Photo Gallery
ગુરુપૂર્ણિમા એટલે વ્યાસ પૂજનનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે ભારતવર્ષની સંત પરંપરાને વંદન કરવાનું મહાન પર્વ. ભારત દેશમાં અનેક પર્વો ઉજવાય છે. તેમાં ગુરુપૂર્ણિમાનું પર્વ ભારતીય સંસ્કૃતિનું શિરમોડ પર્વ છે. વેદવ્યાસ ભગવાને શ્રીમદ્ ભાગવત આદિ ૧૮ પુરાણો, મહાભારત આદિ ગ્રન્થોની રચના અને વેદોના ચાર ભાગ કરી, વ્યાસ સૂત્રોની રચના કરી ભારતીય સંસ્કૃતિને કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગથી સમૃદ્ધ કરી છે. અને વિશ્વના ગુરુ સ્થાને મૂકી છે. એવા વેદવ્યાસ ભગવાનના ઋણને ભારતીય પ્રજા ક્યારેય ભૂલી શકે તેમ નથી.
ઉપરોક્ત વાક્યો ગુરુપૂર્ણિમાના પુનિત પર્વે વહેલી સવારે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાધ્યાપકો અને ઋષિકુમારો દ્વારા યોજાયેલ વ્યાસપૂજન અને મહાવિષ્ણુયાગ પ્રસંગે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ઉચ્ચાર્યા હતા.
પૂજ્ય સ્વામીજી સાથે સંતો અને શિક્ષકગણ, ઋષિકુમારો વગેરેએ વ્યાસ ભગવાનનું પૂજન કર્યુ હતું. દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં ઋગ્વેદ, શુક્લયજુર્વેદ, કૃષ્ણયજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનો અભ્યાસ કરતા નાના ઋષિકુમારોએ મહાવિષ્ણુયાગ પૂર્ણાહૂતિ પ્રસંગે વૈદિક મંત્રોના ગાન સાથે, મહાકાય આજાનબાહુ વ્યાસ ભગવાનની મૂર્તિનું ષોડશોપચાર પૂજન કર્યું હતું.
ત્યારબાદ તમામ પ્રાધ્યાપકો, ઋષિકુમારોએ ગુરુ સ્થાને રહેલ પૂજ્ય સ્વામીજીનું પૂજન કર્યું હતું.