ભગવાન શ્રી સ્વામિનારાયણ માન્ય અષ્ટ સત્શાસ્ત્રોના સહિતા પાઠ તથા શ્રી મહાવિષ્ણુયાગ
ભગવાન શ્રી સ્વામિનારાયણ માન્ય અષ્ટ સત્શાસ્ત્રોના સહિતા પાઠ તથા શ્રી મહાવિષ્ણુયાગ ૧૦ – ૧૭ નવેમ્બર, ૨૦૧૪ ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આઠ સત્શાસ્ત્રો ઇષ્ટ ગણ્યા છે. વેદ, વ્યાસ સુત્ર, વિષ્ણુ સહસ્ત્રનામ, શ્રીમદ્ ભગવત ગીતા, શ્રીમદ્ ભાગવત, વાસુદેવ માહાત્મ્ય, વિદુર નીતિ અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ. અને આ આઠ શાસ્ત્રો તેમજ વચનામૃત, શિક્ષાપત્રી, જનમંગલ સ્તોત્ર, સર્વમંગલ સ્તોત્રનું પુરશ્ચરણ, પારાયણ અને અભ્યાસ કરવાની આજ્ઞા કરી છે.
વેદ વ્યાસ ભગવાને ઉપરોક્ત શાસ્ત્રો રચી ભારતીય સંસ્કૃતિને અદ્યાપિ પર્યંત જીવંત રાખી છે. આ શાસ્ત્રોનું જતન અને પૂજન કરવું એ હિન્દુઓની ખાસ ફરજ છે. ઉપરોક્ત શાસ્ત્રોના પૂજન કે અનુષ્ઠાન મન અને ઇન્દ્રીયોને વશ રાખી કરવામાં આવે તો મનોવાંછીત ફળ મળે છે.
આવા શુભ હેતુથી વિશ્વ શાંતિ અને ભગવત પ્રસન્નતાર્થે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની સાનિધ્યમાં, યજ્ઞ પરાયણ જેનું જીવન છે એવા પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે ઉપરોકત શાસ્ત્રોનું અનુષ્ઠાન અને સંહિતા પાઠ તથા પંચકુંડી શ્રી મહાવિષ્ણુયાગ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (એસજીવીપી)ના પરિસરમાં આંબળાના વનમાં શાસ્ત્ર વિધિ પ્રમાણે તા. ૧૦ નવેમ્બર થી ૧૪ નવેમ્બર, ૨૦૧૪ સુધી કરવામાં આવ્યું હતું.
અનુષ્ઠાનના પ્રારંભમાં પવિત્ર ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગણપતિ આદિ દેવોનું ષોડશોપચાર સાથે પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂજ્ય સ્વામીજી તથા પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કથિત આઠ સત્ શાસ્ત્રોનો મહિમા સમજાવ્યો હતો અને જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ મહામંત્ર બળવાન છે. જે જપવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. મહાન મંત્રદ્રષ્ટા ઋષિ મહર્ષિઓ દ્વારા સિદ્ધ કરેલ મંત્રોમાં અમોઘ શકિત રહેલ છે. જે મંત્રો વારંવાર જપવાથી મંત્રો ફળદાયક થાય છે. અને મનોવાંછીત ફળ આપે છે અને આત્મવિશ્વાસ વધારે છે.
ત્યાર બાદ નવેમ્બર ૧૫ થી ૧૭, ૨૦૧૪ દરમ્યાન વિશ્વશાંતિ અને શ્રીજી પ્રસન્નાતાર્થે પંચકુંડી શ્રી મહાવિષ્ણુયાગનું આયોજન પુજ્ય પુરાણી સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે પવિત્ર અરણી કાષ્ઠના મંથન થી વૈદિક મંત્રોચ્ચાર, જનમંગલ અને ભગવાન શ્રી સ્વામિનારાયણની ધૂન સાથે યજ્ઞ માટે પવિત્ર અગ્નિનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. પ્રારંભિક પૂજન અને અગ્નિ-સ્થાપન બાદ પૂજ્ય સ્વામીજીએ આવા શુભ કાર્ય માટે ઉત્તમ સ્થળ, સમય અને સાનિધ્યનો મહિમા સમજાવ્યો હતો. પૂજ્ય પુરાણી સ્વામીના આશીર્વચન બાદ સંતો, હરિભક્તો અને વિદ્યાર્થીઓએ પવિત્ર ભૂદેવોના મુખે જનમંગલ, વિશ્વમંગલ અને વિષ્ણુસહસ્રના મંત્ર ઘોષ સાથે યજ્ઞ કુંડમાં આહુતિઓ અર્પણ કરી હતી.
આ વિષ્ણુયાગ અંતર્ગત દરરોજ સવારે ઉગતા સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય અને સૂર્ય પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. હિન્દુ શાસ્ત્ર બ્રહ્મવૈવર્ત પુરાણમાં સૂર્ય સ્તવન અને અર્ઘ્યનો મહિમા ખૂબજ વર્ણવાયો છે. સૂર્ય અર્ઘ્યનો મહિમા સમજાવતા પૂ.પુરાણી સ્વામીએ જણાવ્યું હતું કે સૂર્યની ઉર્જાથી આપણું જીવન ટકી રહ્યું છે. સૂર્યનારાયણ પ્રત્યક્ષ દેવ છે. તમામ રોગોના નાશ કર્તા સૂર્ય દેવ છે. સૂર્ય દેવનું – સવારે બ્રહ્માનું સ્વરુપ, બપોરે રુદ્રનું સ્વરુપ અને સાંજે વિષ્ણુનું સ્વરુપ હોય છે. આપણો સનાતન હિન્દુ ધર્મ પંચ ધારા – વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતિ અને સૂર્યમાં વહેંચાયેલો છે. ખાસ કરીને ક્ષત્રિયો સૂર્ય નારાયણને ખૂબજ ભાવથી પૂજે છે. જે સૂર્ય નારાયણનું પૂજન કરવાથી જીવનમાં આરોગ્ય સાથે અવિરત પ્રગતિ થાય છે. આ રીતે સૂર્યનારાયણને અર્ઘ્ય અને મહાપૂજાનો ખૂબજ મહિમા છે.
તા. ૧૬ નવેમ્બર, ૨૦૧૪ ના રોજ પૂજ્ય સ્વામીજી, પૂજ્ય પુરાણી સ્વામીના આશીર્વચન સાથે વૈદિક વિધિથી ત્રિદિનાત્મક મહાવિષ્ણુયાગની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
Picture Gallery