ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રસાદીભૂત રાજકોટ નજીક કાંગશિયાળી ગામે ગુરુકુલ પરંપરાના પ્રણેતા પરમપૂજય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા અખંડ ભગવત પરાયણ શ્રી જોગી સ્વામી વારંવાર પધારી સત્સંગને નવ પલ્લવિત રાખેલ છે.આ કાંગશિયાળી ગામે પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીના શુભાશીર્વાદથી નવ્ય ભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર તૈયાર થયેલ છે. આ નૂતન મંદિરમાં વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધર્મ ધુરંધુર ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે ભગવાન શ્રી સ્વામિનારાયણની ચિત્રપ્રતિમા તથા હનુમાનજી ગણપતિની પ્રતિષ્ઠા તા.૨-૪-૨૦૧૨ના રોજ કરવામાં આવેલ.આ મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા રાજકોટ મંદિરના પુરાણી શ્રી માધવજીવનદાસજી સ્વામીના વ્યાસપદે શ્રીમદ્ ભાગવત કથા પારાયણ તા.૨૭-૩-૧૨ થી તા.૨-૪-૧૨ દરમ્યાન રાખવામાં આવેલ. પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામીએ પણ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું.
કથા પ્રસંગે પ્રથમ દિવસે કથાના યજમાન પરશોત્તમભાઇ જાદવભાઇ ડાવરાના નિવાસ સ્થાનેથી કથા સ્થાન સુધી ભવ્ય પોથી યાત્રા કાઢવામાં આવી હતી. કથા અંતર્ગત ભગવાન શ્રી રામચંદ્રજી પ્રાગટ્યમહોત્સવ, ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પ્રાગટ્યમહોત્સવ, ગોવર્ધન લીલા ,અન્નકૂટોત્સવ વગેરે ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા. પ્રતિષ્ઠા વિધિના અંગભૂત શ્રી મહાવિષ્ણુયાગનું આયોજન પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું હતું.મહોત્સવ દરમ્યાન દિવસના અંતિમ ચરણમાં તા.૨૮-૩ ના રોજ શ્રી વિજયદાન ગઢવી તથા શ્રી વજુગીરી ગૌ સ્વામી દ્વારા ભજન સંધ્યા, તા.૨૯-૩ ના રોજ શ્રી હરેશદાન ગઢવી દ્વારા લોકડાયરો, તા.૩૦-૩ ના રોજ આદિત્યાણા કાનગોપી રાસમંડળ, તા.૩૧-૩-૧૨ રોજ રાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓનો ભવ્ય સાંસ્કૃતિ કાર્યક્રમ અને તા.૨-૪-૧૨ ના રોજ સવારે ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા વિધિ રાખવામાં આવી હતી. મહોત્સવ દરમ્યાન જુદા જુદા સ્થાનોએથી પધારેલા સંતોએ પણ દર્શન, પ્રવચનનો લાભ આપ્યો હતો. મંદિરની ભૂમિના દાતા અ.નિ. ચંદુભા ભાણુભા જાડેજા અને શ્રી મહેન્દ્રસિંહ દાનસિંહ તથા મૂર્તિ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન શ્રી બાબુભાઇ સખીયા અને મહાવિષ્ણુયાગના યજમાન નરેન્દ્રસિંહ જાડેજા રહ્યાહતા. ગણપતિજીના પૂજનના યજમાન શ્રી અમરસિંહ રણુભા જાડેજા, હનુમાનજીના પૂજનના યજમાન શ્રી ગોરધનભાઇ રુપાપરા અને શ્રી વાલજીભાઇ રુપાપરા રહ્યા હતા. દૈનિક રસોઇના મુખ્ય યજમાન તરીકે કાંગશિયાળી મહિલા મંડળે લાભ લીધો હતો.