પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીજીની ૧૨મી પુણ્યતિથિ
સમાજ જીવનથી સદાય અલિપ્ત, લૌકિક જીવનથી હંમેશા વેગળા અને સ્વમસ્તીમાં મસ્ત રહેનારા એવા સંતવર્ય પૂજ્ય જોગી સ્વામીનો અક્ષરવાસ થયા તેને આજે ૧૨-૧૨ વર્ષના વા’ણા વહી ગયા છે છતા તેઓ આજે પણ પૃથ્વી ઉપર સાક્ષાત હોય તેવું જણાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના સંત અને નિષ્કામ, નિર્લોભ, નિઃસ્નેહ, નિર્સ્વાદ, અને નિર્માન એ પંચવર્તમાનની સાક્ષાત મૂર્તિ એટલે પૂજ્યપાદ શ્રી જોગી સ્વામી.
શ્રાવણ વદ ૧૪, તા.૧૧-૯-૨૦૧૧ના રોજ સાયંકાળે પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીજીએ પોતાના પંચભૌતિક શરીરનો ત્યાગ કર્યો. ત્રણ દિવસ દેશ વિદેશના હજારો ભક્તોએ અંતિમ દર્શન કરી મેમનગર ગુરુકુલમાં તીર્થ જળથી સ્નાન કરાવી આરતી ઉતારી વૈદિક વિધિ સાથે એસજીવીપી ગુરુકુલના પરિસરમાં હદય કુટિર સ્થાને વૈદિક મંત્રોચ્ચાર સાથે અગ્નિ સંસ્કાર કરવામા આવ્યો. આ સમયે તત્કાલિન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે ૧૦૭ વર્ષની ઉમર હોય અને દેહ છોડયાને ત્રણ દિવસ થયા હોય છતાં શરીરની આવી જીવંત કાંતિ હોય તે વિજ્ઞાનથી પરની વાત છે. પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીની ૧૨મી પુણ્યતિથિ પ્રસંગે ગુરુકુળ પરિવારમાં ધૂન-ભજન અને ગુણાનુવાદ સભા રાખવામા આવ્યા હતા.
શ્રાવણ વદ ૧૪, ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ SGVP પરિસરમાં હૃદય કુટીરમાં પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને સંતોએ પૂજયપાદ શ્રી જોગી સ્વામીજીનું પૂજન કર્યું હતું.
હૃદય કુટીર પાસે તૈયાર થયેલ સુંદર કુટિરોમાં ચારેય વેદના પાઠ લેવામાં આવશે, તે વેદ અભ્યાસ કુટિરોનું પરમ પૂજ્ય શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ઉદ્ધાટન કર્યું હતું.
ત્યાર બાદ શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં એક કલાક અખંડ ધૂન અને ગુણાનુવાદ સભાનું આયોજન થયું હતું.