Photo Gallery
શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે સદ્ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની સદ્વિદ્યા પ્રવર્તન અને સર્વજીવહિતાવહ પરોપકારી સેવા પ્રવૃત્તિઓમાં પૂજયપાદ બ્રહ્મનિષ્ઠ જોગી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય મુગટ સ્વામી શ્રી નિરાન્નમુક્તદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી જેવા અનેક સંતોએ જીવનભર સાથે આપી સત્સંગનું પોષણ કર્યું. ગુરુકુલ પરિવાર, સત્સંગ અને સમાજ તેમના આ ઋણને ક્યારેય ભૂલી ન શકે. એમની પાવન સ્મૃતિમાં વિવિધ સેવા ભજનના આયોજનો દ્વારા ગુરુકુલ પરિવારના સંતો ભક્તો એમના પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતા રહે છે.
ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં, શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના જમણા હાથ સમાન તેમજ ગુરુકુલની પ્રગતિમાં જેનો સિંહ ફાળો રહેલ છે તેવા વાત્સલ્યમુર્તિ પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામીની ૩૭મી પુણ્યતિથિ (અષાઢ સુદ પાંચમ) તથા શાસ્ત્રીજી મહારાજની આજ્ઞામાં રહીને વરસો સુધી જુનાગઢ ગુરુકુલનું સંચાલન જેણે નિષ્ઠાપૂર્વક કરેલ છે તેવા સેવામૂર્તિ પૂજ્ય મુગટ સ્વામીશ્રી નિરાન્નમુક્તદાસજી સ્વામીની ૩૨મી પુણ્યતિથિ (અષાઢ સુદ છઠ)ના પાવન પ્રસંગે SGVP ગુરુકુલ રીબડા ખાતે તા. ૪ થી ૬, જુલાઇ, ૨૦૨૨ દરમ્યાન ત્રિદિનાત્મક શ્રીહરિયાગ, ગુણાનુવાદ સભા અને ગૌ-પૂજનનું આયોજન થયું હતું.
રાજકોટ અને આજુબાજુના ગુંદાસરા, પારડી, વાવડી, રીબ, ખોખડદડ, ખાંભા વગેરે અનેક ગામોના હરિભક્તો સપરિવાર આ આયોજનોમાં સહભાગી થયા હતા.