શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (એસજીવીપી) અમદાવાદ ખાતે આગામી ૨૭ થી ૩૦ ડિસેમ્બર, ૨૦૨૩ દરમિયાન ભવ્ય-દિવ્ય સ્મૃતિ મહોત્સવ ઉજવાવા જઈ રહ્યો છે.
આ મહોત્સવ યજ્ઞ-અનુષ્ઠાન પરાયણ પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની સ્મૃતિમાં આયોજિત થયો છે. મહોત્સવ દરમિયાન ૧૦૮ કુંડી મહાવિષ્ણુયાગ, સહસ્રકલશાભિષેક, વ્યસનમુક્તિ અભિયાન, મેડિકલ કેમ્પ જેવા અનેક ધાર્મિક તથા સામાજિક સેવાના આયોજનો થવાના છે.
પરમ પૂજ્ય ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા તથા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે આ મહોત્સવ ઉજવાશે. જેમાં ધાર્મિક તથા સામાજિક ક્ષેત્રના અનેક સંતો-મહાનુભાવો પધારી મહોત્સવનો લહાવો લેશે અને દર્શન આશીર્વચનનો લાભ આપશે.
આ ભવ્ય મહોત્સવની પૂર્વતૈયારીઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તારીખ ૧ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ પૂજ્ય સદ્ગુરુ સંતો તથા વિશાળ સંખ્યામાં ભક્તજનોની ઉપસ્થિતિમાં વિજયધ્વજનું સ્થાપન કરવામાં આવ્યું હતું તથા યજ્ઞશાળા નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગૌપૂજનથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ ભૂમિપૂજન તથા ધ્વજપૂજન કરી વિજયસ્તંભનું સ્થાપન કરવામાં આવ્યું હતું. રંગબેરંગી ફુગ્ગાઓથી યુક્ત મહોત્સવના લોગોનું દશે દિશાઓમાંથી અનાવરણ કરવામાં આવ્યું હતું.