Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Samprat Mahila Lekhan – National Seminar SGVP 2022

Photo Gallery

SGVP ગુરુકુલના સહયોગથી સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા તાજેતરમાં એક અત્યંત મહત્ત્વનો રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજવામાં આવ્યો. તા. 03 ઑગસ્ટ, ૨૦૨૨ રોજ SGVP ખાતે આયોજિત આ સેમિનારમાં સાંપ્રત મહિલા સર્જકોના લેખનના મહત્ત્વના આયામો રજૂ થયા.

ઉદ્‌ઘાટન સમારંભના અધ્યક્ષ તરીકે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજીએ માતૃશક્તિના સર્જનકર્મનો મહિમા રજૂ કરીને ભારતીય પ્રણાલીમાંના નારીશક્તિના ભવ્ય ઈતિહાસ પર પ્રકાશ પાડયો હતો.

સેમિનારમાં સાહિત્ય અકાદમીના ગુજરાતી પરામર્શ સમિતિના સંયોજક અને સુપ્રસિદ્ધ કવિ શ્રી વિનોદ જોશીએ બીજરૂપ વક્તવ્યમાં મહિલાલેખનનાં પાસાંઓ અને ગુજરાતી મહિલાલેખનની વિવિધતા વિશે વિદ્વતાપૂર્ણ વિચારો પ્રગટ કર્યા હતા. સાહિત્ય અકાદમીના ક્ષેત્રીય સચિવ શ્રી કૃષ્ણા કિમ્બહુનેએ સ્વાગતપ્રવચન કર્યું હતું અને ગુજરાતી પરામર્શ સમિતિના સભ્ય શ્રી નિસર્ગ આહીરે નારીસર્જનની વિશેષતાઓ વિશે મનનીય છણાવટ કરી હતી.

ઉદ્‌ઘાટન સમારંભ બાદ કુલ ત્રણ સત્રમાં ગુજરાતની ખ્યાતનામ સ્ત્રીસર્જકોએ પોતાની કેફિયત રજૂ કરી હતી અને દરેક સર્જક વિશે અભ્યાસી અધ્યાપકોએ જે તે સર્જકની સાહિત્યિક સિદ્ધિઓ વિશે વિશદ અને રસાળ શૈલીમાં વક્તવ્ય આપ્યાં હતાં. વર્ષા અડાલજા, ઈલા આરબ મહેતા, સરૂપ ધ્રુવ, ઉષા ઉપાધ્યાય, બિંદુ ભટ્ટ અને પારુલ ખખ્ખરે પોતાની સર્જનપ્રક્રિયા વિશે અસરકારક વક્તવ્ય આપ્યાં હતાં. ડૉ. દર્શના ધોળકિયા, ડૉ. મીનલ દવે, ડૉ. સંધ્યા ભટ્ટ, ડૉ. પૂર્વી ઓઝા, ડૉ. નિયતિ અંતાણી અને ડૉ. ચૈતાલી ઠક્કરે દરેક સર્જકોના સર્જન વિશે અભ્યાસપૂર્ણ અને પ્રભાવક પ્રસ્તુતિ કરી હતી.

સાવ જુદા પ્રકારનો અને મહિલાલેખનના વિલક્ષણ આયામો રજૂ કરતો આ સેમિનાર અત્યંત સફળ રહ્યો હતો. સતીશ વ્યાસ, હર્ષદ ત્રિવેદી, કિરીટ દૂધાત, પ્રવીણ ગઢવી, ભગવાનદાસ પટેલ જેવા સાહિત્યકારો એમાં ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ અને ગાંધીનગરની કૉલેજના અનેક અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ હાજર રહીને કાર્યક્રમને માણ્યો હતો.

SGVP ગુરુકુલ ખાતે સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ચાલે છે. સાંપ્રત ગુજરાતી લેખનમાં જે લેખિકાઓ અને કવયિત્રીનું વિશિષ્ટ સ્થાન છે અને માતબર પ્રદાન છે તેમના વિશેના આ સફળ અને મહત્ત્વપૂર્ણ સેમિનારને કારણે વિદ્વાનો અને વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા હતા.

Achieved

Category

Tags