ઈંગ્લેન્ડના વડાપ્રધાન ઋષિ સૌનક શ્રી ક.સ.સ્વામિનારાયણ મંદિર – કેન્ટનના દર્શને
સ્વામી માધવપ્રિયદાસજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા
ઈંગ્લેન્ડના પ્રાઈમ મિનિસ્ટર ઋષિ સૌનક શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર – કેન્ટનના દર્શને ખાસ પધાર્યા હતા. હેરો વિસ્તારના લોકપ્રિય એમ.પી. આદરણીય બોબ બ્લેકમેન તથા હેરોના કાઉન્સેલર કાન્તિભાઈ ધનજી રાબડીયા, કાઉન્સેલર નિતેશ હિરાણી વગેરે અનેક ગણમાન્ય કાઉન્સેલરો તથા અધિકારીઓ પણ એમની સાથે હતા.
મંદિરના અગ્રણી તેમજ ભૂતપુર્વ પ્રમુખશ્રી વિશ્રામભાઈ વાગજીભાઈ, વર્તમાન પ્રમુખશ્રી સુરેશભાઈ રાબડીયા, ઉપપ્રમુખ શ્રી કાનજીભાઈ કેરાઈ, સેક્રેટરી શ્રી રીકીન કેરાઈ તથા કમિટી મેમ્બરોએ એમનું હાર્દિક સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત ભાવિક ભક્તજનોના વિશાળ સમુદાયે તાલીઓના ગડગડાટથી વડાપ્રધાન શ્રી ઋષિ શૌનકને વધાવ્યા હતા.
ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી તથા વરતાલના કોઠારી શ્રી ડો.સંતવલ્લભદાસજીએ ભગવાનની પ્રસાદીના હાર પહેરાવી ઋષિ સૌનકને આશીર્વાદ આપ્યા હતા. બંને સંતો, મંદિરની કમિટીના સભ્યો સાથે ઋષિ સૌનકે મંદિરના સુવર્ણ સિંહાસનમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજની આરતી ઉતારી હતી.
વડતાલના કોઠારીશ્રી ડો. સંતવલ્લભદાસજીએ ‘વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ’નું નિમંત્રણ સૌનકજીને અર્પણ કર્યું હતું. જેનો સૌનકજીએ આદરપૂર્વક સ્વીકાર કર્યો હતો.
આ પ્રસંગે આશીર્વચન આપતા સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, “આદરણીય સૌનકજી ! આપ ન માત્ર ઈંગ્લેન્ડ, ભારતનું પણ ગૌરવ છો. ઈંગ્લેન્ડમાં વસતા હજારો હજાર ભારતીય ભાઈ-બહેનો આપને પ્રેમ કરે છે. આપના નેતૃત્ત્વમાં ભારત અને ગ્રેટ બ્રિટેનના સંબંધો વિશેષ સુદ્રઢ થયા છે અને ભવિષ્યમાં પણ વિશેષ સુદ્રઢ થતા રહેશે એવો અમને વિશ્વાસ છે.
વિશેષમાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, આ હજારો ભારતીય ભાઈ-બહેનોએ સમજદારી અને પુરુષાર્થથી ગ્રેટબ્રિટેનના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપેલું છે. આ કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર એક અજોડ મંદિર છે. આ ભવ્ય મંદિરના બાંધકામમાં એક પણ પૈસાનો લેબર ખર્ચ થયો નથી. આ બાંધકામ આ ઉત્સાહી ભાઈ-બહેનોએ શ્રમયજ્ઞથી કરેલું છે. આ મંદિરમાં વપરાયેલું મટીરીયલ પણ દાતાશ્રીઓ તરફથી દાનમાં મળેલું છે.” સ્વામીશ્રીના પ્રવચનથી પ્રભાવિત થઈને આદરણીય પીએમ સ્વામીશ્રીને ભેટી પડ્યા હતા.
આદરણીય એમ.પી. બોબ બ્લેકમેન ભારતીય સમાજમાં ખૂબ જ લોકપ્રિય છે. તેઓને બધા બોબભાઈ કહીને બોલાવે છે. તેઓ બ્રિટીશ પાર્લામેન્ટમાં ભારતનો ખુલ્લો પક્ષ રાખે છે. એમણે મંદિરના સર્વ કાર્યકર્તાઓનો ઋષિ સૌનકને પરીચય કરાવ્યો હતો અને જણાવ્યું હતું કે, ‘અમને ઈંગ્લેન્ડવાસીઓને પ્રથમ હિંદુ વડાપ્રધાન મળ્યા છે, એ અમારું સદ્ભાગ્ય છે. તેઓ ઈંગ્લેન્ડના સામાન્ય સેવક તરીકે તમારા બધાની પ્રગતિ માટે સખત પરીશ્રમ કરે છે. અમારી સાથે પધારેલા હેરોના કાઉન્સીલના મેમ્બરો પણ આપની સુખાકારી અને સુરક્ષા માટે સતત મહેનત કરે છે. અમને આશા છે કે, આપનો સાથ સહકાર અમને હંમેશા મળતો રહેશે.’
માનનીય વડાપ્રધાન શ્રી ઋષિ સૌનકે પોતાના અંતરનો અહોભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આ મંદિરમાં આપે અમારૂં ઉષ્માભર્યું સ્વાગત કર્યું, સંતોના આશીર્વાદ પ્રાપ્ત થયા એ અમારા સદ્ભાગ્ય છે. અમે ધન્યતા અનુભવીએ છીએ. અમારો ઉછેર મંદિરના વાતાવરણમાં થયો છે. એવું લાગે છે કે, મંદિરમાં બિરાજતા ભગવાન આપણને બધાને જોઈ રહ્યા છે.
આ વિસ્તારના એમ.પી. બોબ બ્લેકમેન હંમેશા હેરો મંદિરના સમુદાયની વાત અમને ગર્વથી કરતા રહે છે. અમારી કન્ઝર્વેટીવ પાર્ટી ધર્મોના મૂલ્યોને અનુસરે છે. અહીંના એમ.પી. બોબ તમારા પ્રતિનિધી છે. તમારી દરેકની સેવા કરવા માટે છે અને આપ સર્વેના સાથ સહકારથી આગળ પણ સેવા કરવાનું ચાલુ રાખશે. અમારી કન્ઝર્વેટીવ પાર્ટીના કાર્યાલયમાં બોબ બ્લેકમેન જેવા સમજદાર એમ.પી.ની ખૂબ જરૂર છે.”
આ પ્રસંગે સ્વામી શ્રી માધવપ્રિયદાસજી, ડો. સંતવલ્લભ સ્વામી, સ્વામી શુકદેવદાસજી-નારવાળા તથા
સારંગપુરના કોઠારી વિવેક સ્વામી, વગેરે સંતોએ સારંગપુર કષ્ટભંજનદેવની સુંદર પ્રતિમા સૌનકજીને અર્પણ કરી હતી. જેનો સહર્ષ સ્વીકાર કરતા સૌનકજીએ કહ્યું હતું, ‘હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે આ મૂર્તિ હું મારી સામે પધરાવીશ.’
શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર -કેન્ટન ખાતે વડાપ્રધાન શ્રી ઋષિ સૌનકની આ મુલાકાત ઐતિહાસિક અને યાદગાર રહી હતી.