Photo Gallery
ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી યુ.કે. સત્સંગ યાત્રા – ૨૦૨૨ દરમિયાન લેસ્ટર પધાર્યા હતા.
સ્વામીશ્રીની ઉપસ્થિતીમાં હિંદુ ધર્મની પરંપરાને દૈદિપ્યમાન કરનારા અનેક આયોજનો થયા હતા. પૂજ્ય સ્વામીશ્રી હિંદુ સનાતન મંદિરે પધાર્યા હતા. જ્યાં મંદિરના પ્રમુખ શ્રી રમણીકભાઈ બાર્બર તથા અન્ય કમિટિના સભ્યોએ સ્વામીશ્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અને સત્સંગનો લાભ લીધો હતો.
લેસ્ટર ખાતે શ્રી યોગેશભાઈ ગાંધીના નિવાસ સ્થાને ‘શ્રીમહાવિષ્ણુયાગ’નું આયોજન કરવામાં આવ્યું હતું. મહાવિષ્ણુયાગનો વૈદિક વિધી SGVP ગુરુકુલ સંચાલિત ‘દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય’ના ઋષિકુમાર શ્રી જ્વલંતભાઈ મહેતાએ કરાવ્યો હતો.
મહાવિષ્ણુયાગની પૂર્ણાહુતિમાં ઉપસ્થિત પૂજ્ય સ્વામીશ્રીએ શ્રીફળનો હોમ કર્યો હતો. મંગલ આશીર્વાદ પાઠવતા પૂજ્ય સ્વામીશ્રીએ મહાવિષ્ણુયાગનો દિવ્ય મહિમા સમજાવ્યો હતો. ભારતીય સંસ્કૃતિ યજ્ઞ-પ્રધાન સંસ્કૃતિ છે. યજ્ઞ કુંડ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતિક છે. અગ્નિનારાયણ ભગવાન શ્રી વિષ્ણુનું મુખ છે. યજમાને પ્રેમથી આપેલી આહુતિઓનો અગ્નિનારાયણ સ્વીકાર કરે છે અને યજમાન પર પ્રસન્ન થાય છે. યજ્ઞ કલ્પવૃક્ષ સમાન છે. જે યજમાનના સર્વ શુભ મનોરથ પુરા કરે છે. ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્ણે અનેક પ્રકારના યજ્ઞો બતાવ્યા છે જેમાં જપયજ્ઞને શ્રેષ્ઠ ગણ્યો છે.
SGVP ગુરુકુલ – અમદાવાદ ખાતે યજ્ઞશાળામાં થતા અનેક પ્રયોગોની સિદ્ધિ જણાવતા સ્વામીશ્રીએ કહ્યું હતું કે, “SGVP ગુરુકુલ ખાતે નિત્ય વૈદિક યજ્ઞ તો થાય જ છે. તદુપરાંત SGVP હોલિસ્ટીક હોસ્પિટલના નિષ્ણાંત વૈદ્યો આયુર્વેદ શાસ્ત્રમાં દર્શાવેલી પદ્ધતિ અનુસાર આરોગ્ય યજ્ઞ પણ કરે છે. યજ્ઞ ચિકિત્સા દ્વારા અનેક દર્દીઓને વિવિધ પ્રકારના લાભ થઈ રહ્યા છે.”
આ શ્રીવિષ્ણુયાગ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞની આહુતિઓ આપવામાં ભાગ લીધો હતો. વિદેશની ભૂમિમાં આવા વિધીપૂર્વક થનારા યજ્ઞનું દર્શન ભાગ્યે જ પ્રાપ્ત થતું હોય છે.