પ્રથમ પાટોત્સવ : ગુરુકુલ દ્રોણેશ્વર ૧૩ માર્ચ ૨૦૧૬
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વરમાં બિરાજીત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ તથા સંત નિવાસમાં પ્રતિષ્ઠિત શ્રીજી મહારાજનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ તા. ૧૩ માર્ચ ૨૦૧૬ ના રોજ ધામધૂમથી ઉજવાયો હતો. સૌ પ્રથમ વહેલી સવારે મંગળા આરતી બાદ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામી અને ભંડારી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામીએ શ્રી હનુમાનજી મહારાજની ચલમૂર્તિનું વૈદિક મંત્રોચ્ચાર સાથે ષોડશોપચાર વિધિ પૂજન કર્યા બાદ પંચામૃત, ગંગાજળ અને મચ્છુન્દ્રી નદીના પવિત્ર જળથી મહાઅભિષેક કરવામાં આવ્યો હતો.
અભિષેક બાદ ૧૦૮ વાનગીઓનો અન્નકૂટ ધરાવી મહાઆરતી ઉતારવામાં આવી હતી અને શ્રી મારુતિ ધામના પ્રાંગણમાં ઉપસ્થિત હજારો ભક્તોએ દર્શન કર્યા હતા.
અન્નકૂટ દર્શન બાદ ગુરુકુલ પરિસરના સાગના વનમાં સમૂહ મહાપૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભંડારી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામીએ મહાપૂજા વિધિ કરવી હતી. આ પાટોત્સવમાં ઉના, ઈંટવાયા, ફાટસર, દ્રોણ, અંબાડા, ખિલાવડ, ધોકડવા, નાના-મોટા ઉગલા, વગેરે આજુબાજુના ગામોના હરિભક્તોએ મહાપૂજા, દર્શન અને સત્સંગનો લાભ લીધો હતો.
પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, અન્નકૂટનો પ્રસાદ ઉના વિસ્તારની અંધ-અપંગ શાળાઓના બાળકોને વહેંચવામાં આવ્યો હતો.