાવ્યું હતું કે આયુર્વેદ વિજ્ઞાન જીવનના તમામ સ્તરોને સ્પર્શે છે.આયુર્વેદના આવિષ્કર્તા ધનવન્તરી ભગવાન સાગરમાંથી પ્રગટ્યા છે તેથી આ આયુર્વેદ વિજ્ઞાન સાગર જેવું વિશાળ છે.આયુર્વેદનું મૂળ અથર્વવેદ છે.
ચરક, સુશ્રુત જેવા મર્હિષઓ આપણને આ આયુર્વેદનો અમર વારસો આપેલ છે. ધન્વન્તરી ભગવાનનું પૂજન માત્ર ધૂપ દીપથી નહીં પણ આયુર્વેદના જ્ઞાનના પુષ્પોથી પૂજન થવું જોઇએ. આયુર્વેદ મનુષ્યને શારીરિક માનસિક રીતે નિરોગી તો રાખે છે પણ સાથે સાથે આધ્યાત્મિક ચેતનાના દ્વારો પણ ઉઘાડે છે.
આધુનિક મેડિકલ સાયન્સ માત્ર અર્થને અને કામને અનુસરે છે ત્યારે આયુર્વેદ ધર્મ અને મુક્તિને સાથે રાખીને ચાલે છે. આયુર્વેદનું પ્રાગટ્ય અર્થ ને કામ માટે નથી આયુર્વેદનું પ્રાગટ્ય માત્ર કરુણાથી થયેલું છે.
આધુનિક જગત આધુનિક દવાઓથી થાકી રહ્યું છે ત્યારે આ આયુર્વેદના સ્નાતકોએ આ અવસરને સુવર્ણ અવસર માનીને વિકાસ સાધવો જોઇએ. આની સામે આજ અનેક પડકારો છે. પરંતુ આમાંથી હિંમત હાર્યા વિના આયુર્વેદનો દિપ પ્રગટાવતા રહેવું જોઇએ. ચીનમાં એક્યુપ્રેચર જેવી પ્રાચીન પદ્ધતિઓને સરકારની સુરક્ષા અને પ્રાધ્યાન્ય આપવામાં આવે છે. એજ રીતે ભારતમાં પણ કેન્દ્ર અને રાજયની સરકારે આયુર્વેદને સંપૂર્ણ સુરક્ષા અને પ્રાધાન્ય આપવું જોઇએ.
બે દિવસના આયુર્વેદના આ સેમિનારમાં ઇટાલીથી વૈદ્ય ભગવાનદાસ, વૈદ્ય હિતેશભાઇ વગેરે નિષ્ણાંતોએ વાગ્ભટ્ટ સંહિતા, સુશ્રુત સંહિતા, ચરક સંહિતા, ભાવપ્રકાશ, માધવનિદાન, આર્ય ભિષેક, શારંગ્ધર સંહિતા પર વ્યાખ્યાન આપ્યું હતું.
આંતરરાષ્ટિ્રય ખ્યાતિ ધરાવતા ગ્વાલિયરના વૈદ્ય શ્રી વેણીમાધવ શાસ્ત્રીએ સભાને ચરક સંહિતા ગ્રન્થ ઉપર વિસ્તૃત માર્ગદર્શન સાથે દ્રશ્ય શ્રાવ્ય રજુઆત કરી આયુર્વેદના સ્નાતકોને મુગ્ધ કર્યા હતા. જર્મનીથી આવેલા શ્રી એસ.એન. ગુપ્તાજીએ પણ ચરક સંહિતા ઉપર પ્રકાશ પાડ્યો હતો. વૈદ્ય હર્ષવર્ધન જોબનપુત્રાએ તથા જાપાનથી આવેલા વૈદ્ય હરિશંકર શર્માએ સુશ્રુત ગ્રન્થ પ્લાસ્ટીક સર્જરી માટે પ્રખ્યાત છે તેની વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ પ્રસંગે ગુજરાત રાજયના આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણ વ્યાસે ખાસ હાજરી આપીને પ્રેરક પ્રવચન કર્યું હતું. અને પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી સાથે રહી આયુર્વેદ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા પ્રદાન આપનારા ભારત ભરના ૫૦ વૈદ્યાચાર્યોનું સન્માન -પૂજન કર્યું હતું.
