ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સર્વજીવ હિતાવહ પ્રવૃત્તિઓની સાથે અનેક જીવોના કલ્યાણનો રાજમાર્ગ ખૂલો કર્યો. જેમાં શિબિરો, બ્રહ્મસત્રો, જ્ઞાનસત્રો, જપયજ્ઞો, મહામહોત્સવો જેવા અનેક આયોજનો કરી અનેક જીવોને ભગવાનના માર્ગે વાળ્યા. આ જ માર્ગનું એક સોપાન એટલે શ્રી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદને આંગણે દરવર્ષે યોજાતો જ્ઞાનસત્ર. પૂજ્ય ગુરુદેવ દ્વારા પ્રવર્તીત આ પ્રણાલી ૩૭ વર્ષથી અખંડ વહેતી આવે છે. જેને અવિરત વહેતી રાખવા આ વર્ષે તારીખ ૧૦ થી ૧૬ ઓગષ્ટ દરમિયાન દિવ્ય મહામહોત્સવ જેવો જ્ઞાનસત્ર યોજાઇ ગયો. જ્ઞાનસત્રના આરંભે ૯ કલાકની અખંડ ધૂન કરવામાં આવી હતી. ધૂનની પૂર્ણાહુતિ બાદ યજમાનશ્રીના ઘરેથી વાજતે ગાજતે પોથીયાત્રા ગુરુકુલ પધારી હતી. પરમ પૂજ્ય સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં અનેરા ભક્તિસભર વાતાવરણમાં યોજાયેલ જ્ઞાનસત્રમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરિત્રોથી ભરપૂર શ્રીમદ્ સત્સંગિજીવન ગ્રંથરાજની કથાનું અનેરુ આયોજન થયું. આ જ્ઞાનસત્રમાં પૂજ્ય સ્વામીજીએ મહારાજની કારીયાણીની લીલાઓનું વિસ્તારથી શ્રવણ કરાવ્યું. ઉપરાંત મહારાજે કારીયાણીમાં કરેલા વસંતોત્સવ, દીપોત્સવ, હીંડોળા ઉત્સવ જેવા ઉત્સવો પણ ધામધૂમથી કરાવ્યા. આ ઉત્સવોએ જ્ઞાનસત્રને ભક્તિસભર બનાવ્યો હતો. આ જ્ઞાનસત્ર દરમિયાન યુવાન સંતોના મુખે વિવિધ વિષયો ઉપર વ્યાખ્યાનમાળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરમ પૂજ્ય પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીએ કહત હૈ ગુણાતીત વિષય ઉપર મનનીય પ્રવચન કર્યું હતું. આ ઉપરાત પૂજ્ય શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી શ્રી ભક્તવત્સલદાસજી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી શ્રી વેદાંતસ્વરુપદાસજી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી શ્રી ભક્તિવેદાંતદાસજી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી શ્રી મુનિવત્સલદાસજી સ્વામી વગેરે સંતોએ વિવિધ વિષયો ઉપર કથાવાર્તાનો લાભ આપ્યો હતો. ઉપરાંત પ્રસંગોપાત પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામીએ જ્ઞાનસત્રાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.જ્ઞાનસત્રના રાત્રી કાર્યક્રમો અતિ ભવ્ય અને દિવ્ય રહ્યા. જેમાં પૂજ્ય સ્વામીજી સાથેની પ્રશ્નોત્તરી અજોડ રહી. સાહિત્યકાર શ્રી અભેસીંહજી રાઠોડ તથા શ્રી ગોપાલભાઇ બારોટ દ્વારા પીરસવામાં આવેલા ભક્તિરસે સહુને ભીંજવ્યા. અમદાવાદ ગુરુકુલ તથા દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામા આવેલો દેશભક્તિ અને સત્સંગના સંસ્કારોથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમે સહુ સંતો-ભક્તોના દીલને જીતી લીધા. ઠાકરથાળી મહોત્સવમાં સહુ સંતો, ભક્તો તથા વિદ્યાર્થીઓ આનંદથી ઝૂમી ઉઠ્યા. ૧૫ મી ઓગષ્ટના રોજ સવારે શ્રીહરિજયંતી પ્રસંગે શ્રી નીલકંઠ વર્ણીનો અભિષેક અને શ્રી ઘનશ્યામ મહારાજનું રાજોપચાર પૂજન કરી અનેરા આનંદ સાથે ધ્વજવંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પૂજ્ય સ્વામીજીએ દેશભક્તિ અને શહિદોની અમરગાથાઓનું ગાન કર્યું હતું. જ્ઞાનસત્રના સાતેય દિવસ અમરેલી, અમદાવાદ, દુધાળા, નાગપુર વગેરે સ્થાનામોથી સાંખ્યયોગી બહેનોએ પધારી બહેનોને સત્સંગ-કથાવાર્તાનો લાભ આપ્યો હતો તથા બાલિકા મંડળની બહેનોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી સહુને પ્રસન્ન કર્યા હતા.આ ઉપરાંત જ્ઞાનસત્ર દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ રક્તદાન કર્યું હતું. તથા વિવિધ પ્રકાશકોના પુસ્તકો એક જગ્યાએથી સરળતાથી ઉપલબ્ધ થાય તેવા હેતુંથી પુસ્તકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આમ સાત દિવસો સુધી આ ભક્તિસભર જ્ઞાનસત્રમાં સહું સંતો-ભક્તોએ ખૂબ આનંદ સાથે ભક્તિનું ભાથું ભર્યું હતું. આ જ્ઞાનસત્રના યજમાન તરીકે પ.ભ શ્રી તુલસીભાઇ ઉકાભાઇ પટેલ પરિવાર તથા પ.ભ.શ્રી ગોરધનભાઇ હરજીભાઇ ભુવા પરિવારે લાભ લીધો હતો.
Photo Gallery Day 1
Photo Gallery Day 2
Photo Gallery Day 3
Photo Gallery Day 4
Photo Gallery Day 5
Photo Gallery Day 6
Photo Gallery Day 7