એસજીવીપી સુર્યા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ લોકાર્પણ, રીબડા-રાજકોટ
એસજીવીપી રીબડા-રાજકોટ ખાતે ઇન્ટરનેશનલ કક્ષાના નુતન સ્પોર્ટસ કોમ્પલેક્ષનું નિર્માણ થયું અને ૦૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ પરમ પૂજ્ય ગુરુવર્ય સ્વામીશ્રી માધવપ્રિયદાસજી, કર્ણાટકના ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના પ્રાયોજક શ્રી વિશ્રામભાઈ વરસાણી (સિશેલ્સ-આફ્રિકા)ની ઉપસ્થિતિમાં તેનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગુરુકુલ રીબડા-રાજકોટના સંચાલક શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શનમાં તૈયાર થયેલ ઇન્ટરનેશનલ કક્ષાના ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટસ કોમ્પલેક્ષની તકતીનું અનાવરણ કરી, વિદ્યાર્થીઓએ વોલીબોલ, બાસ્કેટબોલ, સ્વીમીંગ જેવી રમતોનું પ્રદર્શન કર્યું હતું.
સાથે જ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ખુલ્લા મુકાયેલા અત્યાધુનિક સાધનસજ્જ જીમની મુલાકાત લઈ સૌ પ્રભાવિત થયા હતા.
લોકાર્પણ સમારોહમાં અતિથિ વિશેષ શ્રી વજુભાઈ વાળા સાહેબે (કર્ણાટકના ભૂતપૂર્વ રાજ્યપાલશ્રી)નું પોતાના વક્તવ્યમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં દેશના ભવિષ્ય એવા યુવાનોને સર્વ રીતે તૈયાર કરવામાં આવે છે એ બાબતે સરાહના કરતા સંતોષ વ્યક્ત કર્યો હતો.
મુખ્ય પ્રયોજક શ્રી વિશ્રામભાઈ વરસાણીનું બહુમાન કરતાં પૂજ્ય સ્વામીજીએ શ્રી વિશ્રામભાઈના સ્વર્ગસ્થપુત્ર સૂર્યકાન્તભાઈને યાદ કરીને ‘સુર્યા ઇઝ અવર હીરો’નું સુત્ર આપી વિધાર્થીઓને પ્રેરણા લેવા ભલામણ કરી હતી. રીબડાના વતની અને હાલમાં સફળ ક્રિકેટ કોચ શ્રી જાડેજાસાહેબનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રયોજક પરિવારના ઉપસ્થિત સદસ્યોને પણ સન્માનિત કરાયા હતા જેમાં ખાસ દાતાશ્રીના પુત્રી, પૌત્રી વગેરેનું બહુમાન કરી, એસજીવીપી પરિવાર દ્વારા માતૃશક્તિનું બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુરુકુલના વિદ્યાર્થીઓ દ્વારા સ્પોર્ટ્સ સોંગ અને દંગલ જેવી સાહસિક કૃતિઓની રજુઆત નિહાળી ઉપસ્થિત સૌ મહાનુભાવો પ્રભાવિત થયા હતા.