Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

17th Rath Yatra, SGVP, Memnagar 2024

રથયાત્રા ૨૦૨૪

જગન્નાથપુરીની રથયાત્રા વિશ્વ પ્રસિદ્ધ છે, તેમજ અમદાવાદ ખાતે જગન્નાથ મંદિર દ્વારા અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વર્ષોથી ભવ્ય રથયાત્રાનું આયોજન થાય છે.

પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની શુભ પ્રેરણા અને પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ, મેમનગર દ્વારા, અનેક ધાર્મિક, સામાજિક સંસ્થાઓના સાથ સહકાર સાથે તા. ૦૭ જુલાઈ, ૨૦૨૪ અષાઢ સુદ બીજ, રવિવારના રોજ ૧૭મી રથયાત્રાનું આયોજન થયું હતું.

૩૦ જૂન ૨૦૨૪ ના રોજ જળયાત્રા સાથે સદ્ગુરુ સંતો દ્વારા શ્રી જગન્નાથ ભગવાનનો જ્યેષ્ઠાભિષેક કરવામાં આવ્યો હતો.

રથયાત્રા, તા. ૦૭ જુલાઈ ૨૦૨૪ ના રોજ અર્વાચીન સમયમાં પ્રાચીન ગુરુકુલ પરંપરાના સ્થાપક અને પ્રવર્તક, સદ્વિદ્યા-સદ્ધર્મ-રક્ષક સદ્ગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૧૨૩મી જન્મજયંતિ નિમિત્તે સવારે ૦૬:૩૦ થી ૦૮:૦૦ ધૂન કરવામાં આવી હતી.

બપોરે ૧૨:૩૦ કલાકે ૧૫૧ બહેનો દ્વારા ભગવાન શ્રી જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રા બહેનનું પૂજન કરી રાખડી બાંધવામાં આવી હતી.

બપોરે ૦૨:૦૦ કલાકે સંતોએ ભગવાન શ્રી જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજીને રથમાં પધરાવી પૂજન-આરતી કરી, પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પહિન્દ વિધિ કરી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.

નગરજનોને દર્શન અને પૂજનનો લાભ આપવા નગરયાત્રાએ પધારેલ ભગવાનના રથને ભાવિક ભક્તજનોએ ભક્તિભાવથી નગરવિચરણ કરાવ્યું હતું.

સંતોના રથ ઉપરાંત આગામી વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ રથ, ગૌરક્ષા, પ્રાકૃતિક ખેતી, પર્યાવરણ સંવર્ધન માટે છોડ વિતરણ, ૧૦૦૦ કિલો મગ, ૧૦૦૦ કિલો જાંબુ અને ચોકલેટના પ્રસાદ સાથેના પ્રસાદરથ, વગેરે અનેકવિધ ધાર્મિક, સામાજિક જાગૃતિની પ્રેરણા આપતા ૧૨ રથ સાથે આ ભવ્ય રથયાત્રાનું નગરજનો અને સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર પૂજન અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આવી જાહેર નગરયાત્રા પછી રસ્તાઓ કચરાથી ભરાઈ જતાં હોય છે, પરંતુ સ્વચ્છતાના આગ્રહી પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી ગુરુકુલના સ્વયંસેવકો દ્વારા રસ્તા પરનો તમામ કચરો સાફ કરી તેનો યોગ્ય નિકાલ કરી, યાત્રાના માર્ગને સ્વચ્છ કરી દેવામાં આવ્યો હતો.

અંતમાં નગરયાત્રા, ગુરુકુલના પ્રાંગણમાં વિશાળ સભામાં ફેરવાઇ ગઈ હતી. અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજીનું પૂજન કરી આરતી ઉતારવામાં આવી હતી.

વિદેશમાં વિચરણ કરતાં પૂજ્ય સ્વામીજીએ જીવનમાં રથયાત્રાનું મહત્ત્વ બતાવી, ગુરુકુલ પરંપરામાં આ દિવસની વિશેષતા સમજાવી હતી.

સભામાં, પૂજ્ય ગુરુદેવ શ્રી શાસ્ત્રીજી મહારાજની ૧૨૩મી જન્મજયંતિ પ્રસંગે તેમના ગુણાનુવાદ સાથે પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ આવી ભવ્ય રથયાત્રાના સફળ આયોજન માટે તમામ સહયોગી સંસ્થાઓ અને ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.

એસજીવીપી ગુરુકુલના શાખા ગુરુકુલો અને કેન્દ્રોમાં પણ ભક્તિપૂર્ણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો ભક્તોએ દર્શન-પૂજન અને પ્રસાદનો લાભ લીધો હતો.

Achieved

Category

Tags