Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Satsang Sabha Hanumanji Temple, Leicester, UK, SGVP 2022

Photo Gallery

યુ.કે. સત્સંગ યાત્રા – ૨૦૨૨ દરમિયાન ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી સંત મંડળ સાથે, યુ.કે.ના વિવિધ વિસ્તારમાં વિચરણ કરીને સત્સંગ, કથાવાર્તાનો લાભ આપવાના છે. જેમાં લંડન ઉપરાંત નોર્ધમપ્ટન, લેસ્ટર, બોલ્ટન, ઓલ્ડહામ, કાર્ડિફ, બર્મિંગહામ, ઈસ્ટલંડન, વુલ્વીચ, સાઉથ ઓન સી, કેમ્બ્રિજ, વિમ્બલ્ડન વગેરે વિવિધ વિસ્તારોમાં પધારી સત્સંગનો લાભ આપશે.
તા. ૪ જુન, ૨૦૨૨ શનિવારના દિને પૂજ્ય સ્વામીજી લેસ્ટર પધાર્યા હતા. લેસ્ટરમાં શ્રી સ્વામિનારાયણ મંદિર – વડતાલ સંસ્થાન્‌ સંચાલિત ‘શ્રી હનુમાનજી મંદિર – સારંગપુરધામ’ ખાતે સત્સંગ સભાનું આયોજન થયું હતું.

શ્રીહનુમાનજી મંદિરમાં પૂજ્ય સ્વામીજીની પધરામણી થતા મંદિરના ટ્રસ્ટીશ્રી રાજેશભાઈ પટેલ, શ્રી હસમુખભાઈ વાઢેર, શ્રી રાજેશભાઈ શેલડીયા, શ્રી હરિશભાઈ પટેલ વગેરે ભાઈઓએ સ્વામીજીનું પુષ્પમાળાથી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

સભાના આરંભે સંકીર્તન થયા બાદ પૂજ્ય સ્વામીજીએ સત્સંગનો લાભ આપતા હિંદુ ધર્મની વિશિષ્ટતાઓ સમજાવી હતી. સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, “આજના યુગમાં મનુષ્યે ખૂબ જ પ્રગતિ કરી છે. ગાડી, બંગલા, ટેકનોલોજી વગેરે ક્ષેત્રે આપણી ખૂબ જ પ્રગતિ થઈ છે, છતાં પણ આજનો વિકસિત માનવ અશાંતિનો અનુભવ કરી રહ્યો છે.”

અશાંતિનું કારણ જણાવતા સ્વામીજીએ કહ્યું હતું કે, “માત્ર બાહ્ય પ્રગતિ ક્યારેય શાંતિ આપતી નથી. માનવીમાં જ્યારે આંતરિક સદ્‌ગુણો વૃદ્ધિ પામે ત્યારે જ સાચી શાંતિનો અનુભવ કરી શકે છે. માત્ર બાહ્ય પ્રગતિ અધુરી છે.

આંતરીક પ્રગતિ સાચી પ્રગતિ છે. આંતરીક પ્રગતિનો અર્થ છે, પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ.”

“જીવનના ઉત્તમ સદ્‌ગુણો હિંદુ ધર્મનો પાયો છે. બાહ્ય આચાર કેટલેક અંશે ઉપયોગી છે પરંતુ જીવનમાં સદ્‌ગુણોનો વિકાસ થાય તે વિશેષ મહત્ત્વનું છે. ”

“હિંદુ ધર્મમાં સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ સદ્‌ગુણોને સર્વોત્તમ માનવામાં આવ્યા છે.”

“સત્ય કર્કશ ન હોવું જોઈએ. સત્ય પ્રિય અને હિતકર હોવું જોઈએ. પરમેશ્વરનું બીજું નામ સત્ય છે. સત્ય સ્વરૂપ પરમાત્માની ઉપાસના કરવાથી જીવાત્માને સાચી શાંતિ પ્રાપ્ત થાય છે.”

“જેટલો મનુષ્યને જીવવાનો અધિકાર છે એટલો જ પશુપંખીઓને જીવવાનો અધિકાર છે. હિંસા મહાપાપ છે. પાપી પેટનો ખાડો પુરવા હિંસા ન કરાય.”

“અસ્તેય એટલે ચોરી ન કરવી. પ્રામાણિકતાથી જીવવું. સ્વામિનારાયણ ભગવાને લખ્યું છે કે, ધણીયાતી વસ્તુને ધણીને પૂછ્યા સિવાય લેવી તે પણ ચોરી છે. સામાની ઈચ્છા ન હોય છતાં યુક્તિ-પ્રયુક્તિથી વસ્તુ પડાવી લેવી તે પણ ચોરી છે.”

“બ્રહ્મચર્યનો અર્થ છે, સંયમિત જીવન. બ્રહ્મચર્ય વ્રત સાધુ સંતો પૂરતું સિમિત નથી. ગૃહસ્થાશ્રમમાં પરણ્યા એ જ પત્ની; બીજી સ્ત્રી મા, બેન, દિકરી છે. પરણ્યા એ જ પતિ; બીજા પુરુષ ભાઈ, બાપ અને દિકરા છે. આવી જે મનની પવિત્ર વૃત્તિ તે ગૃહસ્થાશ્રમનું બ્રહ્મચર્ય છે.”

“સંગ્રહખોરી પાપ છે. ભારતના ઋષિઓ શીખવે છે કે, પુરુષાર્થ અને પ્રભુકૃપાથી જે મળે તેને વહેંચીને ભોગવતા શીખવું જોઈએ. ‘ટેબલ ઉપરની વાદળીની જેમ ચૂસણખોર ન થાવું, આકાશની વાદળીની જેમ વરસતા શીખવું.’

‘મળેલી સંપત્તિનો સત્કાર્યમાં સદુપયોગ કરનાર વ્યક્તિ અપરિગ્રહી છે. દરિદ્રનારાયણ અને દર્દીનારાયણની સેવા કરવી. ભૂખ્યાને ભોજન આપવું, ગરીબ પરિવારના દિકરા-દિકરીઓને ભણાવવા, ગાયમાતાની સેવા કરવી, માંદાની સેવા કરવી આ અપરિગ્રહવ્રત છે.”

સ્વામીશ્રીના આ પ્રેરણાત્મક પ્રવચનથી ઉપસ્થિત ભાઈ-બહેનો ખૂબ જ રાજી થયા હતા. સત્સંગ બાદ શ્રીકષ્ટભંજનદેવની આરતી તથા સ્તુતિ કરીને બધા જ ભક્તજનોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.

લેસ્ટરના જયસુખભાઈ ગાંધીના સુપુત્રો યોગેશભાઈ ગાંધી અને દિનેશભાઈ ગાંધી આજના સત્સંગના મનોરથી હતા. આ પ્રસંગે લેસ્ટ સનાતન મંદિરના પ્રમુખશ્રી રમણીકભાઈ બાર્બર, રોહિતભાઈ ત્રિવેદી, પ્રસિદ્ધ પત્રકાર દિપકભાઈ જોષી, હરિભાઈ રાઠોડ, રમેશભાઈ જનસારી વગેરે ભાઈ- બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Achieved

Category

Tags