કન્યા છાત્રાલયનો શિલાન્યાસ, દ્રોણેશ્વર
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે પરમ પૂજય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના શુભ સંકલ્પથી ૫૦૦ દીકરીઓ માટે આધુનિક સુવિધાઓ સાથેના નિ:શુલ્ક કન્યા છાત્રાલયનો તા. ૧૭ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
અંદાજિત ૨૦ કરોડના ખર્ચે દિકારીઓ માટે શ્રેષ્ઠ આવાસ, રમત ગમત માટે આધુનિક સુવિધાઓ સાથેના છાત્રાલય ભવન તૈયાર થશે.
આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ જણાવ્યુ હતું કે, આપણાં શસ્ત્રો કહે છે કે दशपुत्रशमा कन्या અર્થાત્ એક દીકરી દશ દીકરા સમકક્ષ છે. સંસ્કારી દીકરી બે પરિવારનો ઉદ્ધાર કરે છે. અહી ગુરુકુલમાં સંસ્કારયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરી દીકરીઓ આદર્શ રાષ્ટ્રનાં નિર્માણમાં જોડાશે.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે છાત્રાલયના ખાતમુહૂર્ત અવસરે જણાવ્યું હતું કે, દરેક સમસ્યાનું સમાધાન જ્ઞાન છે. જીવન વ્યવહારના તમામ પ્રશ્નોનો ઉકેલ શિક્ષણ દ્વારા આવી શકે છે, ત્યારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, એસજીવીપી દ્રોણેશ્વર દ્વારા ગીર ગઢડાના અંતરિયાળ વિસ્તારમાં દીકરીઓ માટેનું છાત્રાલય બનાવવા માટેનું કદમ નવા અધ્યાયની શરૂઆત સમાન છે. આ ગુરુકુળ દ્વારા આ છેવાડાના વિસ્તારમાં ૫૧ ગામના એક હજાર દીકરાઓને મૂલ્ય નિષ્ઠ શિક્ષણ આપવામાં આવે છે. તે સાથે હવે ગુરુકુલ પરંપરાને આગળ ધપાવતા દીકરીઓને પણ ઉત્તમ પ્રકારનું શિક્ષણ છાત્રાવાસ સાથે અહીં ઉપલબ્ધ થવાનું છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. અત્યારે સમાજમાં ભણતર સાથે ચારિત્ર્ય ઘડતરની પણ એક પ્રકારની ચિંતા હોય છે, પરંતુ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ગુરુકુલની વ્યવસ્થા દ્વારા એક એવી અદભુત વિરાસતનું નિર્માણ કર્યું છે કે, અહીં અભ્યાસ માટે આવનારાના અભ્યાસની સાથે ઉત્તમ ચરિત્રનું નિર્માણ થાય છે. તેથી વાલીઓ પણ નિશ્ચિંત બની જાય છે. હું ૧૯૯૫ માં મેમનગર નગરપાલિકાનું ઇલેકશન લડ્યો ત્યારથી જ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ મારા પર રહ્યા છે. સમાજ તથા રાષ્ટ્રના કલ્યાણ માટેની એમની ભાવનાઓ પ્રસંસનીય છે.
સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાએ જણાવ્યું હતું કે, એસજીવીપીના આ વિસ્તારમાં આગમનને કારણે આ વિસ્તારની દશા અને દિશા બન્ને બદલાઈ ગઈ છે. સંસ્કારયુક્ત શિક્ષણ એ આજના સમયની જરૂરિયાત છે, જે ગુરુકુલ પરંપરામાં આદર્શ રીતે અહીં પ્રાપ્ત થઈ રહ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ સંતોના હસ્તે અદ્યતન નૂતન કન્યા છાત્રાલયના નિર્માણમાં યોગદાન આપનાર દાતાશ્રીઓ શ્રી આર.ડી. વરસાણી, શ્રી જસમતભાઈ સોરઠિયા, શ્રી સતીશભાઈ ગદોયા, શ્રી રાજુભાઈ શાહ, શ્રી વિશ્રામભાઈ વરસાણી સિસલ્સ, શ્રી ભીમજીભાઈ વરસાણી, શ્રી આર.એસ. પટેલ વગેરે અને સમાજશ્રેષ્ઠીઓનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ દ્રોણેશ્વર ખાતે એસજીવીપીના પ્રાર્થનાભવનમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનાં દર્શન કર્યા હતાં. તેમજ ગુરુકુળની દીકરીઓએ ઉત્સાહસભર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ગૃપ ફોટો પડાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રૂ. ૨૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ચાર માળનાં આ અદ્યતન નૂતન કન્યા છાત્રાલય ભવનમાં ૫૦૦ વિધાર્થીનીઓ રહી શકે એવાં અત્યાધુનિક છાત્રાલયનું નિર્માણ કરવામાં આવશે. આ રમણીય કેમ્પસમાં દિકરીઓ માટે નિઃશુલ્ક સર્વશ્રેષ્ઠ અભ્યાસ સાથે સંસ્કારમય વાતાવરણ પ્રાપ્ત થવાનું છે
એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની દીર્ઘદ્રષ્ટિના ફળ સ્વરૂપે ઉત્તમ સંકુલ નિર્માણ થશે. આ પરિસરમાં પ્રાર્થના હોલ, કિચન, એડમિન ઓફિસ, વિધાર્થીનીઓના રૂમ, ડાઈનિંગ હોલ, વાંચનાલય, મેડિકલ રૂમ, તથા ભરતકલા, નૃત્ય એકેડમી, આઇ.ટી ગ્રાફિક્સ, બ્યૂટી પાર્લર, નૃત્ય એકેડમી જૂવેલરી ડિઝાઈન અને મ્યૂઝિક એકેડમી સહિતના વિવિધ કલાકેન્દ્રોના માધ્યમથી વિધાર્થીનીઓની આંતરિક શક્તિઓને ખીલવા માટે મોકળું મેદાન મળશે.
નૂતન કન્યા છાત્રાલયમાં સમગ્રતયા અભ્યાસની સાથે સાથે ટેબલ ટેનિસ, લૉન ટેનિસ, બેડમિન્ટન જેવી વિવિધ ઇન્ડોર-આઉટ ડોર ઈત્તર પ્રવૃત્તિઓ થકી પ્રકૃતિની નજીક રહી અને નિર્મળ વાતાવરણમાં વિદ્યાર્થીઓના માનસને હકારાત્મક ઉર્જા થકી ઉત્તમ અભ્યાસની સુવિધા પૂરી પાડવામાં આવશે.
આ પ્રસંગે પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી વગેરે સંતો સાથે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજુલાબેન મૂછાર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પિઠીયા, કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સહિતના મહાનુભાવો, દાતાશ્રીઓ અને આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.