આજથી બે માસ પહેલા વિદેશ જતા સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ સમસ્ત ગુરુકુલ પરિવારને પ્રેરણા કરી હતી કે આગામી મહાત્મા ગાંધી જન્મદિન નિમિત્તે આપણે સ્વચ્છતા અભિયાન ઉજવવાનું છે. અને સ્વામીજીએ સુત્ર આપેલ કે, ‘આપણું ભારત સ્વચ્છ ભારત’ અને ‘આપણું શહેર, સુંદર શહેર.’ આ પ્રેરણાને ધ્યાનમાં લઇને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે, તા.૨ જી ઓકટોબર, ગાંધી જયંતીના પવિત્ર દિવસે વહેલી સવારે શિક્ષણ, સંસ્કાર અને સમાજ સેવાને વરેલી ગુરુકુલ સંસ્થા દ્વારા સમાજ સેવાના ભાગ રુપે તેમજ અન્યને પ્રેરણા અને પ્રોત્સાહન મળે તેવા હેતુથી, છારોડી તેમજ મેમનગર ગુરુકુલના ૯૫૦ વિદ્યાર્થીઓ, ૪૦ સંતો, ૫૦૦ ઉપરાંત અન્ય સેવાભાવી યુવાનો ‘પોતે જ્યાં ત્યાં કચરો નહી ફેંકતા નિયત જગ્યાએ જ કચરો નાંખશે અને આપણું ઘર, શેરી કે ગામ સ્વચ્છ રાખશે’ એવી પ્રતિજ્ઞા કરીને મેમનગર ગુરુકુલ દરવાજાથી ગુરુકુલ રોડ સુધી અને સુભાષ ચોક સુધી તેમજ આજુબાજુનો રોડ વિસ્તારનો તમામ કચરો સાફ કરી તેને ટ્રક દ્વારા અન્ય યોગ્ય સ્થળે નાંખવાની વ્યવસ્થા કરી હતી.
બીજી ઓક્ટોબર, મહાત્મા ગાંધી જયંતીની પૂર્વ સંધ્યાએ શ્રી સ્વામિનારાયણ ગુરુકલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ, શિક્ષકોએ અમદાવાદના સાબરમતી આશ્રમમાં જઈ ગાંધીજીને પ્રિય ગીત ‘વૈશ્નવજન તો તેને કહીએ…’ તેમજ ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ એ ધુન બોલી, ભારત માતાકી જયના નાદ સાથે સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાણી અને વીજળી બચાવવા પ્રતિજ્ઞા કરી હતી. ત્યારબાદ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કર્યો હતો. સ્વચ્છતા અંગે સમાજ જાગૃતિ માટે વિવિધ સુત્રોના પ્લે કાર્ડ સાથે રેલીનું આયોજન પણ કર્યું હતું.
Picture Gallery