આ સેમિનારમાં રાજવૈદ્ય શ્રી હિરુભાઇ પટેલ, વૈદ્ય તપનભાઇ, વૈદ્ય વિનય વોરા, વૈદ્ય અશ્વિનભાઇ બારોટ, વૈદ્ય નંદુરબારકર, વૈદ્ય એમ.એસ.બારોટ, વૈદ્ય યુ.ડી.રાવલ, વૈદ્ય કિશોરભાઇ ચુડાસમા, વૈદ્ય હિતેશ વ્યાસ,વૈદ્ય જસવંતસિંહ રાઠોડ, વૈદ્ય પ્રવિણભાઇ હિરપરા, વૈદ્ય સુષ્માબેન હિરપરા, વગેરે મોટી સંખ્યામાં આયુર્વેદાચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.
આયુર્વેદના સાત મહાન ગ્રન્થો પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરી તેમનું ઋણ સ્વીકાર કરવા માટે તથા વિદ્વાન વૈદ્યરાજોને સન્માન કરવાના પ્રયાસ રુપે ભારત ભરમાં સૌ પ્રથમ વાર આયુર્વેદ મહાઋણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આયુર્વેદના આ સાત મહાન ગ્રન્થોને જગન્નથ મંદિરના સાત ગજરાજોની સોનાની અંબાડીમાં પધરાવી, આયુર્વેદના પ્રણેતા અમૃતકુંભ ધારણ કરતા ધન્વંતરી ભગવાનને ૨૪ ફુટ ઉંચા રથમાં બિરાજીત કરી, સાથે સાથે પચાસ આયુર્વેદાચાર્યોને ૨૫ ધનવંતરી રથમાં બેસારી, તા.૧૮ ડીસેમ્બર રવિવારના રોજ બપોરના અમદાવાદ વલ્લભસદન પાસેના રિવરફ્રન્ટથી શરુ કરી મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુધી ભવ્ય નગરયાત્રા યોજવામાં આવી હતી.
આ નગરયાત્રાને દેશ વિદેશથી પધારેલા મહાનુભાવોની ઉપસ્થિતિમાં, શા.માધવપ્રિયદાસજી સ્વામીએ, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી,મેયર શ્રી આસિત વોરા તથા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, હિતરુચી વિજયજી મહારાજ સાહેબ, શ્રી દિલોપદાસજી મહારાજ, શ્રી અનંતાનંદજી તીર્થ, શ્રી મંગલાનંદજી મહારાજ વગેરે મહાનુભાવોની હાજરીમાં આયુર્વેદની આ મહાઋણ નગરયાત્રાને પ્રસ્થાન કરાવી હતી.
નગરયાત્રામાં પ્રથમ મેમનગર ગુરુકુલનું બેન્ડ, મણિયારો રાસ,૨૪ ફુટ ઉંચા ધનવન્તરી રથમાં સમદ્ર મંથનને અંતે મળેલા અમૃતકુંભને ધારણ કરી રહેલા ધનવન્તરી ભગવાનની ર્મૂિત, આયુર્વેદના મંત્રોનું ઉચ્ચારણ કરતા ઋષિકુમારો, બગીઓમાં બિરાજીત ૫૦ આયુર્વેદાચાર્યો, આયુર્વેદની પ્રેક્ટીશ કરતા ૧૫ ઘોડેસ્વાર સ્નાતકો જોડાયા હતા.
