SGVP ગુરુકુલમાં ઉજવાયો શ્રી રામ-શ્યામ-ઘનશ્યામ મહારાજનો ૨૦મો પાટોત્સવ
શિક્ષાપત્રી કથામૃત, જળયાત્રા, અભિષેક, અન્નકૂટ, શિક્ષાપત્રી શોભાયાત્રા-પૂજન, યજ્ઞોપવીત સંસ્કાર
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ SGVP ખાતે પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ સાથે, પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીના સાંનિધ્યમાં, એસજીવીપી ખાતે, મહા સુદ ૫, વસંત પંચમી, તા. ૦૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ શ્રી રામ-શ્યામ-ઘનશ્યામ મહારાજનો ૨૦ મો પાટોત્સવ ભવ્યતા સાથે ઉજવાયો હતો.
તા. ૩૧ જાન્યુઆરી, ૦૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ બે દિવસ રાત્રે ૦૮:૩૦ થી ૧૦:૦૦ પૂજ્ય સ્વામીજીએ ‘શિક્ષાપત્રી કથામૃત’ અંતર્ગત કથા વાર્તાનો લાભ આપ્યો હતો.
તા. ૦૧ ફેબ્રુઆરીના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા પ્રસાદીભૂત, ઐતિહાસિક અડાલજની વાવ, નર્મદાના નીર તથા વિવિધ તીર્થજળથી પૂર્ણ ૧૫૧ કળશોનું બહેનો દ્વારા પૂજન કરી ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વસંત પંચમીના મંગલ પ્રભાતે શ્રી રામ શ્યામ ઘનશ્યામ મહારાજને પંચામૃત, તીર્થ જળ, કેસર જળ અને વિવિધ ઔષધિઓના જળથી અભિષેક કરવામા આવ્યો હતો. ત્યારબાદ ઠાકોરજીને ૧૦૮ વાનગીઓનો અન્નકૂટ ધરાવી આરતિ ઉતારવામાં આવી હતી.
આ પ્રસંગે વેદનો અભ્યાસ કરવા આવેલ બટુઓનો સમૂહ યજ્ઞોપવીત સંસ્કાર પણ કરવામાં આવ્યો હતો. પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ સાથે બટુઓએ વેદ અભ્યાસ શરૂ કર્યો હતો.
ભગવાન શ્રી સ્વામિનારાય દ્વારા લખાયેલ સંપ્રદાયની આચાર સંહિતા ગ્રંથ શિક્ષાપત્રીની વસંતપંચમીના રોજ ૧૯૯મી જયંતીના શુભ પર્વે, વિદ્યાર્થીઓ અને સંતો હરિભક્તો દ્વારા સમૂહમાં પાઠ, પૂજન અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ શાકોત્સવનું પણ આયોજન થયું હતું.
પૂજ્ય સ્વામીએ પોતાન ઉદ્બોધનમાં વસંત પંચમી અને શ્રીજીની આજ્ઞા સ્વરૂપ શિક્ષાપત્રીનું મહાત્મ્ય સમજાવ્યું હતું.
પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી ૧૦૦૦ કિલો ઉપરાંત સમગ્ર અન્નકૂટનો પ્રસાદ દિવ્યાંગ શાળાઓ, ગરીબો અને મજૂર વર્ગમાં વિતરણ કરવામાં આવ્યો હતો.