વિશ્વના ધર્મસ્થાનોની રક્ષા માટેની અગત્યની બેઠક – દિલ્હી
આજે વિશ્વમાં વિકાસ વધી રહ્યો છે પરંતુ સાથે સાથે સંઘર્ષ પણ વધી રહ્યો છે. ધર્મક્ષેત્ર પણ એમાંથી બાકાત નથી. વિશ્વમાં શાંતિ, ન્યાય અને સહકારનું વાતાવરણ સર્જાય એ ખૂબ જ જરૂરી છે. યુનાઇટેડ નેશન દ્વારા આના ભાગરૂપે વિશ્વભરના ધર્મસ્થાનોના રક્ષણ માટેનો એક ઠરાવ કરવાનું વિચારાઇ રહ્યું છે. આ વિષયના અનુસંધાને November 04, 2012 દિલ્હી ખાતે યહુદી ધર્મના વડા ડેવીડ રોઇઝનના અધ્યક્ષ સ્થાને વિવિધ ધર્મના અગ્રણીઓની બેઠક યોજાઇ હતી. આ સભામાં હિન્દુ ધર્માચાર્ય સભાના એક્ટિવ મેમ્બર તરીકે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને સંન્યાસ આશ્રમના મહંત શ્રી વિશ્વેશ્વરાનંદજી મહારાજે ભાગ લીધો હતો. ઉપરાંત મુસ્લિમ ધર્મના તેમજ ક્રિશ્ચન-કેથોલિક ધર્મના આગેવાન પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને વિશ્વમાં શાંતિ અને સુહૃદભાવ જળવાઇ રહે તે માટે મહત્ત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી. ડેવીડ રોઇઝને જણાવ્યું હતું કે, “આજે અફઘાનિસ્તાન તેમજ અનેક સ્થળે ધર્મસ્થાનોનો વિનાશ થઇ રહ્યો છે. જેનાથી વિશ્વની શાંતિ ડહોળાઇ રહી છે. આપણે આ પરિસ્થિતિમાંથી બહાર આવવાની જરૂર છે. “પૂજય સ્વામીજીએ જણાવ્યું હતું કે, “બધા ધર્મોના અનુયાયીઓએ ’મારો જ ધર્મ શ્રેષ્ઠ છે’ એવા પૂર્વગ્રહો છોડીને પરસ્પર આદરની ભાવના કેળવવી જોઇએ અને એકબીજાના ધર્મ અને પરંપરાને હૃદયથી માન આપવું જોઇએ. ભૂતકાળમાં ઘણી બધી ભૂલો થઇ હોય, એને એકબાજુ રાખીને નવા વિશ્વમાં નવો અધ્યાય રચવાની ખાસ જરૂર છે. માટે યુનાઇટેડ નેશન દ્વારા આવો કોઇ ઠરાવ થતો હોય એનાથી વિશ્વના તમામ ધર્મોને માનસિક શાંતિ અને સુરક્ષાનો અહેસાસ થશે. માટે આપણે આ ઠરાવને વધાવી લેવો જોઇએ.” સ્વામીજીના વિચારોને બધાએ શાંતિથી સાંભળ્યા હતા અને હર્ષથી વધાવી લીધા હતા. આ બેઠક સફળ રહી હતી.