સાથે સાથે અમદાવાદની અખંડાનંદ આયુર્વેદિક કોલેજ,જામનગરની ગુલાબકુંવરબા કોલેજ, વડોદરાની આયુર્વેદિક કોલેજ, વલ્લભ વિદ્યાનગરની આયુર્વેદિક મહાવિદ્યાલય, નડિયાદની જે.એસ.આયુર્વેદ કોલેજ, ભાવનગર સરકારી આયુર્વેદિક કોલેજ, સુરતની ઓ.એસ.આયુર્વેદિક કોલેજ, લોદરાની બાલાહનુમાન આયુર્વેદિક કોલેજ, જુનાગઢની સરકારી આયુર્વેદિક કોલેજ વગેરે આયુર્વેદિક કોલેજના તમામ વિદ્યાર્થીઓ પોત પોતાના આગવા યુનિફોર્મ અને બેનર સાથે જોડાયા હતા.
આ સાથે એક્ટીવ આયુર્વેદિક ઓરગેનાઇઝેશન (આઓ), ગુજરાત પ્રદેશ વૈદ્ય મંડળ, આયુર્વેદ ફોર હેલ્થ, અખિલ ભારતીય વનૌષધિ અભ્યાસ મંડળ, નાગરાદિ ચિકિત્સા સમૂહ, આયુર્વેદ મેડિકલ ઓફિસર્સ એસોસિયેશન, ગુજરાત આયુર્વેદ રિચર્સ એન્ડ ડેવેલપમેન્ટ સેન્ટર, ગવર્મેન્ટ આયુર્વેદ ટીચર્સ એસોસિએશન, આયુર્વેદિક ડ્રગ મેન્યુફેકચરિંગ એસોસિએશન – મુંબઇ વગેરેના પ્રતિનિધિઓ પણ આ નગરયાત્રામાં જોડાયા હતા. આ નગર યાત્રામાં જુદી જુદી ઔષધિઓ,ગૌમુત્રમાંથી બનતી વિવિધ દવાઓ,વગેરેના માહિતી આપતા ફલોટો મૂકવામાં આવ્યા હતા.
આયુર્વેદની મહા-નગરયાત્રા બાદ સાંજે વાતાવરણ શુદ્ધિ માટે આયુર્વેદિક યજ્ઞ મેમનગર, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં રાખવામા આવ્યો હતો. આ યજ્ઞમાં ૧૧૧ કિલોની જુદી જુદી ઔષધિઓ, ઘી, જવ, તલ, એલચી, તજ, જટામાસી, તગર, સુગંધી વાળો ,ચંદન, ગુગળ, કપૂર તેમજ અન્ય જડીબુટ્ટીઓની આહુતિઓ આપવામા આવી હતી.
આ યજ્ઞ ચિકનગુનિયા, ઓરી, અછબડા, વાયરલ ફિવર, શરદી ઉધરસ,જેવી બિમારીઓનો પ્રતિકાર કરવાની ક્ષમતા વધારે છે. યજ્ઞમાં થતા મંત્રોચ્ચારના આંદોલનોના પ્રભાવથી મનની નિર્બળતા,ઉદ્વેગ-ચિંતા,હતાશા દૂૂર થાયછે અને મનને શાંતિ મળે છે.
આ સંપૂર્ણ કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ છારોડી એસજીવીપી, જગન્નાથ મંદિર, દિવ્ય જયોત આયુર્વેદ રિચર્સ ફાઉન્ડેશન અને ગીતા મંદિર સંસ્થાનના સહયોગથી યોજવામાં આવેલ છે.
આ સંપૂર્ણ આયોજનના પ્રણેતા શ્રી વૈદ્ય તપનભાઇ (એક્ટીવ આયુર્વેદિક ઓરગેનાઇઝેશન) રહ્યા હતા. સાથમાં પ્રવિણભાઇ હિરપરા વગેરે વૈદ્યરાજો રહ્યા હતા.
Picture Gallery