Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

5th Patotsav, Shree Swaminarayan Sanatan Mandir, Savannah – 2024

SGVP ગુરુકુલ પરિવારના ગુરુસ્થાને વિરાજમાન ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીના માર્ગદર્શનમાં અમેરીકાના જ્યોર્જિયા સ્ટેટમાં આવેલા સવાનાહ શહેરમાં આશરે બાવન એકર જમીનમાં SGVP ગુરુકુલનો સુંદર વિકાસ થઈ રહ્યો છે. પૂજય સ્વામીશ્રી સનાતન ધર્મની સેવાર્થે સતત પ્રયાસ કરતા રહે છે. અહીં અઢાર એકરનું વિશાળ માનસરોવર છે. આ સરોવરના કિનારે શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં વૈદિક હિંદુ ધર્મની સર્વે ધારાઓના સમન્વય સ્વરૂપે દ્વાદશ જ્યોતિર્લિંગ, ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભગવાન શ્રી વિષ્ણુ, શ્રી શિવજી, શ્રી ગણપતિજી, શ્રી પાર્વતીજી તથા શ્રી સૂર્યનારાયણ દેવ આદિ દેવોનાના દિવ્ય સ્વરૂપોની પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે.

અહીં બિરાજતા દેવોના પંચમ પાટોત્સવ નિમિત્તે ૨૦-૨૪ એપ્રિલ, ૨૦૨૪ દરમ્યાન પંચદિનાત્મક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

પંચાબ્દિ મહોત્સવના પ્રથમ દિવસે માનસરોવરનું ભવ્ય પૂજન કરવામાં આવ્યું હતું. માનસરોવરના આ પૂજન માટે ભારતથી એક હજાર તીર્થોનું જળ એકત્રિત કરવામાં આવ્યું હતું.

સર્વ પ્રથમ આ તીર્થજળના કળશોને મંદિરના ઊંચા મંચ ઉપર સ્થાપિત કરી શાસ્ત્રોક્ત વિધિથી વરૂણ પૂજન કરવામાં આવ્યું હતું. ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ ભારતના તીર્થોનો મહિમા સમજાવ્યો હતો. પૂજન પૂરું થયા પછી તીર્થજળથી ભરેલા કળશોની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં બહેનો અને ભાવિક ભક્તોનો વિશાળ સમુદાય જોડાયો હતો.

ભક્તિભાવથી ભરેલી પાંચસોથી વધારે બહેનોએ આ તીર્થજળના કળશોને મસ્તક પર લીધા હતા અને માનસરોવરને ફરતા લગભગ એક કિલોમીટર જેટલા માર્ગમાં પ્રદક્ષિણા કરવામાં આવી હતી.

અમેરીકા જેવા દેશમાં આ રીતે તીર્થજળ સાથેની વિશાળ જળયાત્રા પ્રથમવાર યોજાઈ હતી. આ કળશયાત્રાનું દ્રશ્ય અત્યંત અદ્‌ભૂત હતું. શોભાયાત્રાના સમાપન સમયે વેદમંત્રોના ઘોષ સાથે આ તીર્થજળને માનસરોવરમાં પધરાવવામાં આવ્યું હતું અને વરૂણદેવ સહિત સર્વ તીર્થદેવોની સમુહ આરતી ઉતારવામાં આવી હતી. આ આરતીનું દ્રશ્ય પણ અતિ દિવ્ય હતું.

આ પ્રસંગે પૂજ્ય સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ‘આજથી આ સરોવર સાચા અર્થમાં માનસરોવર બન્યું છે. આ સરોવરના જળને માથે ચડાવવાથી સર્વ તીર્થોના સ્નાનનું ફળ પ્રાપ્ત થશે. જ્યારે જ્યારે અવસર મળે ત્યારે માનસરોવરને કિનારે ભગવાનનું ધ્યાન કરવું, નામ સ્મરણ કરવું. અહીં બેસવાથી આપના હૃદયમાં પરમ શાંતિનો અનુભવ થશે.’

આ અવસરે કળશયાત્રાનો લાભ લેવા માટે જ્યોર્જિયાના સવાના, સ્ટેટબોરો, હેન્સવિલ, રીચમંડ, રીંકન, બ્રુન્સવીક વગેરે વિવિધ વિસ્તારોમાંથી વિશાળ સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

મહોત્સવના દ્વિતીય દિને રૂદ્રયાગનું આયોજન થયું હતું. અહીં ૧૮ એકરમાં વિસ્તરેલા સરોવરને કિનારે સુંદર યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પંચાબ્દિ મહોત્સવના યજમાનો સપરિવાર યજ્ઞમાં જોડાયા હતા. પવિત્ર ભૂદેવોએ વૈદિક મંત્રોના ગાન સાથે યજમાનોને યજ્ઞવિધિ કરાવ્યો હતો.

મહોત્સવના તૃતીય દિને સોમવાર હતો. ભગવાન શિવજીને સોમવાર પ્રિય છે. અહીં માનસરોવરના મધ્યભાગમાં સર્વેશ્વર ધામનું નિર્માણ કરવામાં આવેલ છે. અહીં ભગવાન શિવજી દ્વાદશ જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન છે. આજ રોજ દ્વાદશ જ્યોતિર્લિંગનો પ્રથમ પાટોત્સવ હોવાથી ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ માનસરોવરના પવિત્ર જળ, વિવિધ ઔષધિ દ્રવ્યો, પંચામૃત, કેસરજળ વગેરેથી વૈદિક મંત્રોના ગાન સાથે દ્વાદશ જ્યોતિર્લિંગનું મહાભિષેક દ્વારા ભવ્ય પૂજન કર્યું હતું. ભગવાનના મહાભિષેક બાદ સુંદર વસ્ત્રાલંકાર ધારણ કરાવીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે સનાતન મંદિરમાં બિરાજમાન ભગવાનનો મહાભિષેક કરવામાં આવ્યો હતા. આ પ્રસંગે ઠાકોરજીને અન્નકૂટ ધરાવવા માટે ભક્તજનો ઘરે ઘરેથી વિવિધ પ્રકારની વાનગી બનાવીને લાવ્યા હતા.

પંચાબ્દિ મહોત્સવમાં દરરોજ સંધ્યા આરતી બાદ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ રઘુવંશના મહાન રાજાઓ તથા ભગવાન શ્રીરામચંદ્રજીની કથાનું શ્રવણ કરાવ્યું હતું. પૂજ્ય સ્વામીશ્રીએ સવાના નિવાસી ભક્તજનોને સંબોધતા જણાવ્યું હતું કે, ‘આપ સર્વે સનાતની ભાઈ-બહેનો સાથે મળીને અહીં અમેરિકામાં ઉત્સવ-સમૈયા કરતા રહો છો. સૌ સાથે મળીને વૈદિક સંસ્કૃતિની રક્ષા કરવાનો પ્રયાસ કરો છો તે જાણીને અમારું હૃદય પ્રસન્નતા અનુભવે છે.’

મહોત્સવના દિવ્યાનંદને માણવા માટે જ્યોર્જિયા, ફ્લોરીડા, સાઉથ-નોર્થ કેરોલાઈના સ્ટેટના વિવિધ વિસ્તારોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવમાં પધારનારા તમામ ભક્તજનો માટે ભોજનાદિકની વ્યવસ્થા મંદિરના સ્વયંસેવક ભાઈ-બહેનોએ સુચારું રીતે કરી હતી.

Achieved

Category

Tags