Photo Gallery
માગશર સુદ મોક્ષદા એકાદશી અને ગીતા જયંતીના પુનિત પર્વે, તા. ૧૪ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ SGVP ગુરુકુલ રિબડા (રાજકોટ) ખાતે શ્રીઘનશ્યામ મહારાજનો દ્વિતીય પાટોત્સવ ઉજવાયો હતો. વૈદિક મંત્રો સાથે ગંગાજળ, તમામ ઔષધિઓના રસ, ફળોના રસ, પંચગવ્ય વગેરેથી ઘનશ્યામ મહારાજનો વહેલી સવારે અભિષેક કરવામાં આવ્યો હતો.
અભિષેક બાદ રાજકોટ તેમજ ગુંદાસરા, સડક પીપળિયા, વગેરે ગામોની બહેનોએ પવિત્રપણે બનાવેલ મીઠાઇ, ફરસાણ વગેરે સામગ્રીઓથી શ્રી ઘનશ્યામ મહારાજને અન્નકૂટ ધરાવાયો હતો. ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ આરતિ ઉતારી અન્નકૂટ દર્શન ખુલ્લા મૂક્યા હતા અને અન્નકુટનો મહિમા સમજાવી યજમાનશ્રીઓને આશીર્વાદ આપ્યા હતા.
અન્નકૂટની તમામ પ્રસાદી બાળકો અને ગરીબોને વહેંચવામાં આવી હતી.
આ પ્રસંગે આગામી ૨૫ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ દરમ્યાન આયોજિત ૧૦૮ સંહિતા પારાયણ મહોત્સવ અંતર્ગત ૧૧ કુંડી શ્રીમહાવિષ્ણુ યાગની યજ્ઞશાળામાં પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીના વરદ હસ્તે વૈદિક વિધિ અને મંત્ર ગાન સાથે ધ્વજા રોપણ કરવામાં આવ્યું હતું.