Photo Gallery
યોગ એ ભારતની શાન છે, તેને વિશ્વમાં અગ્રેસર કક્ષાએ લઈ જવામાં મા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો પ્રશંસનીય છે.
ખાસ કરીને ભારતના આઝાદીના અમૃત મહોત્સવ પર્વે આંતરરાષ્ટ્રીય યોગ દિન ઉજવાઇ રહ્યો છે ત્યારે વૈશ્વિક સ્તરે ભારતીય પરંપરાના પ્રતિકરુપ યોગાસનોનું હાલના સમયમાં સમગ્ર માનવ સમાજ માટે મહત્વ દર્શાવવા માટે તા.૨૧ જૂન, ૨૦૨૨ – આંતરરાષ્ટ્રિય યોગ દિવસે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં એસજીવીપી ઇન્ટરનેશનલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય અને અમદાવાદ મેમનગર ગુરુકુલના ૯૦૦ વિદ્યાર્થીઓએ એસજીવીપીના વિશાલ ફુટબોલ મેદાનમાં જુદા જુદા યોગાસનો કરી યોગદિન ઉજવ્યો હતો. આ ઉપરાંત યોગ દિવસના લોગોના આકારમાં પણ વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ વિવિધ યોગાસન કર્યા હતા.
સમૂહ યોગાસન સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણીના આ પ્રસંગે વિદેશયાત્રા કરી રહેલ પૂજ્ય સ્વામીજીએ ટેલીફોન દ્વારા યોગમાં જોડાયેલ તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓને આશીર્વાદ આપતા જણાવ્યું હતુ કે સામાન્ય રીતે લોકો પોતાના આરોગ્ય અને શારીરિક સુખાકારી માટે યોગ કરે છે પણ ખરેખર યોગ તેથી વિશેષ છે. યોગ તો વ્યક્તિને ભગવાન સાથે જોડે છે. યોગથી શુદ્ધ થયેલ ચિત્તથી ભકિતમાં હકારાત્મક શુભ સ્પંદનો જાગે છે. યોગ કરવાથી આત્મવિશ્વાસ પેદા થાય છે. શારીરિક કરતાં પણ માનસિક સ્તરે યોગના ઘણા લાભો હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ વિશ્વમાં સ્વીકૃતિ પામ્યા છે.
પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે – શરીરમાદ્યમ્ ખલુ ધર્મ સાધનમ્ – શરીર સુદ્રઢ અને સ્વસ્થ હશે તો દરેક કામ સવિશેષ જાગૃતિ અને ચોકકસાઈથી કરી શકાશે.
આ પ્રસંગે પતંજલિ યોગ સંસ્થા, હરિદ્વારથી આવેલ શ્રી હરેશભાઇ સોનીએ પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર સાથે યોગાસન કરાવ્યા હતા અને યોગ તથા પ્રાણાયામનું મહત્વ સમજાવ્યું હતું.