Photo Gallery
ગુરુકુલ સંસ્કૃતિના પુનરોદ્ધારક અને ભગવાન શ્રી સ્વામિનારાયણના સંદેશવાહક તરીકે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ગુરુકુલ દ્વારા શિબિરો, બ્રહ્મસત્રો, જ્ઞાનસત્રો, જપયજ્ઞો જેવાં વિવિધ આયોજનો દ્વારા અનેક જીવોને મોક્ષમાર્ગે વાળ્યા. ગુરુદેવનું આ કાર્ય આજે પણ સંપ્રદાય અને સમાજમાં આગવી ભાત પાડી રહ્યું છે.
ગુરુદેવનાં એ કાર્યનું એક સોપાન એટલે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદને આંગણે યોજાતો જ્ઞાનસત્ર. ૪૬ વર્ષથી અખંડ વહેતી આ ભાગીરથી અવિરત વહેતી રહી છે. આ વર્ષે તારીખ ૨૯ જુલાઈ થી ૪ ઓગષ્ટ, ૨૦૨૨ દરમિયાન જ્ઞાનગંગા વહેવડાવતો જ્ઞાનસત્ર યોજાયો.
૨૮ જુલાઈ, જ્ઞાનસત્રના પ્રારંભે પાંચ કલાકનો જપયજ્ઞ યોજાયો, જેમાં અખંડધૂન, મંત્રલેખન તથા અખંડ દડંવત્ પ્રણામનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૯ જુલાઈના રોજ બપોર પછી પોથીયાત્રા સાથે જ્ઞાનસત્રનો પ્રારંભ થયો. આ જ્ઞાનસત્ર દરમિયાન પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ શ્રીમદ્ સત્સંગિજીવનની કથાનું શ્રવણ કરાવ્યું હતું. આ સાથે યુવાન સંતોએ શ્રીધર્મજીવન વ્યાખ્યાનમાળામાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના જીવન અને સેવાકાર્યો વિશે મનનીય પ્રવચન કર્યા હતા. આ ઉપરાંત પ્રસંગોપાત્ પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જ્ઞાનસત્રાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. અભ્યાસ કરનારા નાના સંતો-પાર્ષદોએ પ્રવચન કરી સૌની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
જ્ઞાનસત્ર દરમિયાન પ્રાતઃકાલે નિત્ય સમૂહમાં જનમંગલ અનુષ્ઠાન તથા શ્રી ધર્મજીવન ગાથાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનોએ જોડાઈને ભજન-પાઠ કર્યાં હતાં. બ્લડ ડોનશન કેમ્પમાં ૧૫૦ ઉપરાંત ભક્તોએ રક્તદાન કર્યું હતું.
ગૌરીપૂજન : SGVP દ્વારા દરવર્ષે ગૌરીપૂજન સ્વરૂપે મોટી સંખ્યામાં મેડીકલ, સી.એ., એન્જિનિયર તથા અન્ય ક્ષેત્રે અભ્યાસ કરનારી દીકરીઓને વર્ષ દરમિયાન થતો અભ્યાસખર્ચ સંસ્થા દ્વારા અપાય છે. આ ઉપક્રમે ખાસ આયોજિત ગૌરીપૂજન પ્રસંગે ૧૫૦ ઉપરાંત દીકરીઓને શિક્ષણસહાય અર્પણ કરી ગૌરીપૂજન કરવામાં આવ્યું હતું.
જ્ઞાનસત્ર પ્રસંગે બહેનોને સત્સંગનો વિશેષ લાભ મળે એ માટે બે દિવસનો મહિલામંચ રાખવામાં આવ્યો હતો. જેમાં બાલિકાઓએ સંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરી સૌને પ્રસન્ન કર્યા હતા. સાંખ્યયોગી બહેનોએ સૌને સત્સંગનો લાભ આપ્યો હતો. આ સાથે અમરેલી, અમદાવાદ, દુધાળા વગેરે સ્થાનોમાંથી સાંખ્યયોગી બહેનોએ પધારી બહેનોને સત્સંગ-કથાવાર્તાનો લાભ આપ્યો હતો.
આઝાદીના અમૃતપર્વ અને ગુરુકુલની સ્થાપનાના અમૃતપર્વ પ્રસંગે દેશભક્તિની થીમ ઉપર તૈયાર કરવામાં આવેલ સભામંડપ સૌને આકર્ષિત કરતો હતો. સાત દિવસના ભક્તિસભર આ અનેરા ઉત્સવમાં સહુ સંતો-ભક્તોએ ખૂબ આનંદ સાથે જ્ઞાન-ભક્તિનું ભાથું ભર્યું હતું. આ જ્ઞાનસત્રનાં સમાપન પ્રસંગે સદ્ગુરુ સંતોએ મુખ્ય યજમાન તથા સહયજમાનશ્રીઓને શુભાશીર્વાદ પાઠવ્યા હતા.