શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) દ્વારા
શ્રી રામ મંદિર અયોધ્યા ને ૧૨૦ વ્હીલ ચેર અર્પણ
પરમ પૂજ્ય ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરને ૧૨૦ વ્હીલ ચેર અર્પણ કરવામાં આવી છે.
અયોધ્યામાં મંદિર નિર્માણ થયા પછી લાખો ભક્તજનો દેશ-વિદેશથી દર્શન કરવા પધારી રહ્યા છે. જેમાં અનેક વડીલ તથા અશક્ત ભક્તો હોય છે, જેમને મંદિરના વિશાળ પરિસરમાં ચાલીને દર્શન કરવા જવામાં મુશ્કેલી પડતી હોય છે. ત્યારે પૂજ્ય સ્વામીજી તથા સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ એક અનોખો સેવાનો સંકલ્પ કર્યો. સેવાના આ સંકલ્પ મુજબ વડિલોને દર્શન કરવામાં અનુકૂળતા રહે તેવા હેતુથી ૧૨૦ વ્હીલ ચેર શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરમાં અર્પણ કરવામાં આવી.
તારીખ ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ SGVP ગુરુકુલ રીબડા-રાજકોટ ખાતે એક સમારોહમાં SGVP ગુરુકુલ, રિબડા – રાજકોટના સંચાલક શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી તથા VHP ગુજરાતના મહામંત્રી શ્રી ધીરુભાઈ કપુરિયા એવં અન્ય મહાનુભાવોની ઉપસ્થિતમાં આ ૧૨૦ વ્હીલ ચેર શ્રી રામ મંદિર માટે અર્પણ કરવામાં આવી હતી.