Photo Gallery
SGVP ગુરુકુલ પરિવાર સુરત દ્વારા તારીખ ૨૮ ફેબ્રુઆરીથી ૨ માર્ચ દરમિયાન સુરત ખાતે આગામી ભાવ વંદના પર્વના ઉપક્રમે ‘શ્રી ધર્મજીવન વ્યાખ્યાનમાળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં અનેકવિધ આયોજનો થયા હતા.
ખાસ કરીને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત દ્વારા હોસ્ટેલ પ્રોજેક્ટનો શુભારંભ થયો છે. પૂજ્ય સ્વામીજીએ આ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ‘સેવા-સમર્પણ’ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
પૂજ્ય સ્વામીશ્રીના સુરત નિવાસ દરમિયાન તા. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ શૈક્ષણિક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરતના શિક્ષણ અધિકારીઓ, વિવિધ શાળાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં આચાર્યશ્રીઓ તથા શિક્ષકો જોડાયા હતા અને પૂજ્ય સ્વામીજી સાથે સંવાદમાં ભાગ લીધો હતો.
આ સંવાદના પ્રારંભે સૌરાષ્ટ્ર પટેલ સમાજના અગ્રણી કાનજીભાઈ ભાલાળાએ પૂજ્ય સ્વામીજીનું સ્વાગત કરી પ્રસ્તાવના સ્વરૂપે સ્વામીજીનો પરિચય આપ્યો હતો તથા વર્તમાન શિક્ષણના કેટલાંક મૂંઝવતા પ્રશ્નોની રજુઆત કરી હતી. ઉપરાંત આ પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી ઉપાયો તથા પ્રેરણા આપવા પૂજ્ય સ્વામીજીને વિનંતી કરી હતી.
પૂજ્ય સ્વામીજીએ શિક્ષણજગતને સંબોધતા વિજ્ઞાન અને ધર્મને જોડતી કડી વિશે મર્મ ભરી વાતો કરી હતી. સ્વામીજીએ જણાવ્યું હતું કે, આજે જે પ્રકારે શિક્ષણ ચાલે છે એ જ પરંપરાથી ચાલશે તો થોડા જ વર્ષમાં ભારતવર્ષે એના ગંભીર પરિણામો ભોગવવા પડશે. પ્રશ્નો બધી જગ્યાએ હોય, પરંતુ પ્રશ્નોનું નિરાકરણ પણ હોય જ છે. આજે લોકો પ્રશ્નોના સમાધાન શિક્ષણ પાસે મેળવવા પ્રયત્નો કરે છે, પરંતુ તમામ પ્રશ્નોનું નિરાકરણ ભૌતિક શિક્ષણ પાસેથી નહીં મળે, એના માટે અધ્યાત્મનો ઓથ લેવો આવશ્યક છે.
આજે શિક્ષણ સાથે સંસ્કારની ખૂબ આવશ્યકતા છે. સંસ્કારયુક્ત શિક્ષણ જ સર્વ પ્રશ્નોનું સમાધાન લાવશે. માટે જ ભગવાન શ્રી સ્વામિનારાયણે સદ્વિદ્યા પ્રવર્તનના આદેશ દ્વારા આ જ કાર્યને પ્રોત્સાહન આપ્યું છે.
સાથે સાથે આજનું શિક્ષણ ઇતિહાસને ભૂલી રહ્યું છે. ઇતિહાસ ભણાવાય છે, પરંતુ ખોટો ભણાવાય છે. જ્યાં સુધી બાળકને આપણા ઋષિઓ, સંતો, ભક્તો, વૈજ્ઞાનિકો, શહિદોનો સાચો ઇતિહાસ નહીં ભણાવાય ત્યાં સુધી બાળકોમાં પરંપરા અને સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ નહીં જાગે.
સંમેલનના અંતે સૌરાષ્ટ્ર પટેલ સમાજના અગ્રણી સવજીભાઈ વેકરિયાએ સ્વામીજીનો ખૂબ આભાર માન્યો હતો અને શિક્ષણજગતને પ્રેરણા આપતા આવા પ્રસંગો આપના સાંનિધ્યમાં વારંવાર યોજાતા રહે એવી માંગણી મૂકી હતી.
તા. ૦૧ માર્ચ ૨૦૨૨, શિવરાત્રિના પવિત્ર દિવસે શિવપૂજન તથા રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં સંતો તથા ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.
પૂજ્ય સ્વામી માધવપ્રિયદાસજીએ આ પ્રસંગે શિવ તત્વનું માહાત્મ્ય સમજાવતા કહ્યું હતું કે, વિપરિત પરિસ્થિતિમાં પણ આનંદમાં રહેવું એ શિવજીનો સ્વભાવ છે. હિમાલયના હિમશિખરો ઉપર, અગવડતાઓ અને મુશ્કેલીઓની વચ્ચે શિવપરિવાર ખૂબ શાંતિ અને સુખપૂર્વક નિવાસ કરી રહ્યો છે.
બીજું, વિરુદ્ધ સ્વભાવના વ્યક્તિઓ વચ્ચે સમરસતાનો સેતુ કેમ બાંધવો તે શિવજી શીખવે છે. પોતાના પરિવારમાં સર્વના સ્વભાવ જૂદા જૂદા છે, દરેકના વાહનો – નંદી, સિંહ, મયૂર, ઉંદર, સર્પ વગેરે પ્રાણીઓ પણ અલગ અલગ સ્વભાવના છે, છતાં શિવને લીધે તે બધાએ પોતાના સ્વભાવ છોડી દીધા છે અને સંપથી રહે છે. આવું થવાનું કારણ શિવજીની જટામાંથી વહેતી સ્નેહ અને જ્ઞાનની ગંગધારા છે. જે પરિવારમાં સ્નેહ અને જ્ઞાન હોય તે પરિવારમાં સદાય સંપ રહે છે.
ત્રિદિવસીય વ્યાખ્યાનમાળાના આયોજનમાં SGVP ગુરુકુલ પરિવાર સુરતના ભક્તોએ તમામ પ્રકારના આયોજનમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. સ્વામીજી તથા સંતોએ સર્વને શુભાશિર્વાદ પાઠવ્યા હતા.