ભગવાન શ્રી સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં માતા, પિતા અને કોઇ રોગીની આજીવન સેવા કરવાની આજ્ઞા પ્રમાણે, સદ્ગુરુવાર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની આગેવાની નીચે, પુજ્યપાદ શ્રી જોગી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે તૈયાર થઇ રહેલ હોલિસ્ટિક હોસ્પિટલમાં, અનાદિ મુક્તરાજ પૂજ્ય નારાયણ મામા સર્વજીવહિતાવહ સ્પિરિચ્યુઅલ સેન્ટરનું સ્વામી માધવપ્રિયદાસજી, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સ્પિરિચ્યુઅલ સેન્ટરના સ્પોન્સર ડો. શ્રી વિનોદભાઇ શેખે દિપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કર્યુ હતું.
આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે સૌથી પ્રાચીન અને સૌથી અર્વાચીન અદ્યતન સુવિધાઓ સાથે યોગ – આયુર્વેદ અને એલોપેથીનો પવિત્ર સમન્વય એટલે વિશ્વની સૌ પ્રથમ એવી જોગી સ્વામી એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ કે જ્યાં પ્રાચીન અને અર્વાચીન મેડિકલ ધારાનો સમન્વય થયો છે.
આ હોલિસ્ટિક સેન્ટરને હું પરમાત્માનું મંદિર માનું છું. ભગવાનની કૃપાથી અને પૂજ્ય નારાયણમામાના આશીર્વાદથી આ યોગ – આયુર્વેદ અને એલોપેથીનો ત્રિવેણી સંગમનો પ્રયોગ ખરેખર વિશ્વમાં પ્રથમ હોય તેમ જણાય છે. ડોક્ટરો અને કર્મચારીગણ પણ આ પવિત્ર મંદિરના સેવકો છે. સેવકોમાં પવિત્રતા હોવી જોઇએ.
પૂજ્ય નારાયણમામા સર્વજીવહિતાવહ સ્પિરિચ્યુઅલ સેન્ટર, આ હોલિસ્ટિર હોસ્પિટલનું હૃદય છે. અહીં સારવાર માટે આવતા દરેક દરદીઓ માટે તેમજ હોસ્પિટલમાં સેવા આપતા સેવકો માટે આ શાંતિનું કેન્દ્ર બનશે. જેની સુગંધ ચારે તરફ ફેલાશે.
આ સેન્ટરના નિર્માણમાં અમેરિકાના સુપ્રસિદ્ધ ડો. શ્રી વિનોદભાઇ (યુનુસભાઇ) શેખ અને ડૉ. નિર્મળાબેન પર્દાનાણી તથા ડૉ. ભગવતીબેન પર્દાનાણી (યુએસએ) એ મુખ્ય સ્પોન્સર તરીકે સેવા કરેલી છે. ડો. વિનોદભાઇ શેખ અ.મુ. પૂજ્ય નારાયણ મામાના અતિ કૃપાપાત્ર છે. એમણે ઘણાં વર્ષ સંશોધન કરીને સ્પિરીચ્યુઅલ હિલીંગ પધ્ધતિ વિકસાવી છે. આનાથી સંપૂર્ણ આરોગ્યની પ્રાપ્તિ થાય છે.