પંચાબ્દી પર્વ – SGVP ગુરુકુલ રીબડા-રાજકોટ
SGVP ગુરુકુલ રીબડા – રાજકોટ ખાતે શ્રી ઘનશ્યામ મહારાજના પાંચમા વાર્ષિક પાટોત્સવ અને પંચમ ભક્તિસત્ર અંતર્ગત તા. ૧૦ થી ૧૨ ડિસેમ્બર, ૨૦૨૪ દરમ્યાન પંચાબ્દી પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. દરરોજ સાંજે ગુરુવર્ય પૂજ્ય સ્વામીના મુખે સત્સંગી જીવન ગ્રંથ અંતર્ગત સદ્ગુરુ સંતોના જીવન ચરિત્રોની કથા શ્રવણ કરવામાં આવી. પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી તથા યુવાન સંતોએ પણ પ્રાસંગિક કથાવાર્તા શ્રવણ કરાવી હતી.
તા. ૧૦ ડિસેમ્બરના રોજ સાંજે પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના વરદ હસ્તે તથા સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, ટ્રસ્ટીશ્રીઓ અને હરિભક્તોની ઉપસ્થિતિમાં, સદ્ગુરુ સંતોની પ્રસાદીભૂત એવી પુરાતની ‘શ્રી જોગીસ્વામી વાવ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અખંડ ભગવત પરાયણ શ્રી જોગીસ્વામી તથા સદ્ગુરુ સંતોની પ્રસાદીભૂત આ વાવનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. લોકાર્પણ પ્રસંગે આ વાવમાં ભારતના વિવિધ તીર્થ જળ તથા જોગી સ્વામીએ જેમને જેમને કુવા અને બોરમાં પાણી આપ્યા છે એ બધા જ જળ એ વાવમાં પધરાવવામાં આવ્યા હતા.
આ મંગળ પ્રસંગે, ગુરુકુલના ટ્રસ્ટી શ્રી નવીનભાઈ દવેએ તેમને પરંપરામાં પ્રાપ્ત થયેલ અમૂલ્ય પ્રાસાદિક વસ્તુઓ – ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા અક્ષરમુક્ત સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના અસ્થિ તથા પ્રસાદીની માળા, કાષ્ટ વગેરે વસ્તુઓ સંસ્થાને અર્પણ કર્યા હતા.
પૂજ્ય શ્રી જોગીસ્વામીજીના કૃપાપાત્ર હરિભક્તોનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું.
પૂજ્ય સ્વામીજીના વ્યાસાસને કથા વાર્તા બાદ સાંજે પાટોત્સવ નિમિત્તે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા. ૧૧ ડિસેમ્બર, માગશર સુદ એકાદશી અને ગીતા જયંતિના પવિત્ર દિવસે વહેલી સવારે પંચામૃત, વિવિધ તીર્થ, ઔષધિ જળ, ફળોના રસ, કેસરજળ, અને ચંદનથી શ્રી ઘનશ્યામ મહારાજનો અભિષેક કરી છપ્પન ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી અન્નકૂટનો તમામ પ્રસાદ બાળકો, વિદ્યાર્થીઓએ, તથા મજૂર અને કારીગર વર્ગમાં વહેંચવામાં આવ્યો હતો.
ગીતા જયંતિ શુભ અવસરે શ્રી ગીતાયાગ કરવામાં આવ્યો હતો.
સાંજે પૂજ્ય સ્વામીજીના વ્યાસાસને કથા વાર્તા બાદ ગુરુકુલના ૧,૦૦૦ વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલનો ૭મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં વિશાળ એલઇડી અને વિશાળ સ્ટેજ ઉપર ‘યે નયા ભારત હે’ થીમ ઉપર સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો હતો.
તા. ૧૨ ડિસેમ્બર, સવારે ગુરુકુલમાં પ્રથમવાર સુરભી યજ્ઞ કરવામાં આવ્યો હતો. યજ્ઞ અંતે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને અક્ષર મુક્ત સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની પ્રસાદી ભૂત ગાયોના પરંપરાગત ગૌવંશનું પૂજન કરવામાં આવ્યું હતું.
માખાવડ ગામે મહિલા મંદિરમાં બહેનોના ઉતારા માટેના મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
પૂજ્ય સ્વામીજી અને સંતોએ SGVP પ્રેમપ્રકાશ સંસ્કાર કેન્દ્ર, વાવડી ખાતે ઠાકોરજીની પધરામણી કરી કથા વાર્તાનો લાભ આપ્યો હતો.
સામાજિક સેવા અંતર્ગત રક્તદાન કેમ્પ, ઉપરાંત આંખ અને દાંતના રોગો માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાંજે કથાવાર્તા બાદ SGVP રીબડા ગુરુકુલનો પ્રખ્યાત શાકોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં ચારેક હજાર ભક્તોએ પ્રસાદ લીધો હતો.