ભારતીય સંસ્કૃતિની સ્વસ્થ સામાજિક પરંપરાનું અભિન્ન અંગ એટલે સોળ સંસ્કાર. તેમાંથી વિદ્યાભ્યાસ પછી ના સમાવર્તન સંસ્કાર નું આગવું મહત્ત્વ છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠા માં અંગ્રેજી માધ્યમના ધો.૧૦ તેમજ ધો.૧૨ના વિદ્યાર્થીઓનો ગુરુકુળમાં અભ્યાસ પુરો થતાં, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં સમાવર્તન સંસ્કાર યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ તેમજ તેમનાં વાલીઓની ઉપસ્થિતિમાં ઋષિકુમારો દ્વારા માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવની ભાવનાને પ્રગટ કરતા વેદના મંત્રોના ગાનથી કાર્યક્મની શરુઆત કરવામાં આવી હતી
.મંત્રગાન બાદ સર્વ પ્રથમ ધો.૧૨ અને ધો.૧૦ વિદ્યાર્થીઓએ સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા અન્ય સંતોનું પૂજન કર્યાં બાદ પોતાના માતા પિતાને કુમકુમના ચાંદલા સાથે ચંદનની અર્ચા કરી પૂજન કર્યું હતું.પૂજન બાદ ૮થી ૧૦ વર્ષ સુધી ગુરુકુલમાં રહી અભ્યાસ સાથે સંસ્કાર મેળવેલ છે એવા વિદ્યાર્થીઓ પૈકી શુભમ્ પટેલ, ર્હાદિક ગઢિયા, જયદીપ વસોયા, વિશાલ હિરાણી, વિનય અજમેરા, રાજા પટેલ, નલિન સોજીત્રા, કિસન પટેલ વગેરેએ ગુરુકુલમાં વસવાટ દરમ્યાન પોતાના પ્રસંગો, માતા પિતાની ગરજ સારે એવા સંતોએ જે સંસ્કાર આપ્યા છે તેમજ શિક્ષકોએ જે પોતાને શિક્ષણ આપેલ છે તેની વિગતવાર વાત કરી, પોતે જીવનમાં ક્યારેય પણ આ માતૃસંસ્થા ગુરુકુલને ભૂલશે નહીં અને કહ્યું હતું કે ખરેખર અમારા માતાપિતાએ અમોને અહીં ગુરુકુલમાં સંસ્કાર સાથે વિદ્યાભ્યાસ માટે મોકલ્યા તે અમારા માતાપિતાનો પણ અમો આભાર માનીએ છીએ.આ પ્રસંગે ગુજરાત રાજયના પ્રધાન શ્રી વાસણભાઇ આહિરે વિદ્યાર્થીઓમાં ગુરુકુલ પ્રત્યે, ગુજરાત રાજય પ્રત્યે અને ભારત પ્રત્યે વધારે ને વધારે લાગણી રહે તે વાત કરતા કહ્યું હતું કે આવા ગુરુકુલમાં તમોને ભણવાનો અને રહેવાનો લાભ મળ્યો તે તમે ભાગ્યશાળી છો. ગુરુકુલે આપેલા આપણા ભારતીય સંસ્કારોને કદિપણ ભૂલશો નહી. સંપત્તિ હોય તો સંસ્કાર આવે એવું નથી પણ સંસ્કાર હશે તો સંપત્તિ જરુર આવશે. જેણે પોતાના ગણી જે શિક્ષણ અને સંસ્કાર આપ્યા છે તેવા ગુરુઓને કદિપણ ભૂલશો નહીં. આ પ્રસંગે ગુરુકુલના વિદ્યાર્થીઓના માતૃતુલ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આપ સર્વે અહીં વિદ્યાભ્યાસ પૂર્ણ કરી બહાર ક્ષેત્રમાં વધુ અભ્યાસ માટે જઇ રહ્યા છો ત્યારે માતા પિતાની આજ્ઞામાં રહીને ન્યાય, નીતિ અને સદાચારને માર્ગે આગળ વધજો. જીવનમાં માતા પિતા, માતૃભાષા, માતૃસંસ્થા અને માતૃભૂમિ ભારત સાથે ભગવાનને કદિ ભૂલશો નહીં. ભગવાનમાં નિષ્ઠા રાખવાથી જીવનમાં કોઇ મુશ્કેલી નડતી નથી. સંપત્તિ મળવી એ પ્રારબ્ધ છે પણ સંપત્તિ મળ્યા પછી શાણપણ ને સમજણ આવવી એ સંતોની કૃપાનું ફળ છે. સંપત્તિ સાથે સંસ્કાર હશે તો લક્ષ્મી સદ્રસ્તે વપરાશે. દેવ ઋણ, પિતૃ ઋણ અને ગુરુ ઋણ ભૂલશો નહીં. ગુરુકુલમાં વરસો સુધી રહી તમે અભ્યાસ સાથે સંસ્કાર મેળવ્યા છે તે કદી ભૂલશો નહીં. ભગવાન તમારી જીવન યાત્રા સુખમય પસાર કરે તેવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના છે.આ પ્રસંગે રવિભાઇ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક વાતો કરી હતી.આ પ્રસંગે હોસ્ટેલનું સંચાલન કરતા શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી તથા મુખ્ય વ્યવસ્થાપક શ્રી જાલમસિંહે પ્રાસંગિક પ્રવચન કરી વિદ્યાર્થીઓને શીખ આપી હતી. વિદ્યાર્થીઓના વાલીઓએ પણ ગુરુકુલ દ્વારા અપાતા સંસ્કાર સભર શિક્ષણથી વિદ્યાર્થીઓના જીવનમાં નૈતિક મુલ્યોના સિંચનથી ખુબજ સંતોષ વ્યક્ત કરતો હતો. અંતમાં દરેક વિદ્યાર્થીને ગુરુકુલ તરફથી મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો હતો.અંતમાં દરેક વિદ્યાર્થીને ગુરુકુલ તરફથી મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો હતો.
Picture Gallery